ભય અસ્થિરતાનો ...

 

 હાલક - ડોલક થાય છે મારી નૈયા,
પ્રભુ તું જ પાર લગાવ..!! '
    આવી પ્રાર્થના આપણે સહુએ ક્યારેક તો કરી જ હશે! મધદરિયે તોફાનો આવતા અટવાયેલી નાવ જયારે હાલક - ડોલક થાય છે ત્યારે, ભલભલાના હૈયાં ધ્રુજી ઉઠે! ભય લાગે ડૂબી જવાનો એટલે આપણે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ! પરંતુ, જો તમને ખબર હોય કે આ નૈયા ડુબવાની નથી! માત્ર હાલક - ડોલક જ થવાની છે. તો તમે ડરો ખરા? પ્રભુને પ્રાર્થના કરો ખરા? ના ..નહીં! બરાબર ને! પણ, હું તો ત્યારેય પ્રાર્થના કરું, ' હે પ્રભુ! નાવને ડુબાડવાની હોય તો ડુબાડી દેજો! નહીં તો આ નાવને સ્થિર કરી દો પણ હાલક ડોલક ના રાખો!! તમને હસવું આવી ગયું ને ..હસો! હસો! પણ હું નથી હસવાની કારણ, આજ મારો ભય છે! મને ભય લાગે છે અસ્થિરતા ..થી! હું કોઈ પણ જગ્યા, જે સ્થિર ના હોય ત્યાં બેસી કે ઉભી ના રહી શકું. કશુંક પણ હલતું હોય તો મને ડર લાગે. સમજ્યા! નહીં ને...ચાલો સમજાવું મારા અસ્થિરતાના ભય વિષે...

મને કશુંક પણ હલતું હોય એ ના ગમે! બધું સ્થિતપ્રજ્ઞ ગમે. મારી આસપાસ સતત કોઈ પણ ચીજ હલતી રહે તો મને એનો ભય લાગે. ખાસ કરીને મારી આસપાસની જગ્યા કે હું જેના પર બેઠી કે ઉભી છું એ આસન હલવું ના જોઈએ. હું નાની હતી ત્યારે મારા એક શિક્ષક અમને સજા આપતા ત્યારે નાનકડા ટેબલ પર ઉભા રાખતા ને પછી એ ટેબલને ખેસવી લેતા, હું પડી જતી. એ દિવસથી મારા મનમાં ડર પેસી ગયો કે મારું આસન હલશે તો હું પડી જઈશ. એ શિક્ષકથી હું બહુ ડરતી. એ વિષયનું કામ હંમેશા પૂરું કરીને રાખતી કારણ પેલા ટેબલ પરથી પડી જવાનો ભય હતો. હું ટેબલ, ખુરશી કે કોઈ પણ ચીજ જે હલી શકે તેના પર ઉભા રહેતા કે બેસતા ડરવા લાગી. મોટા ભાગે જમીન પર બેસવાનું પસંદ કરતી. જેમ મોટી થતી ગઈ તેમ મારો એ ડર ઘટવાને બદલે વધતો ગયો.
     હું નાની હતી ત્યારે પાર્કમાં જતી. બધા બાળકો લસરપટ્ટી, ઝૂલામાં બેસતા પરંતુ  હું એમને દૂરથી જોતી રહેતી. લસરપટ્ટી હલે તો નહીં પણ સરકવાથી સ્થિરતા ના રહે એટલે મને ડર લાગતો. હું એમાં જવાનું ટાળતી. હિંચકે બેસવા બધા લાંબી લાઈનો લગાવીને ઉભા હોય પણ હું હાલક - ડોલક થતાં હિંચકામાં બેસી જ નહોતી શકતી! મારા માતા - પિતા મારો એ ડર થોડોક છોડાવી શક્યા. મમ્મી મને ખોળામાં લઈને ઝૂલા પર બેસતી. એની ગોદમાં સુરક્ષા મળતી એટલે હું બેસી શકતી પરંતુ એકલી બેસતાં ડર લાગતો. ધીરે ધીરે નાના હીંચકા ખાતી થઈ ખરી પરંતુ મોટા હીંચકા ખાતા ભય લાગતો! ખરબચડી જૂની લસરપટ્ટીમાં જતી પણ સરકણી લસરપટ્ટીમાં નહોતી જઈ શકતી! એના બદલે સ્થિર ઉભા રહેલા થાંભલા પર ચડવું કે ઝાડ પર ચડવું પસંદ કરતી!

ખરી મુસીબત તો યુવાન થયા બાદ આવી. એ સમયે ' એમ્યુઝમેન્ટ પાર્ક ' શરુ થયા. ત્યાંની કોઈ પણ ' રાઇડ્સ ' માં હું બેસી શકતી નહોતી. કારણ, બધી જ ' રાઇડ્સ ' સ્થિર ના હોય! ' બેલ્ટ ' પહેરેલો હોય એટલે ખાતરી હોય કે હું પડી નહીં જાવ. ઈજા પણ નહીં થાય! છત્તાંય હું એમાં બેસી ના શકતી. મારા મિત્રો મારો હાથ પકડીને બેસતા પણ ખરા! તેઓ ખાતરી આપતાં કે કશું નહીં થાય હું પણ સમજતી કે મને કશું થવાનું નથી! ' રાઈડ ' પૂરી થયા પછી તો હેમખેમ જ રહેવાની છું તોયે હું એમાં બેસી નહોતી શકતી. કોઈકવાર હિમ્મત કરીને બેસતી પણ રડી રડીને મારી આંખો સુઝી જતી. હું પસીનાથી રેબઝેબ થઈ જતી. હાથ પગ ધ્રુજવા લાગતાં. ઘણીવાર તો ચીસો પાડીને મારે ' રાઇડ્સ ' રોકવી પડી હતી. અથાગ પ્રયત્નો છતાંય મારા ડર પર હું કાબુ ના મેળવી શકી.
  લગ્ન બાદ પણ મોહિતે મારો હાથ પકડીને બધી ' રાઇડ્સ ' માં લઇ જવા પ્રયત્નો કર્યા પરંતુ, ખાસ સફળતા ના મળી. હું અસ્થિર ' રાઈડસ ' માં ન બેસી શકી! ' રોલર કોસ્ટર ' તો જોઈને જ મારું માથું ભમવા લાગી જાય. એમાં બેઠેલા લોકોને પણ હું હલતાં ના જોઈ શકું. માતા બન્યા બાદ પણ જયારે બાળકો સાથે પાર્કમાં જતી ત્યારે હું તેમની સાથે ' રાઇડ્સ ' માં બેસવાનો આનંદ માણી શકતી નહોતી. ઉલટાનું તેઓ મને ડરતી જોઈને એ ' રાઇડ્સ ' માં બેસતાં ડરવા લાગ્યા. મારા દીકરાને આ ભય મેં જાણે અજાણે વારસામાં આપી દીધો. એનો વસવસો મને કાયમ રહેશે. મોહિતના પ્રયત્નોથી એ ભય મહદ્દઅંશે દૂર થઈ ગયો પરંતુ, હજી સંપૂર્ણ પણે નાબૂદ નથી થયો. જો કે મારી દીકરી એના પપ્પાની સાથે અને મિત્રોની સાથે ' રાઇડ્સ ' નો સંપૂર્ણ આનંદ માણે છે!! હું એને ખુશ થતી જોઈને ખુશ થઈ જાવ છું, પણ એ ' થ્રીલ ' માણવાનું મારા માટે અશક્ય છે!!

મારો આ ભય ઉંમર સાથે મારા પર સંપૂર્ણ પકડ જમાવી ચૂક્યો છે. હવે મેં એની સામે હાર કબૂલ કરી લીધી છે. જો તમે કોઈ ઉપાય જાણતા હોય તો જરૂર જણાવજો. હું કોશિશ કરીશ!! સાચું કહું વાચક મિત્રો, નાનપણમાં જાણે અજાણ્યે કોઈક ભય મનમાં ઘર કરી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. બાળકો કશાકથી ડરવા લાગે ત્યારે એને સમજાવીને અને પ્રેમનું કવચ પહેરાવીને એ ભય સામે લડવામાં મદદ કરવી. જો એ જીતી જશે તો કોઈ ભય એના આત્મવિશ્વાસને હરાવી નહીં શકે. જો એ હારી જશે તો એનો આત્મવિશ્વાસ ડગમગી જશે! જીવનભર એ ભય તેનો પીછો કરતો જ રહેશે!
   મારી નૈયા તો સ્થિર નથી થઈ શકી પરંતુ, જો તમારા બાળકોની થશે તો મારી કલમને કઈક સારું કામ કર્યાનો સંતોષ જરૂર મળશે..ખરું ને...!!
-તની 


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક