મારૂ એ ઘર ....
એક સ્ત્રી માટે મારું ઘર બહુ લાગણીશીલ શબ્દ છે. કેટલાય કવિઓ અને લેખકોએ એ વિશે લખ્યું હશે. જે ઘરમાં તેનો જન્મ થયો, બાળપણના મધુર દિવસો વિતાવ્યા એ ઘરને પરાયું કરીને તે સાસરે આવે છે, મારું ઘર શોધવા! ત્યાં પણ 'પતિનું ઘર' કે 'તારું સાસરું' જેવા શબ્દો વપરાય છે, ત્યારે તે વિચારે છે, મારું ઘર ક્યાં?
સાચું કહું તો, મારા જીવનમાં એવું ક્યારેય નથી બન્યું. મારું પિયર પહેલેથી જ મારું ઘર હતું અને આજે પણ એટલું જ પોતીકું લાગે છે. મારા સાસરે પણ એટલો પ્રેમ મળ્યો કે પહેલાં જ દિવસથી એ ઘર મને મારું લાગવા લાગ્યું. મારું માનવું છે કે જે ઘરમાં પ્રેમ મળે ત્યાં માલિકીપણાનો ભાવ હોતો જ નથી. એ ઘર મારું નહીં પરંતુ અમારું બની જાય છે!, ખરું ને!!
આજે મારે વાત કરવી છે, મારા એક એવા ઘરની જે હાલમાં મારું નથી છતાંય મારી લાગણીઓના તાર હજીયે એની સાથે જોડાયેલા છે! ચાલો આજે એ ઘર વિષે વાત કરું,
અમે દામ્પત્ય જીવનની શરૂઆતના દિવસોમાં ભાડાના મકાનમાં રહેતા. જ્યાં પ્રેમ હતો પણ પોતીકાપણું નહોતું. દર મહિને ચૂકવાતી ભાડાની મોટી રકમ મને એ ઘર સાથે મારું ઘર હોવાનો અહેસાસ થવા નહોતી દેતી! એથી અમે 'હોમ લોન' લઈને પોતાનું ઘર લેવાનો નિર્ણય કર્યો. એક નાનકડું ઘર ખરીદ્યું. અમારી બચત ,લોન અને થોડી બીજી થોડી ઘણી વ્યવસ્થા કરીને અથાગ પરિશ્રમ પછી એ ઘરની ચાવી મોહિતે મારા હાથમાં મૂકી ત્યારે મારી આંખમાં ખુશીના આંસુ આવી ગય હતા! જ્યારે અમારા નામની તકતી ત્યાં લગાડી ત્યારે મનનો ઉમંગ માતો નહોતો! નાનું પણ અમારું ઘર! મારા દિલને સૌથી વહાલું ઘર! ત્યાં ખાસ રાચરચીલું નહોતું. તોય તે વૈભવશાળી ઘરથી વધુ સુંદર લાગતું. ઘરની દરેક ચીજોને મેં મારા હાથે સજાવીને ગોઠવી હતી!
એ ઘરે અમારા દામ્પત્ય જીવનનો ખિલખિલાટ સાંભળ્યો. મારા પરિવારની નાની નાની ખુશીઓનું સાક્ષી બન્યું. મારા બાળકોના રુદન ને કિલકારીઓ સાંભળી. એની દીવાલો પર મારા બાળકોએ દોરેલા ચિત્રો, ઘરના ખૂણે રાખેલા મંદિરમાં સંભળાતી ઘંટડીનો સ્વર, કયારેક ઘરમાં થતી અમારી મીઠી તકરારના અવાજો ઘરને જીવંત રાખતા! એ ઘરે મને અગણિત ખુશીઓ આપી. તો કયારેક આવેલા દુ:ખોથી લડવાની હિંમત પણ આપી.
એ ઘરના દરવાજા એ દરેક મહેમાનોને આવકાર્યા! એ ઘરની બારીઓએ સૂરજની પહેલી કિરણોની સાથે પ્રેમના રંગો અને લાગણીના પવનને આવકાર્યો અને નકારત્મક વિચારોના પવનને બહાર ધકેલ્યો! એ ઘરની 'બાલકની' માંથી દેખાતો નયન રમ્ય નદી કિનારો મનને તરબતર કરી દેતો! ઢળતી સાંજની શોભા ઘરને સોનેરી રંગોથી ભરી દેતી! એ સુંદરતા હજીયે આંખ બંધ કરું તો માણી શકું છું. મિત્રો અને પડોસીઓ સાથે થતી તહેવારોની ઉજવણીથી ઘરનું વાતાવરણ ગુંજી ઉઠતું. અમે સમય સર 'લોન'ના હપ્તા પુરા કર્યા અને ધીરે ધીરે રાચરચીલું વસાવી ઘરને સજાવ્યું.
સમય વીતતો ગયો. બાળકો મોટા થતાં ગયા. મોહિતની નોકરી બદલાતાં અમારા શહેર બદલવાનો સમય આવી ગયો. અમે આગળ વધવા માટે શહેર છોડી જવાનો નિર્ણય કર્યો ત્યારે એ ઘરને છોડવાનું અસહ્ય થઇ પડ્યું. એ ઘરની એક એક ચીજો વેચવા મૂકી ત્યારે હૈયું ચિરાય જતું હોય એવું લાગ્યું. નવા શહેરમાં મોટું ઘર લેવાનું હતું એટલે બધું 'ફર્નીચર' સાથે લઈ ન જવાય તેથી વેચવું પડ્યું. દરેક ચીજ લેવા અમે કેટલી જગ્યાએ ફરેલા, કઈ રીતે પૈસા જોડેલા, એ બધું યાદ આવવા લાગ્યું. જયારે એ ચીજો વેચાઈ જતી અને તેના નવા માલિક એને લઇને જતા ત્યારે સ્વજનની વિદાય જેવું દુઃખ અનુભવેલું!
દરેક વસ્તુ જતી ત્યારે મારી આંખો ભીની થઇ જતી! મોહિતથી મારુ આ દુઃખ ના જોવાયું. તેણે મને સમજાવતાં કહ્યું," આપણે પ્રગતિના પંથે જઈ રહ્યા છે ત્યારે ભૂતકાળને પાછળ છોડવો જરૂરી છે! આપણે બધા સાથે જ છીએ માત્ર ચીજો જાય છે! જે નવી આવી જશે! દુઃખ ના લગાડ! જીવનના એક તબ્બકે જૂનું પાછળ છોડવું પડે ત્યારે જ નવું અપનાવી શકાય!" મને મોહિતની વાત ગળે ઉતરી તો ખરી પણ જે લાગણીઓ અશ્રુ બની વહી રહી હતી હું એના પર કાબુ ના મેળવી શકી. જરૂરી ચીજો 'પેકર્સ' વાળાએ થોડા જ સમયમાં 'પેક' કરી આપી. અમુક ચીજો મિત્રોને વાપરવા પરાણે આપી. ખાસ કરીને બાળકોનું પ્રિય 'સ્ટડી ટેબલ' એક મિત્રનો દીકરો હોંશે હોંશે લઈ ગયો ત્યારે મેં તેને ભણીને સફળ થાય એવા આશીર્વાદ આપેલા. આમ ઘર સાવ ખાલી થઈ ગયું. એ જોઈને હૈયું હાથ ન રહ્યું.
હું એ દિવસે મારી દીવાલોને વળગીને ખુબ રડેલી. આ ઘર મારા સંઘર્ષોનું સાક્ષી હતું. મારા વિજયનું પારિતોષિક હતું. અહીંની એક એક દીવાલો મને ઓળખતી હતી. ઘરમાં ફરીને એને છેલ્લી વાર જોઈ લીધું. અમારા નામની તકતી ઉતારી ન શકી. દરવાજે તાળું માર્યું ત્યારે મેં એ ઘરને વચન આપેલું હું ફરી પાછી ફરીશ. મારા વર્તમાન જીવનના કર્તવ્યો પૂર્ણ કરી, નિવૃત થઇને ફરી અહીં આવીને રહીશ. તારી સાથે જુનાં દિવસોની વાતો કરીશ! પછી સડસડાટ પગથિયાં ઉતરી ગઈ પાછળ ફરીને ન જોયું.
હવે જીવન બીજી દિશામાં ફંટાઈ ગયું છે. ફરી એ ઘરમાં પાછી ફરી નહીં શકું એ હું જાણું છું. કારણ, સમય જતાં જીવન પાસેથી નવી અપેક્ષાઓ રખાય છે. જૂની ચીજો સાથે લાગણીઓ જોડાયેલી રહે છે પણ ત્યાં ફરી જવું લગભગ અશક્ય બની જાય છે. જીવનમાં અમુક નિર્ણયો લાગણીથી નહીં પરંતુ વ્યવહારિક રીતે લેવા પડે છે એ હવે હું સમજી શકી છું. એ પછી બદલેલા અનેક ઘર સાથે મેં મારી લાગણીઓ નથી જોડી. હું કોઈ પણ શહેરમાં બિન્ધાસ્તપણે જઈને વસી શકું છું. બસ મારો પરિવાર મારી સાથે હોય તો... વસ્તુના બંધન હવે મને સ્પર્શી નથી શકતા!! ઘરને નહીં ઘરના લોકોને પ્રેમ કરતાં શીખી છું. પરંતુ, હજીયે એ ઘરની વાત નીકળે aત્યારે લાગણીઓ અશ્રુ બની છલકાઈ જાય છે! એ ઘર મારા સ્મૃતિ પટ પર સદાય જીવંત રહેશે!
Good Very good 👍 👏 👌 🙌
જવાબ આપોકાઢી નાખોthank you so much
કાઢી નાખો