સાથ પતંગ અને દોરીનો ...
કાયપો... છે! ધાબે ચિચિયારીઓ ઉઠી ....લપેટ... રાજુએ કિલકારીઓ પાડી. આખરે બીજી પતંગોને કાપીને રાજુનો લાલ પતંગ ભૂરા આકાશમાં ઉંચે જઈને સ્થિર થઈ ગયો. હવે કોઈ બીજા પતંગો એને પેચ લગાડી શકે એમ નહોતા. લાલ પતંગ આકાશમાં સ્થિર હતો તોયે ઉદાસ હતો. એને ઉદાસ જોઈને દોરી બોલી:
દોરી : અરે! તું આકાશમાં સૌથી ઉપર છે. તોયે કેમ ઉદાસ છે! ઊંચે ઉડને! અત્યારે આ આકાશમાં તારું જ રાજ છે.
પતંગ : એ તો બરાબર છે! પરંતુ, આ સુખ તો ક્ષણિક છે. વળી એ બધું તારા કારણે છે. તું મને ઉપર લઈને આવી. તે મને મજબૂત પકડી રાખ્યો છે. મારા માર્ગમાં આવતા બીજા પતંગોને તું કાપી નાખે છે એટલે જ હું આકાશમાં સ્થિર થયો છું. હું તારો ઋણી છું. મેં તો તારા માટે કાંઈ કર્યું પણ નથી.
દોરી : પ્રેમમાં વળી ઋણ કેવું! હું તને ચાહું છું. એટલે જ તારું ધ્યાન રાખું છું. તારી સાથે રહેવા માટે હું કઈ પણ કરીશ. મને તારી પાસેથી કોઈ અપેક્ષા નથી. બસ! તારો સાથ છે એ જ મારી માટે ઘણું છે. વળી તું ઉપર ઉડયો એટલે જ તો મને પણ આકાશમાં ઉડવા મળ્યું!!
પતંગ : શા માટે તું મને આટલો પ્રેમ કરે છે? હું તારી સાથે કાયમ નથી રહેવાનો. થોડીવારમાં કોઈ બીજો પતંગ ઊંચે ચડી આવશે પછી મારી લગોલગ આવી જશે. અમારી વચ્ચે યુદ્ધ થશે. હું કદાચ કપાઈ પણ જઈશ. તારાથી અલગ થઈ જઈશ. મારો આટલો મોહ ન રાખ!!
દોરી : હું જાણું છું, કદાચ એવું થશે. કોઈ બીજી મજબૂત દોરી આવશે મારું અંગ ચીરશે અને તું મારાથી જુદો થઈ જઈશ. હું ફરી પાછી ફિરકીમાં લપેટાઈ જઈશ. જમીન પર પાછી ફરીશ. પરંતુ, જ્યાં સુધી તું મારી સાથે છે. ત્યાં સુધી આ પ્રીત નિભાવી લેવા દે! આ આકાશને ચૂમી લેવા દે! પ્રેમમાં કેટલો સાથ બાકી છે એ નથી જોવાતું. જેટલો સાથ છે, એ આનંદથી જીવાય એ જ બસ છે.
પતંગ : શું હું તને છોડીને ચાલ્યો જઈશ તો તને દુઃખ નહીં થાય?
દોરી : દુઃખ તો જરૂર થશે! તારી યાદ પણ આવશે. તારી યાદ આવશે ત્યારે દુઃખી થવાને બદલે આજે વિતાવેલી સુંદર પળોને યાદ કરીને હું ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ. એ માટે મને તારી સાથે જે પળો મળી છે તે ઉજવી લેવા દે. મીઠી યાદો બનાવી લેવા દે. કાલની ચિંતા કરીને આજને શું કામ બરબાદ કરવી!! હમણાં આપણે સાથે છીએ એ સમયને માણી લઈએ!
પતંગ : તારી વાત સાચી છે. થોડી વારમાં શું થશે તેની ખોટી ચિંતા શાને કરવી! પ્રેમ છે કોઈ સૌદો નથી કે તું આપે તો જ હું આપું! પ્રેમમાં એકબીજા પાસેથી અપેક્ષાઓ શાને રાખવી!!
દોરી : હવે તું મારી વાત સમજ્યો!
અત્યારે આ ઊંચા આસમાનમાં તું ને હું એકબીજાની સાથે છીએ. જો ને! આખી દુનિયા અહીંથી કેટલી સુંદર લાગે છે.
પતંગ : આપણે વાદળોની ઉપર છીએ. ચાંદ, તારા અને સૂરજની નજીક છીએ. એ સુંદર સમયને માણી લઈએ! એકમેકમાં ખોવાઈ જઈએ!
દોરી ગણગણી : યે હસી વાદીયા, યે ખુલા આસમાં!
આ ગયે હમ કહાં એ મેરે સાજના!
પતંગ : ઈન બહારો મેં દિલ કી કલી ખીલ ગઈ!
મુજકો તુમ જો મિલે જિંદગી મિલ ગઈ!!
વાચકમિત્રો, પતંગ અને દોરીનો આ કાલ્પનિક સંવાદ વાંચીને તમને એવું નથી લાગતું કે આપણે પણ કાલની ચિંતા છોડી દેવી જોઈએ! આજની પળ આજનો સાથ માણી લેવો જોઈએ.
હવે શું થશે? આવું થશે તો શું કરીશું? એવા વિચારોમાં આજની પળને માણવાનું ભૂલી જઈએ છીએ. એકબીજાનો સાથ ભલે ને પળભરનો હોય. તોયે શું? એ સાથે આપણને એક નવી દુનિયા દેખાડી! હૃદયને અનેરી ખુશીઓથી ભરી દીધું. એ ખુશીઓને માણવાને બદલે આપણે કાલનો વિચાર કરીને દુઃખી થઈએ છીએ. એકબીજાથી દૂર થવાનું છે, એની ચિંતામાં પ્રેમ કરવાનું શા માટે ભૂલી જઈએ છીએ. પ્રેમમાં અપેક્ષાઓ શા માટે રાખવી? સાથ કોનો ક્યારે છુટશે? એ કોઈ નથી જાણતું. કાલે શું બનશે? એ પણ કોઈ નક્કી નથી કહી શકતું. તો કાલની ચિંતા શા માટે કરવી??
આજ તો આપણી પાસે છે ને! આજે આ પ્રેમમાં જેટલી ખુશીઓ મળે એને સમેટી લઈએ તો!! એ ખુશીઓ કદાચ આવતી કાલે મીઠી યાદ બની જીવનનો સહારો બની જશે એવું નથી લાગતું તમને! પરંતુ જો આજે આવતી કાલની ચિંતા કરતા રહીશું. તો કદાચ એ મીઠી યાદો બનાવી જ નહીં શકીએ......શું લાગે છે તમને?... મને જરૂર જણાવજો!!
આપ સહુને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો