એ અદ્રશ્ય શક્તિનો અનુભવ ...

 

 જ્યારે બે હાથ વાળો કશું નથી કરી શકતો ત્યારે હજાર હાથવાળો એવી રીતે બચાવી લે છે કે તેના પરનો વિશ્વાશ દ્રઢ બની જાય છે! આવું આપણે બધાએ સાંભળ્યું કે અનુભવ્યું પણ હશે જ! કયારેક મોટી મોટી હોનારતોમાંથી અનેક લોકો આબાદ બચી જાય છે! તો ક્યારેક અણીના સમયે અચાનક મોટી મુસીબત એક નાનકડો ઘસરકો આપ્યા વિના ચાલી જાય છે ત્યારે આપણે કહી ઊઠીએ છીએ," હાશ! બચી ગયા! " એ સમયે આપણને એવો અનુભવ થાય છે કે કોઈ અદ્રશ્ય શક્તિ એ આપણને ઉગારી લીધા!!

મારા જીવનમાં પણ આવું અનેક વાર બન્યું છે. જેથી ઈશ્વર પરનો મારો વિશ્વાશ દ્રઢ બન્યો છે. આવી જ એક ઘટનાનું મને આજે સ્મરણ થઈ આવે છે...જે યાદ કરતાં અત્યારે પણ મારા રુવાંટા ઊભા થઈ જાય છે! આંખો ભીની બની જાય છે!! આજે એ વિશે લખવાની હિંમત કરી રહી છું...

વાત એ સમયની છે જ્યારે મારી દીકરી દિવ્યા પાંચેક વર્ષની હતી અને દીકરો દિવ્ય આઠેક વર્ષનો! એ દિવસે અમે અમારા એક મિત્રના ઘરે પાર્ટીમાં ગયા હતા. પાર્ટી પત્યા ગયા પછી અમે મિત્ર પરિવારો સાથે વાતો કરતાં લીફ્ટમાં ' ગ્રાઊન્ડ ફ્લોર ' પહોંચ્યા. અમારી ગાડી મકાનના ' બેઝમેંટ ' માં ' પાર્ક ' કરેલી હતી. અમારા બીજા મિત્રોની ' ગ્રાઊન્ડ  ફ્લોર ' પર! તેઓને " આવજો " કહીને મોહિત ' બેસમેંટ ' તરફ ગયો! દિવ્ય પણ પપ્પાની સાથે હતો. ' ગ્રાઊન્ડ ફ્લોર ' થી બેસમેંટ સુધી જવા લગભગ વીસેક પગથિયાં ઉતરવાના હતા. દાદરનો આકાર સર્પાકાર હતો. હું મારી સખીઓ સાથે વાત કરતી હતી પછી હું પણ તેમને " આવજો " કહીને દિવ્યાનો હાથ પકડીને નીચે ઉતરવા લાગી.

બે પગથિયાં માંડ જ ઉતરી હોઈશ ત્યાં મારી એક સખીએ મને બૂમ મારી કારણ, મારી ' બેગ ' એની પાસે રહી ગઈ હતી. હું એના હાથમાંથી બેગ લેવા બે પગથિયાં ઉપર ચડી! મારા એક હાથમાં પર્સ હતું અને બીજા હાથે મેં દિવ્યા ને પકડી હતી. સખી પાસેથી બેગ લેવા જતાં, થોડી સેકંડ માટે દિવ્યાનો હાથ છૂટી ગયો. મારી સખીના હાથમાંથી બેગ લઈને એનો આભાર માનીને હું દિવ્યા તરફ પાછી ફરું એ પહેલાં જ દિવ્યાએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને સર્પાકાર દાદરના વચ્ચેના પોલાણ માંથી તે નીચે પડી ગઈ!! આમ તો એ પોલાણ એટલું મોટું નહોતું કે કોઈ માણસ એમાંથી સરકી શકે પરંતુ, મારી દિવ્યા ખૂબ પાતળી અને નાજુક હતી એથી એમાંથી આરામથી નીકળી ગઈ!! આ બધું ગણતરીની સેકંડોમાં બની ગયું. હું માત્ર બે જ પગથિયાં ઉપર હતી. તોયે દિવ્યા ને પડતી બચાવી શકી નહીં. મેં જોરથી ચીસ પાડી અને ઉતાવળે પગથિયાં ઉતરવા લાગી! બીજી પળે શું બનશે એની કલ્પના પણ કરી શકતી નહોતી!!
કહેવાય છે ને જાકો રાખે સાંઈયા, માર સકે ને ના કોઈ! ' સદૄનસીબે મોહિત કાર તરફ ગયો ત્યારે મારા દીકરા દિવ્યને છેલ્લા પગથિયે ઊભો રાખીને ગયો હતો. જતી વખતે કહી ગયો કે મમ્મી અને બહેનને અહીં જ ઊભા રાખજે! હું ગાડી લઈને આવું છું. " એથી દિવ્ય નીચે જ હતો. એણે બહેન ને પડતી જોઈ એ સમયે એ આઠ વર્ષના બાળકને ઈશ્વરે સદબુદ્ધિ આપી અને એ તરત જ બહેનને પકડવા દોડ્યો! એ થોડો મોડો પડ્યો! વેગથી પડતી બહેનને એ ઝીલી તો ન શક્યો પરંતુ, એ પડી ત્યારે એનો હાથ પકડી શક્યો. નસીબ જોગે દિવ્યા જ્યારે નીચે પડી ત્યારે બેઠી પડી ત્યારે દિવ્યએ તેનો હાથ પકડી લેતાં એનું માથું જમીન પર અથડાયું નહીં!! નહીં તો.. શું થાત?? પરિણામ ભયાનક હોત!!

મારી ચીસ સાંભળીને કાર તરફ જતો મોહિત તરત જ પગથિયાં તરફ દોડતો આવ્યો. ત્યાં સુધી હું પણ બાળકો પાસે પહોંચી ગઈ. બીજા મિત્રો પણ દોડીને આવ્યા. દિવ્ય એ બહેનને બે હાથે પકડી રાખી હતી. મોહિતે તરત જ દિવ્યા ને તેડી લીધી. બેઠી પડવાને લીધે એના કમરના ભાગમાં વાગ્યું હતું. એ જોરથી રડતી હતી. દિવ્ય પણ હેબતાઈ ગયો હતો. કશું બોલતો નહોતો. બહેનને જોયા કરતો હતો. મેં એને છાતી સરસો ચાંપી લીધો અને દિવ્યા ને કયાં વાગ્યું એ જોવા લાગી. અમે બધા એને લઈને નજીકની હોસ્પિટલે દોડ્યા!!

ડોકટરે બધા ચેકઅપ કર્યા. દિવ્યાને કોઈ મોટી ઇજા થઈ નહોતી. શરીરના કોઈ ભાગમાં ફ્રેકચર પણ થયું નહોતું. માત્ર કમરના ભાગમાં અને પગના ઉપરના ભાગમાં ઈજા થઈ હતી. જે ગંભીર નહોતી. થોડા કલાકો એને ' ઑબઝરવેશન ' માં રાખી. પછી જરૂરી દવા આપીને ઘરે લઈ જવાની રજા આપી! મારા આંસુ રોકાતા નહોતા. મારી બેદરકારીને લીધે આજે કેટલું ભયંકર પરિણામ આવી શકત એ વિષે વિચારીને હું કંપી ઉઠી. ગાડીમાં બેસતાં જ મોહિત બોલ્યો, " હાશ! આપણી દિવ્યાને કશું નથી થયું! ઈશ્વર કૃપાથી આજે આપણે બચી ગયા!! "

અમારા મિત્રો અમને ઘરે મૂકવા આવ્યા. રસ્તામાં બધા એ જ વાત કરતા હતા," આટલી ઊંચાઈથી આટલી નાની બાળકીનું પડવું અને કશી ઇજા વિના બચી જવું એ સાચે જ ચમત્કાર છે! " બધા એ ઈશ્વરનો આભાર માન્યો અને દિવ્યને શાબાશી આપી!

ઘરે આવીને દવાના ઘેનમાં સૂતેલી દિવ્યાને મેં ઇષ્ટદેવના મંદિર પાસે સુવડાવી. અમે બધા ત્યાં જ બેસી ગયા. બે હાથ જોડીને એમનો આભાર માન્યો! હું કશું બોલી શકું એવી સ્થિતિમાં નહોતી! મારા આંસુઓ પ્રભુને કહી રહ્યા હતા, " મારા પ્રભુ, તું જ માતા છે તું જ પિતા છે! તને પણ તારા બાળકોની એટલી ચિંતા છે કે તું દોડીને આવી ગયો મારી દીકરીને બચાવવા! અમારા પર કરેલો તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું!! " 

એ દિવસથી બંને બાળકોની સુરક્ષા માટે અમે બંને વધુ સાવધ રહેતા થયા! બાળ ઉછેર આમ પણ એક મોટી પાઠશાળા છે જેમાં દરેક અનુભવ આપણને કંઈક નવું શીખવી જાય છે!!

આજે તો બંને બાળકો મોટા થઈ ગયા છે. પોતાના જીવનને ઘડવા અમારાથી દૂર ગયા છે. પરદેશમાં તેઓની સુરક્ષાની કાળજી તો અમને રહ્યા જ કરે છે પરંતુ, અમને વિશ્વાસ છે કે ઈશ્વર અમારા બાળકોની આસપાસ છે! જે દરેક મુસીબતના સમયે અમારા બાળકોની રક્ષા કરે છે! એથી જ આજે બાળકોથી માઈલો દૂર હોવા છતાંય અમે નિશ્ચિંત છીએ!

વાચક મિત્રો, આવા અનુભવ તમને પણ થયા જ હશે! આપણે બધા જ આ અદ્રશ્ય શક્તિને અનુભવી શકીએ છીએ. એમને કોઈ પુરાવા કે કોઈ આકાર કે રંગ રૂપની જરૂર જ નથી! એ અદ્રશ્ય રૂપે હંમેશા આપણી આસપાસ છે એવો વિશ્વાશ રાખીને જીવનની મુસીબતોથી લડતા રહીએ. અણી ના સમયે એ બચાવી જ લેશે એમાં કોઈ બે મત નથી જ! ખરું ને!!

-તની

 


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક