દખલગીરી નથી કરવી! નથી ચલાવી લેવી!!
જીવનમાં એક કામ કાયમ
કરો
કોઈના જીવનમાં દખલ ન
કરો!
આવા સુવાક્યો આપણે
રોજ વાંચીને પણ ભૂલી જઈએ છીએ! ઘણા તો પોતાના સ્ટેટ્સ પર પણ મૂકે છે બીજાને
વંચાવીને સમજવા કહે છે પણ પોતે અનુસરે ખરા??
"એમાં આપણે શું?
એમને જે કરવું હોય તે
કરે!" આવું માત્ર બોલય છે પરંતુ, અનુસરણ થાય છે ખરું??
" નીતાબહેન નો દિકરો
કેટલો દેખાવડો છે તોય કેવી જાડી ને શ્યામવર્ણી વહુ લઈ આવ્યો!"
" નીમુમાસી તો આજકાલ
થોડા વધારે જ હવામાં રહે છે! દિકરો વિદેશ શું ગયો, એમના તો તેવર બદલાઈ ગયા છે!"
"આ રમણભાઈ પણ ખરા છે,
દીકરી સત્તાવીશ ની
થવા આવી તોયે પરણાવવાનું નામેય નથી લેતા!"
" આ સુરેખા બહેનના
દીકરાના લગ્ન ને ચાર વર્ષ થઈ ગયા હજીય આમના ઘરે પારણું નથી બંધાયું! આજકાલના
જુવાનિયાઓ ને બાળકોની ઝંઝટ ગમતી જ નથી લાગતી!"
આવા અનેક કથનો આપણે
અનેક વાર સાંભળીએ છીએ! ક્યારેક આપણે પણ બીજાના જીવનમાં થતી દખલગીરી માં પ્રત્યક્ષ
કે પરોક્ષ રીતે સામેલ પણ થઈ જઈએ છીએ, ખરું ને??
બીજાના જીવનમાં શું થઈ રહ્યું છે, એ જાણવાની તાલાવેલી મનુષ્યમાં સ્વાભાવિક પણે હોય છે જ! જો કે આમાં કશું ખોટું નથી જ્યાં સુધી આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈને કશુંક નવું શીખી શકીએ પરંતુ, કોઈના જીવનમાં ચંચુપાત કરીને એમને જાણતાં કે અજાણતાં તકલીફ પહોંચાડવી એ તદ્દન અયોગ્ય છે!! આમ જોઈએ તો સમાજની રચના એકબીજા સાથે હળીમળીને રહેવા માટે થઈ છે, પરંતુ, એનો મતલબ એ હરગીઝ નથી કે કોઈના અંગત જીવનમાં દખલ ગીરી કરીને તેમને સલાહ સૂચન આપવાનો આપણને હક મળી ગયો છે!
દરેક
વ્યક્તિ પોતાની રીતે જીવવા માટે સ્વતંત્ર છે! તેને પોતાના નિર્ણયો પોતાની રીતે
લેવાની છૂટ છે! સામાજિક રિવાજો કે બંધનો ના ભાર તળે દબાઈને એમને પોતાના નિર્ણયોમાં
અને અંગત જીવનમાં ફેરફાર કરાવવાની ફરજ પાડવી એ તદ્દન ખોટું છે!
અહીં હું તમને
સામાજિક જીવનના અમુક ઉદાહરણોથી મારી વાત સમજાવવાનો પ્રયત્ન કરું...
મારી એક સખી કીર્તિ
ની વાત કરું, બે
દિકરા અને પતિ સાથે એનો નાનકડો સુખી સંસાર હતો. એ શોખ ને ખાતર બાળકોને ગમતી નવી
નવી વાનગી બનાવતી એમાં એનો હાથ સારી રીતે બેસી ગયો હતો! આ શોખ ને એણે નાનકડા
વ્યવસાય સ્વરૂપે આગળ વધાર્યો ત્યારે પતિ એ તો હા કહી પરંતુ, સંબંધીઓ કહેતા," બે નાના બાળકો ને આમ એકલા મૂકી ઓર્ડર
લેવા ને મૂકવા જાય ને બાળકો આમતેમ રખડતા હોય!" કોઈ કહેતું," એનું ઘર તો જો! કેવું લઘરવઘર રાખે છે,
આવી શું જરૂર છે એને, રસોઈના મોટા ઓર્ડરો લેવાની! પતિ સારું
તો કમાય છે!"
કીર્તિ ના કાને આવી
ઉડતી વાતો આવતી ત્યારે તેના ઉત્સાહ પર પાણી ફરી જતું! કેટલાકે તો અને વણમાંગી સલાહ
પણ આપી, " બાળકો
મોટા થઈ રહ્યા છે, આ
બહારના કામ માં રચી-પચી રહીશ તો બાળકો હાથ માંથી જશે! આમ બહાર રસોઈના ઓર્ડરો
લેવાની શું જરૂર છે! મારી વાત માન! ઘર સાંભળી લે!"
કીર્તિ એ શરૂ કરેલો નાનકડો ઉદ્યોગ વ્યવસાયના બનતા અટકી ગયો! કીર્તિ એ ઘર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું! થોડાક વર્ષોબાદ કીર્તિ ના પતિ ને અકસ્માત નડતા તેઓ વ્હીલ-ચેર પર આવી ગયા! કીર્તિ એ પોતાનો બંધ કરેલો ઉદ્યોગ ફરીથી શરૂ કર્યો પરંતુ, આ સમય તેના માટે ખૂબ કપરો રહ્યો કારણ તેના પહેલાંના ગ્રાહકો અને 'સપ્લાયરો' છૂટી ગયા હતા! જો તેણે પહેલાં તેનો વ્યવસાય બંધ ન કર્યો હોત તો આ મુશ્કેલીનો તે આસાનીથી સામનો કરી શકી હોત! એના જીવનમાં દખલગીરી કરનાર એ સમયે એની મદદે આવ્યા નહોતા બલ્કે સામે મળતા તોય રસ્તો ફેરવી લેતા હતા! શું કોઈ ના જીવનમાં આ રીતે દખલગીરી કરવાનો કોઈને હક છે ખરો??
મનીષા ખૂબ દેખાવડી!
વળી ભણવામાં પણ હોશિયાર હતી! એક 'સાયન્ટિસ્ટ'
બનીને વિજ્ઞાન
ક્ષેત્રે આગળ વધવાની તેની મહત્વકાંક્ષા હતી પરંતુ, એ ઉંમરલાયક થઈ એટલે લગ્ન સંબંધ માટે
વાતો આવવા લાગી જ્યારે માતા પિતા દીકરીની ઈચ્છાને માન આપીને સંબંધ માટે ના કહેતા
ત્યારે સંબંધીઓ કહેતા, " આમ
ના કહેતા રહેશો તો સારા મુરતિયા હાથમાંથી જશે! પછી બીજવરનો હાથ પકડવો પડશે!"
તો કોઈ કહેતું," દીકરીને
આટલું ભણાવશો તો એવા ભણેલા મુરતિયા નહીં મળે! જીવનભર દીકરીને ઘરમાં થોડી બેસાડી
રખાશે!" આ બધી દલીલો થી ડરીને માતા પિતા એ મનીષાની મહત્વાકાંક્ષા ને નેવે
મૂકી અને તેના લગ્ન કરાવી નાખ્યા!
આમ એક સપનું ફરી
મનમાં ધરબાઇ ગયું! એક હસતું જીવન ફરી ઉદાસીની કેદમાં પૂરાઈ ગયું! આવી કેટલીય મનીષા
પોતાના મનમાં દબાયેલા સપનાને ભાર લઈને જીવતી હશે, કોને ખબર!!
સૌમિલના પિતાનો ધીકતો
વ્યવસાય હતો પરંતુ,
સૌમિલ ને શિક્ષણ
ક્ષેત્રે રસ હતો એક સરકારી શાળામાં નાના પગારની નોકરી કરનાર દીકરા વિશે થતી લોકોની
આડીઅવળી વાતોથી કંટાળીને આખરે પિતાએ પુત્ર પર વ્યવસાય સંભાળી લેવા દબાણ કર્યું!
પિતા પુત્ર વચ્ચે તણાવ થયો આખરે પોતાના સ્વપ્ન ને પામવા દિકરો ઘર છોડીને જતો
રહ્યો! વર્ષો સુધી પિતા પુત્રના સંબંધમાં કડવાશ રહી! એ દર્દનો ભાર આખા પરિવારને
જીરવવો પડ્યો! દખલગીરી
કરનારા ને તો આ દર્દનો અહેસાસ પણ નહોતો!
આવા અનેક ઉદાહરણો આપણા અને આપણી આસપાસના જીવનમાં બન્યા જ હશે, ખરું ને?.. શા માટે કોઈ બીજાના અંગત જીવનમાં માથું મારતું હશે? મને તો એ જ નથી સમજાતું! શું એના પરિણામો ભોગવવા દખલગીરી કરનાર તૈયાર હોય છે??
વાચક
મિત્રો, આપણે
આવા હરગીઝ નથી બનવું! કોઈના જીવન દખલગીરી નથી કરવી એ નક્કી કરી લેવું છે અને હા,
જો કોઈ આપણા જીવનમાં
દખલગીરી કરે તો એ પણ ચલાવી નથી લેવું! કોઈ કાંઈ પણ કહે એથી આપણા જીવનના નિર્ણયો
માં ફેર બદલ નહીં કરીએ, એ
પણ નક્કી કરી લેવું છે...બરાબર ને?
જીવનમાં એક જ મંત્ર
યાદ રાખવો છે,
'જીવો અને બીજાને
સુખેથી જીવવા દો!!'
શું કહો છો તમે??
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો