જુદી જુદી દાળ...
જુદી જુદી દાળ
“ મમ્મી અગિયાર વાગી ગયા તે મને જગાડી કેમ નહિ? કાવ્યા બેડરૂમમાંથી રસોડામાં આવતા બોલી. સ્નેહાબેન બપોરની રસોઈની તૈયારી કરતા બોલ્યા
,"બેટા, લગ્ન પછી પહેલીવાર ઘરે રહેવા આવી અને શાંતિથી સૂતી હતી એટલે ન ઉઠાડી! તારી માટે ચા મુકું ?”
“ હા મમ્મી! કાવ્યા
મમ્મી સાથે વાત કરતી રસોડામાં બેઠી,
બોલી
," આજે કેટલા દિવસ મોડી ઉઠી. ત્યાં તો સવારે ૬ વાગતા જ દાદીના ભજન શરુ થઇ જાય ને મારી આંખ ખૂલી
જાય તોય હું આંખો બંધ કરીને ફરી સૂવાનો પ્ર્યત્ન કરું પણ જો સાત વાગ્યા પહેલા પપ્પાજીને ચા ન મળે તો તેઓ ચાની તપેલી શોધવાં આખું રસોડું ખૂંદી વળે. મમ્મીજી ઉતાવળે બધા વાસણો પાછા ગોઠવવા લાગી જાય. એમાં તો હું ઉઠી જ જાવ. અહીંયા તો પપ્પા અને ભાઈ જરાય આવાજ ના કરે અને ક્યારે ઓફીસ નીકળી જાય ખબર પણ ન પડે!”
ચા ની ચૂસકી લેતા કાવ્યા બોલી ," અમારા ઘરમાં તો રોજ બે શાક બને. અહીંયા તો તું જે બનાવે એ બધા ખાઈ લે ત્યાં તો દરેકના સ્વભાવ અલગ ને પસંદ પણ જુદી. નિરવને એના સ્વભાવની જેમ તીખા જ શાક ભાવે. આમ તો પપ્પાજી સાવ શાંત પણ જમવામાં રોજ નવું નવું જોઈએ. બા ને તો જુદી જુદી ભાજી જોઈએ. મારો અડધો દિવસ તો રસોડામાં જ થઇ જાય. જમવાનું પતે
પછી પણ નિરાંત નહીં!
મમ્મીજીને તો પરફેક્શન એવાર્ડ મળવાનો હોય એમ તેઓ બધી ચીજો બરાબર ગોઠવતા જ હોય! રસોડામાં બધી ચીજોની જગ્યા નક્કી! કશું આમથી તેમ ન થવું જોઈએ. બા તો બહુ વાતોડિયા,. રોજ કોઈને કોઈ વૈષ્ણવ એમને મળવા આવે! ચા નાસતો કરવવો જ પડે! મારો આખો દિવસ દિવસ કામમાં જ નીકળી જાય!"
સ્નેહાબહેને દીકરીની વાતો સાંભળતા કુકર મુકવાની તૈયારી કરી! તપેલીમાં દાળ અને ચોખા કાઢ્યા.
કાવ્યા બોલી,"
આ મગની દાળ નહિ, તુવેરની દાળ બનાવને, તારા હાથની ખાટી મીઠી દાળ મને ત્યાં બહુ યાદ આવે!’ સ્નેહાબહેને તુવેરની દાળનો ડબ્બો કાઢ્યો. દીકરી સાથે વાતોમાં મગની દાળની તપેલીમાં જ તુવેરની દાળ નંખાઈ ગઈ! ભેગી થયેલી દાળને જોઈને નિધિ હસી પડી
ને બોલી,” મમ્મી, હવે શું કરીશ? તું તો કહેતી હતી ને,
જેની દાળ બગડે એનો દિવસ બગડે!’ તારી દાળ તો બન્યા પહેલા જ બગડી ગઈ! હવે છૂટી તો નહીં પડે!”
સ્નેહાબહેન બોલ્યા ,” એમાં શું થયું? હું છું
ને!” સ્નેહબહેને ભેગી થયેલી દાળમાં થોડી ચણાની દાળ નાખી અને ધોઈને પલાળી દીધી.બોલ્યા,” કાલે નાસ્તામાં મિક્સ દાળના ઢોકળા બનાવી દઈશ!”
એ પછી તુવેરની દાળ કાઢી અને ધોઈને કુકર મૂક્યું ને દીકરી પાસે
બેસતા બોલ્યા,” બેટા, આ બધી દાળ રંગ અને સ્વાદમાં એકબીજાથી અલગ છે પરંતુ, જયારે ભેગી થાય તો છૂટી નથી પડી શકતી.
પરિવારનું પણ એવું જ છે બધાં સ્વભાવ જુદા પણ જો એક થઇ જાય તો કયારેય જુદા નથી કરી શકતા. આ બધી દાળ પાણીમાં પલળીને નરમ બની બનશે ત્યારે એક સરખી બની જશે. એ જ પ્રમાણે પરિવારના લોકો પણ જયારે પ્રેમમાં ભીંજાય જાય છે ત્યારે એક બીજાને અનુરૂપ થઇ જાય છે! તું હજી ત્યાં નવી છે, ધીરે ધીરે તને એ લોકો પ્રત્યે અને એમને તારી પ્રત્યે પ્રેમ થશે પછી તને એવું નહિ લાગે . થોડી તું બદલાઈશ અને તેઓ
પણ થોડા બદલાશે . આખરે બધા એકબીજાને અનુરૂપ થઇ જશો!
હું લગ્ન કરીને આવી ત્યારે અહીંયા પણ એવું જ હતું. તારા પપ્પા ને દાદી દાદા નો સ્વભાવ સાવ જુદો મારો પણ સ્વભાવ
સાવ જુદો! જુદી ધીરે ધીરે અમે પણ પ્રેમમાં ભીંજયા
અને આખરે બધા એકબીજાને અનુરૂપ થઇ જ ગયા!”
કાવ્યા બોલી,” હું તારી વાત સમજી ગઈ, દાળને પલળવા થોડો સમય આપવો જ પડે!!” બંનેની વાતની સાક્ષી પૂરતા કુકુરે જોરથી સીટી મારી!”
જો દરેક માતા દીકરીને પ્રેમમાં
ભીંજાઇ જવાના સંસ્કાર આપે અને દરેક સાસુ વહુને પ્રેમમાં ભીંજવી દે તો...!!.. આ
સમાજમાં એક પણ ઘર તૂટે જ નહીં! ખરું ને!!
_તની
.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો