ઋણાનુબંધ
આપણા જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે કે આપણને લાગે કે શું આવું શક્ય હતું! કયારેક કોઈ અજાણી વ્યક્તિ હૃદયની એટલી નજીક આવી જાય કે પોતાના પણ ત્યાં ક્યારેય પહોંચી શક્યા ન હોય! કોઈપણ સંબંધો ન હોવાં છત્તાંય એક અજાણી વ્યક્તિ આપણા પર ઉપકાર કરે ત્યારે લાગે ક્યા સંબંધે આટલી બધી નિકટતા!! આવા સંબંધો કદાચ કોઈ ઋણાનુબંધ જ હોઈ શકે. આવો જ એક અનુભવ મને થયેલો એક સાવ અજાણી વ્યક્તિએ મને અણીના સમયે કરેલી મદદ મારા માટે જીવનભરનું ૠણ બની ગઈ. એ વિષે આજે તમને વિસ્તારથી વાત કરું...
સમય હતો ૨૦૨૦ ના માર્ચ મહિનાનો જયારે કોરોનાએ દુનિયામાં તાંડવ મચાવવાનું શરુ કરેલું. બધા જ દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી. જે જયાં હતા તેમને ત્યાં જ રહેવાની ફરજ પડી. એક એવો સમય અચાનક આવી ગયો જે માટે આપણે કોઈ તૈયાર જ નહોતા. શું કરવું એ વિશે કોઈ નિર્ણય લઈએ એ પહેલાં આ બીમારીએ આખી દુનિયા પર કબ્જો જમાવી દીધો. આ સમયે મારો દીકરો દિવ્ય ' ઍન્જેનીયરીંગ કોલેજ ' ના બીજા વર્ષમાં U.S માં ભણતો. સૌથી પહેલાં અને સૌથી વધુ કોરોના ત્યાં જ ફેલાયેલો. અચાનક ત્યાં ' લોકડાઉન ' કરવામાં આવ્યું. કોલેજની હોસ્ટેલોમાં બધા વિદ્યાર્થીઓને ચાર દિવસમાં રુમ ખાલી કરવાની નોટીસ આપવામાં આવી. ત્યાં દર્દીઓ માટે ' કોરન્ટીન સેન્ટર ' બનવાનું હતું. નોટીસ મળતાં જ બધા વિદ્યાર્થીઓ ઘરે જવા લાગ્યા. અમે દિવ્યના ઘરે બોલાવી શકીયે એમ નહોતા કારણ સરહદો બંધ હતી. સંજોગો પણ એવા હતાં કે U.S. ની બહાર નીકળી શકે એમ નહોતો.
એક જ દિવસમાં હોસ્ટેલ લગભગ ખાલી થઇ ગઈ. ફૂડ હોલ પણ બંધ! આખા ' કેમ્પસ ' માં સોપો પડી ગયો. આવા સમયે ' હોટેલો ' અને ' મોટેલો ' માં પણ જવાય એમ નહોતું. દિવ્ય સાવ એકલો થઈ ગયો. અમે U.S માં રહેતા અમારા સંબંધીઓને સંપર્ક કરીને દિવ્યને રહેવા કોઈ સુરક્ષિત જગ્યા શોધતા હતા. બધા જ આ પરિસ્થિતિમાં ડરેલા હતાં. કોઈને ત્યાં વૃદ્ધ વડીલો હતા તો કોઈને ત્યાં આ બીમારી આવી ગઈ હતી. એમાં કોઈ દિવ્યને મદદ કરી શકે એમ નહોતું. દિવ્ય પાસે થોડો ઘણો ખાવાનો પુરવઠો હતો. જેમ તેમ ચલાવતો પણ હોસ્ટેલમાં એ સાવ એકલો થઈ ગયેલો. એ ચિંતાનો વિષય હતો. અમારા એક એક કલાકો કપરાં જઈ રહ્યા હતાં. હવે એ કયાં રહેશે? શું ખાશે? ' સુપર માર્કેટ ' તો લગભગ ખાલી થઈ ગઈ હતી. ખાવાનું કયાંથી લાવશે? પોતાને આ બિમારીથી કેમ બચાવશે? એ એકલો આ મુશ્કેલીઓનો સામનો કેમ કરશે? આવા અનેક પ્રશ્નોએ અમારા હૃદયને બેચેન કરી દીધું. એની ચિંતામાં અમારી હાલત કફોડી હતી. એ હિંમતપૂર્વક ' ઑનલાઇન સર્ચ ' કરી રહેવાની જગ્યા શોધી રહ્યો હતો.
મેં અહીંના મારા મિત્ર વર્તુળમાં વાત કરી. જો એમની કોઈ ઓળખાણ હોય તો ક્યાંક રહેવાની સગવડ થઈ શકે. કોઈએ આશ્રય સ્થાનનો નંબર આપ્યો તો કોઈએ ' મોટેલ ' માં રહેવાનો સુઝાવ આપ્યો. એ સમયે મારા એક ' ફેમેલી ફ્રેન્ડ ' નો સામેથી ફોન આવ્યો. એમની એક ખાસ સખી વીણા હાલમાં U.S. માં મારા દીકરાના જ શહેરમાં રહેતી હતી. તેમનો નંબર આપ્યો અને કહ્યું, " મેં એને તારી ઓળખાણ આપી છે, એ વર્ષોથી ત્યાં જ રહે છે. તું એને વાત કરી જો, એ તને મદદ કરી શકશે! "
મેં તુરંત વીણા બહેનને ફોન જોડ્યો. ઔપચારિક ઓળખાણ થઈ. તેઓ પણ મુંબઈમાં જ જન્મેલાને મોટા થયેલા! મુંબઈવાળા સાથે વાત કરવાનું મને બહુ સહેલું લાગે! તેઓ પણ પહેલી જ વારમાં ખૂબ સહજતાથી વાત કરતાં હતાં. થોડીવારમાં એવું લાગ્યું કે અમે એકબીજાને કયારથી ઓળખીએ છીએ. મેં તેમને મારી મુશ્કેલી જણાવીને કહ્યું " થોડા સમય માટે મારા દીકરાને ક્યાંક રહેવાની સગવડ થઇ શકે એવું કાંઈક બની શકે? "
એ બોલ્યા, " થઈ શકે શું! થઈ ગઈ, સમજી લે! મારું ઘર ને દિલ બંને મોટા છે! મારી બંને દીકરીઓ પોતાના સાસરે છે અમે બંને અહીં એકલા જ છીએ. ઘરમાં બધી જ સગવડ છે! દિવ્ય મારા જ ઘરે રહશે! તારો દીકરો આજથી મારો દીકરો! તું એનો નંબર આપ, હું હમણાં જ એની સાથે વાત કરું અને કાલે સવારે એને અહીં મારા જ ઘરે લઇ આવું છું! એમના શબ્દો સાંભળીને મારા માથેથી ચિંતાનો ભાર સાવ હળવો થઈ ગયો. જાણે કોઈ ચમત્કાર! એક સાવ અજાણી વ્યક્તિ પળભરમાં મારી આટલી મદદ કરશે એ માનવામાં જ નહોતું આવતું. એ ઘડીએ શું બોલવું મને સમજાયું નહીં! જ્યાં મારા પોતાનાએ મારો સાથ છોડી દીધો ત્યારે આપણે કેટલા પ્રેમથી મારા દીકરાને પોતાનો દીકરો કહી દીધો! કેવો ૠણાનુબંધ!! મારી આંખોમાંથી લાગણીઓ ધોધ અશ્રુરૂપે વહી રહ્યો! હું કશું જ બોલી શકી નહીં! તેઓ સામે છેડેથી મારી પરિસ્થિતિ સમજીને બોલ્યા, " તું જરાય ચિંતા ના કરીશ! સમજી લે તારી મોટી બહેન અહીંયા બેઠી છે, બસ તું દિવ્યનો નંબર આપ! "
મેં લાગણીઓ પર જેમતેમ કાબુ મેળવ્યો, તેમને દિવ્યનો નંબર અને બીજી માહિતી આપી.
બીજે દિવસે નક્કી કરેલા સમયે તેઓ દિવ્ય પાસે પહોંચી ગયા. પ્રેમથી એને પોતાના ઘરે લઈ ગયા. મને ફોન કરીને એની પસંદ ના પસંદ જાણી લીધી. સંપૂર્ણ ' લોકડાઉન ' દરમ્યાન દિવ્ય એમના ઘરે એમના પરિવારનો સભ્ય બનીને રહ્યો. એક માતા પોતાના દીકરાને જેટલું વહાલથી રાખે તેટલું ધ્યાન વીણા બહેને મારા દીકરાનું રાખ્યું. સાથે સાથે રસોઈ બનાવતાં પણ શીખવ્યું. જેથી આવા સંજોગો માટે ભવિષ્યમાં એ તૈયાર રહે! સુપર માર્કેટમાં એને સાથે લઈ જઈને કરિયાણું, શાકભાજી ખરીદતાં શીખવ્યું. દિવ્યને આ સમય દરમ્યાન કયારેય એકલું ન લાગ્યું. તેઓ મારી સાથે રોજ ફોન પર વાતો કરીને મને દિવ્યના ખબર આપતાં.
' લોકડાઉન ' પૂરું થતા દિવ્યના મિત્રો પણ પાછા ફર્યા! બધાએ મળીને એક ' ફ્લેટ ' ભાડે લીધો. દિવ્ય ત્યાં ' શિફ્ટ ' થયો ત્યારે વીણા બહેને એક મહિનો ચાલે એટલો બધો ખાવા - પીવાનો સમાન એને ખરીદીને આપ્યો. પોતાના ઘરેથી નાસ્તા અને બીજી ઘણી ચીજો પણ આપી. ઘરના બનાવેલા ઘી નો ડબ્બો આપતા એક માતાની જેમ કહ્યું, " આ ડબ્બો મહિનામાં ખાલી થવો જોઈએ. હું પછી બીજો આપી જઈશ! " આટલી બધી લાગણી કોઈ રાખી શકે ખરું!! આ તો કોઈ ૠણાનુબંધ જ હતો. આજ સુધી એક માતા બનીને તેઓ મારા દીકરાની કાળજી લે છે. હજીયે અમે મળ્યા નથી તોયે મને લાગે છે કે અમે એકબીજાની એકદમ નજીક છીએ. વીણા બહેનના આ ઉપકારનું ૠણ હું આ જન્મમાં કયારેય ચૂકવી શકું એમ નથી. માત્ર મારા શબ્દોના સુમન એમને ધરીને એટલું જ કહીશ, " તમારા જેવા વ્યક્તિઓથી આ દુનિયામાં માનવતા જીવીત છે અને હંમેશા રહેશે!! "
વાચક મિત્રો, આ ઉપકાર માટે મેં જયારે તેમનો આભાર માન્યો ત્યારે તેઓ બોલ્યા, " આભાર માનવાની કોઈ જરૂર નથી. જયારે તને કોઈની મદદ કરવાનો મોકો મળે ત્યારે તું કરજે, એને પણ કહેજે એ પણ કોઈની મદદ કરે આજ રીતે માનવતાની સાંકળ આગળ વધતી જશે! "
માનવતાનું જીવંત ઉદાહરણ એવા વીણા બહેન અને તેમના પરિવારને આ લેખ સમર્પિત કરું છું!
(આ એક સત્ય ઘટના છે માત્ર વીણાબહેનું નામ બદલ્યું છે.)
-તની
ભાવપૂર્ણ પ્રસંગ..સાચે જ એને ઋણાનુબંધ કહી શકાય..દિવ્ય એ એટલો નસીબદાર કે એને યોગ્ય સમયે આત્મીયતા,સાચી લાગણી ને પ્રેમ અનુભવવા મળ્યા, પરિવાર,વ્યવહારદક્ષતા, જીવન જીવવાની કલા, ભલમનસાઈ આ સદ્દગુણોનો અનુભવ થયો ને એ એનામાં સંક્રાંત થયા..ખરું કહું તો એને અનુભવનું જે ભાથું મળ્યું એ એને જીવનભર યાદ રહેશે
જવાબ આપોકાઢી નાખોઆભાર. સાચે જ! જ્યારે જીવનમાં આવા અનુભવો થાય છે ત્યારે લાગે છે કે ઈશ્વર ક્યાંક તો છે.
કાઢી નાખો