મારો ભ્રમ...

 

 મને મારા 'ફિગરવિષે થોડો ઘણો ભ્રમ ખરો! મને એમ હતું કે, હું મારું શરીર ખૂબ સારી રીતે જાળવું છું! વર્ષોથી એક જ 'સાઈઝ'ના ડ્રેસ લઉં છું અને વર્ષો પહેલાંના ડ્રેસ પહેરી પણ શકું છું! મારો આ ભ્રમ એક દિવસ દૂર થયો... એ પણ બહુ કફોડી હાલતમાં ..આજે એ વિષે કહું! પણ જો જો ..કોઈને કહેતા નહીં..!!
  વાત એમ બની હતી કે એ દિવસે અમારી જ્ઞાતિનો સમારંભ હતો. મારા બંને બાળકોને 'અવાર્ડ' મળવાનો હતો. મારી ખુશી સમાતી નહોતી. બંનેને તૈયાર કરીને મારા ભાઈ સાથે વહેલા મોકલી આપેલા. મારે થોડું કામ હતું, એમાં મને થોડું મોડું થઇ ગયું! મોહિત ક્યારનો તૈયાર હતો. એથી ઉતાવળ કરતો જ હતો હું ફટાફટ તૈયાર થવા ગઈ.
કબાટ ખોલીને ઉભી રહી એક પછી એક ડ્રેસ જોતા લાગ્યું, ના ..ના.આ તો ગઈ વખતે પહેરેલો, આની તો ફેશન નથી, આ મને સારો નથી લાગતો ..વગેરે મંથન પછી આખરે ગયે અઠવાડિયે ખરીદેલો નવો 'લાઈટ યેલો' ડ્રેસ કાઢ્યો. પહેરતી વખતે મને લાગ્યુ કે ડ્રેસ થોડો 'ટાઈટ' છે. ઘણા દિવસોથી 'ટ્રેડમીલ' કપડાં સુકાવવાના ઉપયોગમાં લેવાતું હતું એના કારણે અને આ તહેવારોમાં બનતી સ્વાદિષ્ટ મિઠાઈઓના કારણે કદાચ જરાક વજન વધી ગયું હતું એવું લાગ્યું, ત્યાં પેલો ભ્રમ કહી રહયો હતો," એવું ન બને આટલા વર્ષોમાં 'સાઈઝ' બદલાઈ નથી તો આજે શું બદલાવાની ...!" મેં ડ્રેસ ધરાર પહેરી લીધો. આમ તો કુરતો સહેજ 'ટાઈટ' હતો પરંતુ, 'પ્લાઝો' થોડો વધુ જ ટાઈટ હતો વળી તેમાં 'ઇલાસ્ટીક' નહોતું એટલે મચક આપતો નહોતો. બટન બંધ કરતી વખતે શ્વાસને થોડી વાર રોકવો પડયો ત્યારે એ માન્યો!!


  બહાર મોહિતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગાડીના 'હોર્ન' નો કર્કશ આવાજ તેની સાક્ષી પૂરતો હતો. ડ્રેસ બદલવાનો સમય નહોતો. આમેય ગાડીમાં જવા- આવવાનું હતું. એકાદ કલાકનો કાર્યક્રમ હતો એથી બહુ વાંધો નહીં આવે એવું વિચારીને હું બહાર નીકળી. મને ધીરે ધીરે ચાલતી જોઈને મોહિત ખિજાવાયો," ચાલ ને હવે, 'રેમ્પ વોક' નથી કરવું!" તોયે હું સાંભળ્યું ના સાંભળ્યું કરીને શાંતિથી કારમાં ગોઠવાઈ. (આમેય પુરુષોની વાતને વળતો જવાબ આપવા કરતા ઘણીવાર મૌન વધુ અસરકારક સાબિત થાય એવું હું માનુ છું ..એ વિષે બીજી કોઈ વાર બ્લોગ લખીશ.) હા, તો હું ગાડીમાં આવીને ગોઠવાઈ ગઈ. આમ પણ મોહિત ઉતાવળમાં હતો એટલે એણે ખાસ મારા ડ્રેસ તરફ ધ્યાન ન આપ્યું. અમે હોલ પર જવા નીકળ્યા. જોકે આમ પણ મોહિત કોઈ દિવસ મારા વસ્ત્રોની પ્રશંશા કે બુરાઈ કંઈ જ ના કરે! હું સામેથી પૂછું," કેવી લાગુ છું?" તો આપણી વાર્તાઓ નીચે થતી "કોમન' ટિપ્પણી 'ખુબ સુંદર' એટલું જ કહે!
  જયારે અમે હોલ તરફ જતા હતા ત્યારે એ બોલ્યો," તને નથી લાગતું આ ડ્રેસ થોડો ..!" એની વાતને વચ્ચેથી કાપતાં હું બોલી," આજકાલ 'ટાઈટ' કપડાની "ફેશન' છે, તને નહિ ખબર પડે એમાં !" આગળ  'વાક-યુદ્ધ ' માં મોહિતને કદાચ પડવું નહોતું એથી એણે શરણાગતિ સ્વીકારી લીધી. ચુપચાપ મારી આગળ ચાલ્યો અને પછી પુરુષોની હરોળમાં પાછળથી જઈને ગોઠવાઈ ગયો!
  મને મોહિતનું આવું વર્તન જરાય ના ગમે. (એવું ઘણું છે મોહિતનું  જે મને ના ગમે! એ વિશે લખીશ તો દસ બાર બ્લોગ ઓછા પડશે!!) હમણાં મૂળ વાત પર આવું ..આવા સંભારંભમાં પાછળ જઈને બેસી જવાય!! પાછળ બેસીએ તો ફોટા કઈ રીતે લેવાય! મારે તો કાર્યક્રમ પછી 'વોટસઅપ' 'સ્ટેટ્સ- અપડૅટ' કરવાનું હોય ને! કેમ કરું!!
  હું તો મહિલાઓની હરોળમાં આગળ બેસવાની જગ્યા શોધવા લાગી. બધી 'સીટ' ભરેલી હતી. ત્યાં મારી નજર એક બહેન પર પડી, જેઓને ફોન આવ્યો હતો પણ અવાજમાં સંભળાતો નહોતો એટલે એ વાત કરવા બહાર ગયા. મેં એ ખુરશી પકડવા રીતસરની તરાપ મારી! ઉતાવળે દોડતા ...ટરર....અવાજ થયો ને મારો ..પ્લાઝો .. સહેજ ચિરાયો ...!! હું પરિસ્થિતિ પામી ગઈ. હવે બેસીશ તો વધુ ફાટશે એટલે ત્યાં જ ઉભી રહી ..ત્યાં તો પાછળથી કોઈનો અવાજ આવ્યો," બેન, બેસી જાવ ને! મારે કેમેરા 'એડજસ્ટ' કરવો છે." હવે! બેસાય તો નહિ જ!! મારો કુરતો થોડો લાંબો હતો એથી કોઈને કઈ ખબર પડે અમે નહોતું. પણ આછા રંગનો કુરતો કદાચ પોલ ખોલી પણ શકે! દુપ્પટો સાડીની જેમ લપેટીને હું પાછળની તરફ ગઈ.  ત્યાં બીજી હરોળમાં બેઠેલા મારા એક સંબંધી બહેને મને એમની બાજુની ખાલી સીટ પર આવી જવા કહ્યું. હું ક્યાંય બેસી શકું એમ જરાય નહોતી.


     મેં તેઓને ટચલી આંગળીના ઇશારાથી સમજાવ્યું કે હું 'વોશરૂમ' તરફ જાવ છું. તો વળી એ મોટેથી બોલ્યા," ના જશો, હું હમણાં જઈ આવી! બહુ લાંબી લાઈન છે તમારે વારો આવશે ત્યાં કાર્યક્રમ ચાલુ થઇ જશે! બહુ 'અરર્જન્ટ' ના હોય તો ન જશો!!" એમના શબ્દોથી આજબાજુમાં બેઠેલા બધા હસી પડ્યા! હું 'અરર્જન્ટ' છે એવો ઈશારો કરી બહારની તરફ સરકી.    ત્યાં જ કાર્યક્રમ શરુ થવાની ઘોષણા થઈ અને લાઈટો બંધ થઈ! મને હાશકારો થયો હવે અંધારામાં વાંધો નહીં આવે!!
       હું ઉતાવળે હોલની બહાર જવા લાગી. એ.સી. ચાલુ હોવા છતાંય હું પસીનેથી રેબઝેબ હતી. હું બહાર પહોંચી એ પહેલાં જ મોહિત મારી પાસે આવ્યો. મને ખુણામાં લઈ જઈને પૂછયું," શું થયું? ક્યારનો તને જોઈ રહ્યો છું! કઈક ગરબડ લાગે છે!! તારી તબિયત તો સારી છે ને!" જે પતિદેવ મારી તરફ જોઈને વખાણના બે શબ્દો કયારેય નથી બોલતા એ જ આજે મારી તકલીફોને કહ્યા વિના સમજી ગયા! કદાચ આને જ પ્રેમ કહેવાતો હશે!! ...મને એ સમયે પ્રેમ વિષે પરમ- જ્ઞાન થયું અને મોહિત પર ઘણું માન પણ થયું!!
  મેં મારી તકલીફ એને જણાવી. હું જાણતી હતી એ જોરજોરથી હસી પડશે.  ,"મારુ ના માન્યું ને! લે જોઈ લે!" એમ સંભાળવશે પણ ખરો! એમાનું કશું ના બન્યું! એ તરત જ મારી પાછળ થયો અને મને કહ્યું," આગળ ચાલ!" ત્યારબાદ મને એક આગળ ખૂણામાં ઉભી રાખીને તે તરત અમારી કાર તરફ દોડ્યો અને પાંચ મિનિટમાં હાંફતો પાછો ફર્યો. એના હાથમાં 'વેસ્ટ સાઈડ' ની બેગ હતી. મને આપીને બોલ્યો," કાલે તારો જન્મદિવસ છે ને! એટલે 'સરપ્રાઈઝ' આપવા લાવેલો! ઘરમાં તું જોઈ જાય એટલે 'બેગ' ગાડીની 'ડિકી'માં રાખેલી. જા, 'વોશરૂમ 'માં જઈને બદલી આવ. હું અહીં જ છું!"
     મારી આંખો ખુશીથી ઉભરાઈ ગઈ. ક્યારેય 'સરપ્રાઈઝ' ના લાવનાર આજે અણીની ઘડીએ સરપ્રાઈઝ આપશે એવી આશા ક્યાંથી હોય !! હું ઉતાવળે 'વોશરુમ' તરફ દોડી. જો કે પહેલીવાર એનો લાવેલો ડ્રેસ મને બહુ જ ગમ્યો હતો. જો કે હું લાવું છું, તેનાથી એક 'સાઈઝ' મોટો હતો. મને બરાબર આવી ગયો! બસ એ ઘડીએ મારો ભ્રમ.. તૂટી ગયો!!


   બીજા કોઈ 'સંજોગોમાં એક 'સાઈઝ' મોટો ડ્રેસ હું ના જ પહેરત! એ દિવસે મેં  ખુશીથી પહેરી લીધો. બહાર આવીને મોડું થતું હતું તોય હસીને ફોટો પડાવ્યો. મોહિતની સાથે ફરી હોલમાં દાખલ થઈને મહિલાઓની પાછલી હરોળમાં ગોઠવાઈ ગઈ. બાળકોના 'અવોર્ડ'ની ખુશી સાથે એ દિવસે પ્રિયતમની કાળજીની ખુશ પણ ભળી! એ ફોટાને યાદગાર બનવા મોમસ્પ્રેસોની પ્રોફાઈલમાં મૂકી જ દીધો!!
-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક