સ્પર્શ એક યાદ

 

સ્પર્શ એક યાદ , એક સંવાદ, એક લાગણી અને એક અનુભૂતિ છે! મૌન રહીને પણ સ્પર્શ ઘણું કહી જાય છે. ઘણું કહ્યા પછી ક્યારેક સ્પર્શ મૌન પણ બનાવી દે છે! દરેક સ્પર્શ આપણા જીવનમાં અલગ અલગ ભૂમિકા ભજવતા હોય છે. દરેક સ્પર્શની પોતાની એક અનોખી વાત હોય છે. ચાલો, આજે મારા જીવનના ખાસ સ્પર્શ વિષે વાત કરું...
      હું સમજણી થઈ ત્યારથી એક સ્પર્શ, જેના વિના મારો દિવસ જ નહોતો ઊગતો. એક પ્રેમાળ હાથ જે રોજ સવારે મારા માથે ફરતો. હા, એ હાથ મારી મમ્મીનો હતો! ઊંઘનો પ્રભાવ તોયે મારી આંખોમાં છવાયેલો રહેતો ત્યારે, એક મીઠો અવાજ આવતો," ચલ ઉઠ હવે, સ્કૂલે જવાનું મોડું થશે!" હું એ હાથને દૂર હડસેલી પડખું ફરી જતી. એ કોમળ હાથોનો સ્પર્શ.. મારા જીવનનો સૌથી યાદગાર સ્પર્શ ...!! એ સ્પર્શનો અને મારો કાયમનો સાથ! મારી સવાર, સાંજ અને રાત એ જ સ્પર્શથી થતી. મારા ઉઠવાથી માંડીને રાત્રે થાબડીને મને સુવાડતો એ કોમળ હાથોનો સ્પર્શ મારી આખી દુનિયા હતો. જ્યારે એનો વહાલ ભર્યો સ્પર્શ ન મળતો ત્યારે હું મને અપૂર્ણ મહેસૂસ કરતી!

    સમય સરતો જતો હતો, હું બાળકમાંથી યુવાન બની. એ કોમળ હાથનો સ્પર્શ થોડો બરછટ બનતો જતો હતો. હું મારા સમય પત્રક્માં વ્યસ્ત રહેતી છતાંય મારી સવાર તો એ જ સ્પર્શથી પડતી. એ બરછટ હાથોના સ્પર્શમાં પ્રેમની ભારોભાર ઉષ્મા હતી પરંતુ, મારી પાસે એ માણવાનો સમય કયાં હતો! મારા જીવનને ઓપ આપવાની ગડમથલમાં હું એ માણતી જ નહોતી. ઘણીવાર આ બધી દોડધામથી થાકી જતી ત્યારે એના ખોળે માથું મૂકી સૂઈ જતી. મારા માથે ફરતો એ હાથ મારી બધી ચિંતાઓ ભુલાવી દેતો.
  સમય વીતતો ગયો. હું જીવનમાં અનેક નવા સ્પર્શ અનુભવતી ગઈ. મિત્રોના ખભે હાથ મૂકીને ફરવાનો આનંદ કઈ ઔર જ હતો! થોડા સમય બાદ જીવનમાં જીવનસાથીનું આગમન થયું. એના સ્પર્શમાં મળતી પ્રણયની અનુભૂતિમાં જીવન અનેક રંગે રંગાઈ ગયું હતું.
   લગ્ન કરીને સાસરે આવી ત્યારે રોજ સવારે સમય પહેલાં આંખ ખૂલી જતી. મમ્મીના હાથનો સ્પર્શ હવે ખૂબ યાદ આવતો! દોડીને પિયરે જવાનું મન થઈ જતું. જવાબદારીઓના વમળમાં ગૂંચવાતી ગઈ એથી ધીરે ધીરે એ સ્પર્શ વિના જ જીવતાં શીખી ગઈ! જ્યારે પિયરે જવાનું થતું ત્યારે એકવાર તો મમ્મીની ગોદમાં માથું મૂકીને સૂઈ જતી. મારી જવાબદારીમાંથી છટકીને થોડીવાર બાળક બની જતી. ચિંતાઓ ભૂલીને એ સ્પર્શનો અહેસાસ મન ભરીને માણી જ લેતી પરંતુ, એને બરછટ હાથમાં હવે ઘડપણની કરચલીઓ પડી હતી. એને પણ મારા વહાલ ભર્યા સ્પર્શની જરૂર હતી એ તરફ મારૂં ધ્યાન ક્યારેય નહોતું ગયું!
      હવે મારી ગોદમાં મારા અંશ રમતા થયા હતા. હું વારાફરતી બે બાળકોની માતા બની હતી. એમના કોમળ હાથોનો સ્પર્શ મને સાનભાન ભુલાવી દેતો. આખી દુનિયાનું સુખ મારી ગોદમાં ખેલનાર મારા બાળકોના સ્પર્શથી મને મળી જતું. એમની કોમળતાને કોઈ આંચ ન આવે એ માટે હું સતત પ્રયત્નો કરતી. એ સ્પર્શ મારા માટે અનેક જિમ્મેદારીઓ લઈને આવ્યો હતો જેમાં હું કોઈ કસર રાખવા નહોતી માંગતી.

   બાળકોના ઉછેર સાથે ઘર, પરિવાર અને સમાજની અનેક જવાબદારીમાં હું વ્યસ્ત રહેવા લાગી. ઘણીવાર તેઓ મારી ગોદમાં માથું મૂકીને ટી. વી જોતાં હોય કે વાંચતા હોય ત્યારે બીજા કામ યાદ આવતા હું તેમનું માથું તકીયા પર મૂકીને કામ પર લાગી જતી. ક્યારેક તેઓ મારો હાથ પકડીને પોતાની સાથે રમવા બોલાવતાં ત્યારે " હું હમણાં આવી!" એમ કહીને હાથ છોડાવી મારા કામમાં લાગી જતી. કામ, કારકિર્દી, પોતાની માટે સમય ફાળવવા માટે મેં ઘણીવાર એ કોમળ સ્પર્શને દૂર હડસેલી દીધો હતો!!
   આજે..... એક સમય એવો છે જ્યારે મારી પાસે સમય જ સમય છે! ન કોઈ દોડધામ છે! ન ઘરની ચિંતા! ત્યારે, બાળકોના કોમળ હાથનો સ્પર્શ યાદ આવીને રડાવી જાય છે! કલાકો સુધી ટી.વી સામે બેસીને રિમોટ મચકોડયા કરું છું પરંતુ, મારી ગોદમાં માથું મૂકીને સૂતા મારા બાળકોનો સ્પર્શ મારાથી માઈલો દૂર છે.
  આજે હું પિયરે જઈને અનેક દિવસો વિતાવી શકું એમ છું પરંતુ, મારા માથે ફરતા એ બરછટ હાથોનો સ્પર્શ હવે આ દુનિયામાં રહ્યો જ નથી! સવારે આંખ તો ખૂલી જાય પરંતુ, માથે ફરતા એ હાથનો સ્પર્શ હવે રહ્યો નથી!!
   આ બંને સ્પર્શ આજે એક યાદ બનીને મારા જીવનમાં રહી ગયા છે! બાળકો તો રોજ ફોન કરે છે. રોજ તેઓને જોઈ લઉં છું પણ તેમણે ગળે લગાડવાનું સુખ વર્ષના અમુક દિવસો જ મળે છે ત્યારે બધું ભૂલીને એ સ્પર્શમાં ખોવાઈ જાવ છું. જો કે તેઓ પણ અત્યારે પોતના જીવનને ઓપ આપવામાં વ્યસ્ત છે. મારી માટે અલ્પ સમય જ કાઢી શકે છે ત્યારે એ સ્પર્શની યાદને હૃદયમાં ભરીને બાકીનો સમય વિતાવવો પડે છે!
  વાચક મિત્રો , મારો અનુભવ કહે છે અમુક સ્પર્શ આપણા રોજ બરોજના જીવન સાથે વણાઈ ગયા હોય છે ત્યારે એ સ્પર્શની આપણા જીવનમાં શું કિંમત છે તે આપણે સમજી શકતા નથી! એ સમયે આપણે બીજા કામને, બીજી વ્યક્તિઓને પ્રાધાન્ય આપીએ છીએ પરંતુ, જ્યારે એ વ્યક્તિ અને તેનો સ્પર્શ આપણાથી દૂર થાય છે ત્યારે આપણે એને સતત યાદ કરતાં રહીએ છીએ. આ સમયે એક અફસોસ મન ને બેચેન કરી દે છે અને એ સ્પર્શ માત્ર એક મીઠી યાદ બનીને રહી જાય છે!

   મિત્રો, સમયની આ ગહન ચાલ છે! જેમાં આપણે બધા ગૂંચવાઈ જઈએ છીએ. ચાલો, હવેથી સમયની ચાલને આપણે થોડી માત આપીએ. આપણી આસપાસ રહેતા આપણા પ્રિયજનનોને સમય આપીએ. એમનો પ્રેમભર્યો સ્પર્શ માણી લઈએ. એમની માટે જેટલો સમય મળે છે એનાથી પણ વધુ સમય ફાળવી લઈએ. એમનો સ્પર્શ એક યાદ બની જાય એ પહેલા પ્રિયજનોના આલિંગન, વ્હાલ અને પ્રેમને માણી લઈએ!! શું કહો છો??
-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક