એ સફર.....

 

 અમને પહેલેથી જ ફરવાનો બહુ શોખ! જુદી જુદી જગ્યાએ જવું, નવા લોકોને મળવું, તેમની સંસ્કૃતિ વિષે જાણવું, તેમનું અવલોકન કરવું બહુ ગમે! દરેક સફર કંઈક નવું શીખવી જાય છે. તેમાં થયેલા અનુભવો જીવનભરનું સંભારણું બની જાય છે. આવી એક સફર હતી. ધરતી પરના સ્વર્ગ કહેવાતા સ્વિત્ઝરલેન્ડની...!!

    બોલીવુડની ફિલ્મોથી હું ઘણી પ્રભાવિત છું! એમાં દેખાડાતા સ્વિત્ઝરલેન્ડના બરફ આચ્છાદિત પહાડોએ મને મોહી લીધી હતી. ચાંદની ફિલ્મની શ્રીદેવી બનીને ત્યાંના પહાડો પર ' લાઈટ યલો ' સાડી પહેરીને ફોટા પડાવવા હતા. કાજોલની જેમ લાંબા બૂટ પહેરીને બરફમાં રમવું પણ હતું વગેરે સપનાઓ લઈને હું,  મારા પતિ મોહિત અને મારા બાળકો દિવ્ય અને મારી દીકરી દિવ્યા અમે ચારે જણા સ્વિત્ઝરલેન્ડની સફરે નીકળ્યાં. પહેલા રોમ, પેરિસ  અને ત્યાંથી સ્વિત્ઝરલેન્ડની સાત દિવસની સફર અમે અમારી રીતે ' પ્લાન ' કરી હતી. અમને ટૂરમાં ભાગા - દોડી કરવી જરાય ન મે.  વળી બાળકોને ને ગમતી જગ્યાએ અમારે વધુ સમય વીતવવો હતો. એથી અમે અમારી રીતે જ આ સફરની તૈયારી કરી હતી.

  નીકળતાં પહેલા મેં યલો સાડીને મોટા બૂટ ખરીદ્યા. અમારા બધાના મોટા કોટ અને ગરમ કપડાં પણ ખરીદ્યા. આપણે ગુજરાતી એટલે થેપલા, અથાણાં ને મબલક નાસ્તા તો ખરા જ! અમે બે, બે બાળકો અને પાંચ ' બેગ ' લઈને પેરિસ પહોંચ્યા. બાળકોએ ' ડીઝની વર્લ્ડ ' મન ભરીને માણ્યું! મારું મન તો કુદરતી સુંદરતાભર્યા સ્વિત્ઝરલેન્ડમાં પહોંચી ગયું હતું. અમારે પેરિસથી ટ્રેનમાં નીકળવાનું હતું. હોટેલથી નીકળતાં થોડું મોડું થયું હતું. ઉતાવળે ટેક્સી લઈને અમે સ્ટેશન પહોંચ્યા. મોહિત ટેક્સીનું ભાડું ચૂકવતો હતો. દિવ્ય એક પછી એક બેગ ઉતારીને અમારી તરફ આપી રહ્યો હતો. સ્ટેશન પર ઘણી ભીડ હતી. મારા હાથમાં એક બેગ અને મારું પર્સ હતું.  

 મેં દિવ્યાનો હાથ પકડયો હતો. એક બેગનું વ્હીલ જરાક તૂટી ગયું. એ જોવા હું ઉભી રહી તેથી દિવ્યાનો હાથ છૂટી ગયો. દિવ્યા કશુંક જોવા થોડીક આગળ ચાલી. ગિરદી પણ હતી એથી હું એનો હાથ ફરી પકડવા ગઈ ત્યારે થોડીક મિનિટો માટે હું બેગથી દૂર થઈ. ત્યાં એક લાંબો માણસ પૂરઝડપે અમારી તરફ દોડતો આવ્યો ને આંખના પલકારામાં અમારી બેગ લઈને ભીડમાં અદ્રશ્ય થઇ ગયો. હું ને દિવ્યા તો કઈ સમજી ના શક્યા. મેં બૂમાબમ કરી મૂકી! મોહિત અને દિવ્ય તરત અમારી તરફ આવ્યા. તેઓના હાથમાં બીજી બેગો હતી એટલે દોડીને ચોરની પાછળ પણ જવાય નહીં. અમને ત્રણેને સામાન સાથે એકલા મૂકીને મોહિતને પણ ચોરની પાછળ દોડવાનું જોખમી લાગ્યું. અમે ચારેય સાથે જ રહીને પ્લેટફોર્મ તરફ ચાલ્યા. અમે એકબીજાનો હાથ મજબૂત પકડી રાખ્યો. મોહિત બોલ્યો, " જે ગયું તે ગયું! જે બચ્યું છે એને સંભાળવું હમણાં જરૂરી છે! "

મેં કહ્યું, " એ બેગમાં નાસ્તા અને ગરમ કપડાં હતાં! " (જોકે મારી પેલી યલો સાડીને મોટા બૂટ પણ હતાં! એ વિશે ત્યારે હું કઈ ના બોલી શકી!)

મોહિત બોલ્યો, " છોડ એને! આપણા પૈસા અને પાસપોર્ટને સુરક્ષિત રાખવા હમણાં જરૂરી છે! "

   અમે ટ્રેન આવતાં સાથે ચડ્યાં. અમારી સીટ બુક હતી. હું તો સીટ પર પહોંચીને રડી પડી! હવે આટલા દિવસો નાસ્તા વગર કેમ ચલાવીશું? ગરમ કપડાં વિના સ્વિત્ઝરલેન્ડમાં કેવી રીતે રહેશું? આટલી ઠંડીમાં પહાડો પર પહોંચવાની બધી ચીજો તો ગઈ. અનેક ચિંતાએ મને ઘેરી લીધી હતી. મને રડતી જોઈને બાળકો બોલ્યા, " મમ્મી, એમાં શું થયું! આપણે ત્યાંનું ખાવાનું ' ટેસ્ટ ' કરી શકીશું. થોડા દિવસ તારા હાથના થેપલા, ચકરી ને ચેવડાથી છૂટ્ટી તો મળશે! "

મોહિત બોલ્યો, " બીજી બેગમાં પતલા સ્વેટરો તો છે જ! પહાડો પર જતી વખતે જોઇતાં ગરમ કપડાં ખરીદી લેશું. દિવ્ય બોલ્યો, " મેં ઈન્ટરનેટ પર વાંચેલું આવા કપડાં અહીં ભાડાંથી પણ મળે છે, તું ચિતા ના કર! "

મોહિત બોલ્યો, " એમ વિચારીને ખુશ થા કે આપણી કિંમતી વસ્તુઓ સલામત છે. "

આ બધી દલીલોથી મારા મનને થોડી શાંતિ થઈ. એ અનુભવથી હું શીખી કે જયારે કશું જાય ત્યારે એનો અફસોસ કરવાને બદલે જે છે, એને સાચવવાની કોશિશ કરવી. જે ગયું એનું દુ:ખ કરીને આવનાર સુખને પણ દુઃખમાં ન ફેરવવું!! મેં આંસુ લૂછતાં મનનો વિષાદ પણ ખંખેરી નાખ્યો. અમે બધા સલામત હતાં એ ઘણું હતું. બારીમાંથી બહારની સુંદરતા જોવામાં મન લગાડયું. દિવ્યા મારા ખોળામાં સૂઈ ગઈ. દિવ્ય મોહિતના ખભે માથું મૂકીને સૂતો. અમે બધાં એક કડવા અનુભવને ભુલવાની કોશિશ કરી રહ્યા હતાં!!

  અમારી ટ્રેન ' ઝુરીચ ' તરફ આગળ વધી રહી હતી. થાકને લીધે મારી આંખ પણ બંધ થવા લાગી હતી. મેં મારો પગ સામેની સીટ તરફ લાંબો કર્યો. જ્યાં મોહિત અને દિવ્ય બેઠા હતા. (જેમ આપણે ' ઇન્ડિયન- રેલ્વે ' માં કરીએ તેમ જ!) ત્યારે સામેની સીટ પર બેઠેલા એક વડીલ બહેન મારી પાસે આવીને બોલ્યા, " હેલો, બ્યુટીફૂલ લેડી, વીલ યુ પ્લીસ ટેક યોર લેગ ફ્રોમ ધી સીટ! વી વોન્ટ ટુ કીપ અવર ટ્રેન કલીન ફોર અધર પેસેન્જરસ ઓલ્સો! " (મહેરબાની કરીને તમારો પગ બેઠક પરથી લઇ લેશો! અમને બીજા યાત્રીઓ માટે અમારી ટ્રેન સાફ રાખવી છે!)  મેં તરત ' સોરી ' કહીને પગ લઇ લીધો. એ વડીલ પણ મારી જેમ જ કલાકોથી સફર કરી રહ્યા હતા પણ તેઓએ પણ સામેની સીટ ખાલી હોવા છતાંય પગ લાંબા નહોતા કર્યા! મેં આખા ડબ્બામાં નજર દોડવી બધા જ સભ્યતાથી બેઠા હતા. એ દિવસે મેં શીખ્યું કે ટ્રેન બસ વગેરે દેશની સંપત્તિને જાળવવી એ નાગરિકોની જવાબદારી હોય છે. જે આપણે કયારેય સમજતા નથી. મેં ભારત જઈને પણ મારા દેશની ટ્રેન, બસમાં પણ સભ્યતાથી બેસવાનો નિર્ણય લઇ જ લીધો. એ વડીલ બહેન સાથે અલકમલકની વાતો કરતા આખરે અમે ' ઝુરીચ ' પહોંચ્યા.

   ચોરીના કડવા અનુભવ પછી પણ સ્વિત્ઝરલેન્ડમાં વિતાવેલા એ દિવસો મારા જીવનનું સુખદ સંભારણું બની ગયા. જો કે ' માઉન્ટ ટિટલીસ ' પર હું શ્રીદેવી કે કાજોલ જેવા ફોટો ના પડાવી શકી છતાંય ત્યાંની દરેક ' રાઈડ ' અમે મન ભરીને માણી. બાળકો સાથે બરફના ગોળાની મારામારીએ રંગ જમાવી દીધો. ગરમ કપડાં વિના પણ અમે ચલાવી શક્યા! થોડીક મામૂલી ખરીદી કરવી પડી પણ વાંધો ના આવ્યો.

  હું વિચારી રહી, અમસ્તી જ આટલી બધી ખરીદી કરી! રહ્યો સવાલ નાસ્તાનો! તો એની ત્યાં જરૂર ના પડી. બધે જ શાકાહારી વાનગીઓ મળી ગઈ. ત્યાંની ' ડીશ ' પણ ચાખવાનો મોકો મળ્યો. આ સફરથી અમે શીખ્યા કે જે જયાં જઈએ ત્યાંનો સ્વાદ અપનાવી લઈએ તો સફરનો આનંદ વધુ આવે. જીભને ચટાકાની નહીં પણ પેટને ભોજનની જરૂર હોય છે,વાત સમજાઇ ગઈ!!

એ સફરથી પછી અમે ' ટ્રાવેલ લાઈટ ' નો મંત્ર અપનાવી લીધો. બને તેટલો ઓછો સામાન લઈને સફર કરવી જોઈએ. આપણે સફરે નિકળીએ ત્યારે આપણે ઘણીવાર આડેધડ ખરીદી કરી લઈએ છીએ પરંતુ, હકીકતમાં એ બધાની જરૂર નથી હોતી! ફક્ત જોઈતી વસ્તુઓ સાથે લઈને આરામથી પ્રવાસ કરી શકાય છે. સફરમાં રોજ નવા કપડાં કે નવી ચીજોને વાપરવાની જરૂર નથી હોતી. વાપરેલી ચીજોને ફરીથી વાપરી શકાય છે. જેટલો સમાન ઓછો હોય એટલો વધારે સફરનો આંનદ માણી શકાય છે.

  હા! એ છે કે એ સફરમાં કાજોલ અને શ્રીદેવીની જેમ તૈયાર થઈને ફોટા પાડવાના રહી ગયા!! સફરમાં માણેલા આનંદની સામે એનો કોઈ વસવસો ના રહ્યો. જયારે આપણે પરિવાર સાથે સમય માણીયે છીએ ત્યારે હૃદયના કેમેરામાં કેટલીયે યાદોને કંડારી લઈએ છીએ. એ યાદોની સામે પાડેલા ફોટા વામણાં લાગે છે!! ખરું ને??

-તની

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક