આ ટેવ તો ખાનદાની છે
આજે મંદિરમાં પેલા તારા મિત્ર મળ્યા'તા! એમની મોટી દીકરીની સગાઈ નકકી થઈ, પેલા તારા પેલા ઑફિસના મિત્રના દીકરા સાથે! " મેં કહ્યું.
મોહિત ઓફિસે
જવાની ઉતાવળમાં હતો, " સારું! "
કહીને નીકળી ગયો. ત્યારબાદ એ વાત મારા મગજમાંથી પણ નીકળી ગઈ. હું
મારા રોજિંદા કામોમાં પરોવાઈ ગઈ.
બીજે દિવસે સાંજે ઘરે આવતાં જ મોહિત બોલ્યો, " તને કાલે નીરજ મળ્યો તો ને? એની દીકરીની સગાઈ મારા ' કલીગ ' મિ. મહેતાના દીકરા સાથે નક્કી થઈ. એણે તને કહ્યું હતું ને! તે મને કહ્યું પણ નહીં?? આજે મિ.મહેતાએ કહ્યું ત્યારે ખબર પડી. મિ.મહેતાના ગયા પછી મેં નીરજને ફોન કરી ધમકાવી નાખ્યો ત્યારે એ બોલ્યો, ભાભી મળેલા ગઈકાલે મંદિરે! મેં એમને કહયું તો હતું. હું એ જ વિચારતો હતો કે તારો ફોન કેમ ના આવ્યો! મેં પછી ' સોરી ' કહીને વાત વાળી લીધી. તારે મને કહેવું તો જોઈને ને? "
હું બોલી, " કાલે તો સવારે તને કીધેલું ને તારા મિત્ર મળેલા મંદિરમાં! એમની દીકરીની સગાઈ....!! "
" હા, હવે યાદ આવ્યું! તારી રોજની ટેવ. પેલા ભાઈ ને ઓલા ભાઈ... કોઈની વાત નામ દઈને ના કરે. મને પણ કેમ સમજાય? હું પણ ઓફીસે જવાની ઉતાવળમાં હતો. મને પણ ધ્યાન ના રહ્યું. તારી આ નામ ભૂલવાની ટેવ ક્યારે સુધરશે કોને ખબર!! ક્યારેક તારા મમ્મીને જઈને કહેતી નથી ને કે તમારા જમાઈ શું નામ એનું? "
મેં કહ્યું, " ના રે! મમ્મીને પણ આવું જ તો છે. એને પણ ક્યાં કોઈના નામ યાદ રહે છે. મને પરમ દિવસે જ કહેતી'તી, તારા મોટા મામાજી છે ને! એમના વાઈફ મળ્યાં તા! પણ એમ ના કહે કે નીતા મામી મળેલા. "
"એમનું નામ નીતામામી નથી. રીટામામી છે, શું તું પણ ...! " મોહિત બોલ્યો." નામ ભૂલવાની ટેવ તો તારી ખાનદાની ટેવ છે!! " કહીને એ હસી પડ્યો.
એ દિવસે તો વાત હસવામાં ઉડી ગઈ પણ સાચે કહું તો નામ ભૂલવાની મારી ટેવ ઘણીવાર મોટી ગરબડો સર્જે છે. કોઈ મને નામ કહે ત્યારે હું સાંભળું તો ખરી પણ મારા મગજના ચક્ષુઓ એ સમયે આપોઆપ બિડાઈ જાય. નામ મારા સ્મૃતિપટ સુધી પહોંચતા પહેલાં જ ભૂંસાઈ જાય. નામની ઘટમાળ મારા જ્ઞાન તંતુઓને જરાય ના સમજાય!! એ વ્યક્તિ સામે હોય ત્યારે એમની સાથે જોડાયેલી દરેક વાત મને યાદ આવે પણ નામ ના યાદ આવે.
વાતો વાતોમાં આડકતરી રીતે હું તેમનું નામ જાણવાની કોશિશ કરી લઉં. જેમ કે, " હું તો બધાને કહેતી ફરું તમારા નામ જેવું ' સિમ્પલ ' નામ કોઈનું નહીં. આજકાલ તો બધા કેવા અઘરા નામ રાખે માન્યતા, પ્રિયલતા, અરૂણિમા.. તમારું નામ કેવું સાદું સીધું ..... કહીને જરીક વાર શ્વાસ લેવા રોકાવ એટલે એ કહે, " ચારુલતા " હા જો ને ચારુલતા કેટલું ' સિમ્પલ ' નામ! " એ પણ બિચારા વિચારતા હશે, ચારુલતા. જો ' સિમ્પલ ' કહેવાય તો અઘરું કોને કહેવાય!! આવું થાય ત્યારે વાતને વાળવી મુશ્કેલ બને! પછી ગરબડ થયાનો ખ્યાલ આવે એટલે વાત બીજે વાળવી પડે.
મેં નામ યાદ
રાખવા તે સમયે ' પર્સ ' માં ડાયરી રાખવાની શરૂઆત કરી. જે નવી વ્યક્તિ
મળે એની એક ખાસિયત લખીને એની સામે એનું નામ ટપકાવી લેતી. જેથી એ બીજી વાર સામે મળે
તો સારું પડે! સાંભળેલું કરતાં લખેલું વધુ યાદ રહે એવું મને લાગે. જેમ કે લાંબા
વાળવાળી પ્રિયા, ટૂંકી જીન્સ
પહેરતી મનીષા, સફેદ વાળવાળા
મનોજ ભાઈ, લાંબી દાઢી વાળા
સમીરભાઈ વગેરે.. આમ આ કિમીયો થોડોક કામ લાગતો હતો પણ જયારે એ ખાસિયત વાળી વ્યક્તિ
પોતાની ખાસિયત બદલી લેતી ત્યારે ગરબડ સર્જાતી!
જેમ કે, પ્રિયા મારી ડાયરીમાં લાંબા વાળ વળી પણ હવે તે ' બૉબ - કટ ' કરાવી ચુકી હતી. ટૂંકી જીન્સ વાળી મનીષા હવે કુર્તી પહેરવા લાગી હતી. લાંબી દાઢી વાળા સમીરભાઈ ' ક્લીન - શેવ ' રાખતા થયા અને સફેદ વાળ વાળા મનોજભાઈ હવે ' ડાય ' કરાવતાં થયા હતાં. ફરી ગરબડ શરૂ થતાં ડાયરી રાખવાનું બંધ કર્યું. કેટલીય વાર મારી આ ટેવને લીધે મારે શરમાવું પડયું છે. એના કિસ્સા ગણાવું તો ચાર - પાંચ વાર્તા લખાઈ જાય.
વાસ્તવિકતા એ જ છે કે નામ ભૂલવાની મારી ટેવ ખાનદાની છે. હું, મમ્મી, માસી, નાની બધાને આવી જ ટેવ છે! અમે બધા ભેગા થઈએ ત્યારે કાંઈક આવી વાતો થાય...
હું કહું, " મારી પેલી સખી ને! જેના મોઢા પર તલ છે, એના મોટા ભાઈને નહીં, પેલા જે બહુ બોલે ..એની ' વાઈફ ' જે હંમેશા ચૂપચાપ જ રહેતી હોય એ મળી હતી, એનો મોટો દીકરો હવે વિદેશમાં સેટ થયો છે! એ મળેલી! "
મમ્મી કહે, " પેલા તારા પપ્પાના મિત્ર નહીં, જેમની વાસણોની દુકાન છે, એમની બહેન નહીં, પેલી મોટી આંખો વાળી, એણે હમણાં બોરીવલીમાં નવું ઘર લીધું. એમના ઘરે સત્યનારાયણની કથામાં અમે ગયેલા! તને બહુ યાદ કરતી હતી! "
માસી કહે, " તારા માસાની ' કઝીન ' ના દિયર નહીં, પેલા જેમનાં ઘુઘંરાળા વાળ છે, એમના લગ્નમાં હું ગયેલી ત્યારે તારી મોટી જેઠાણી નહીં, પેલી હંમેશા હસતી જ હોય એ ત્યાં મળેલી. એના પિયરના સગામાં થાય, છોકરી વાળા! "
અમે સમજી જઇયે કે અહીં કોની વાત થાય છે, પણ મોહિત કે મારા ઘરના કોઈને કશું જ સમજ ના પડે. બધા હા માં હા! કરીને માથું ધુણાવે! કંટાળીને મોટું બગાસું ખાઈને મોહિત કહે, " હું સુવા જાવ છું. તમારી વાતો પતે એટલે ચા પી નીકળીએ! "
શું કરું? વાચકમિત્રો, આ ટેવ જતી જ નથી! તમારી પાસે છે કોઈ ઉપાય?? હોય તો જણાવજો ને! અમારું આખું ખાનદાન તમારું ઋણી રહેશે. ખાસ કરીને તમારું નામ ' બોલ્ડ લેટર' માં લખજો! નહીં તો હું પાછું ભૂલી જઈશ કે ઉપકાર કોનો માનવાનો છે.....!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો