હું પાંચ મિનિટમાં આવ્યો ....!!

 

અંગ્રેજી ભાષાની 'ડિક્શનરી' માં અમુક શબ્દો એવા હોય છે જેમાં કોઈ 'લેટર' 'સાઈલેેંટ' હોય છે, જેમ કે Psychology ( સાઇકોલોજી) શબ્દમાં P 'સાઇલેંટ' હોય છે, જે બોલાતો નથી!
   એ જ પ્રમાણે મારા પતિદેવ મોહિતની 'ડિક્શનરી' માં 'હું પાંચ મિનિટમાં આવ્યો'.. એ વાક્યમાં 'અડધો કલાક ઊભા રહેજો,' એ શબ્દો સાયલેંટ હોય એટલે કે એ બોલે નહીં પણ આપણે સમજી લેવાનું! આખું વાકય આમ હોય, " અડધો કલાક ઊભા રહેજો, હું પાંચ મિનિટમાં આવ્યો!" આગળના શબ્દો 'સાઈલેેંટ' હોય! ટૂંકમાં કહૂં તો, જ્યારે મોહિત બોલે કે હું પાંચ મિનિટમાં આવ્યો ત્યારે આપણે સમજી લેવાનું કે ઓછામાં ઓછી અડધો કલાક રાહ જોવાની જ છે!
  સામેની વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે ટ્રાફિક જામ હતો, નીકળતા હતા ને મહેમાન આવી ગયા, તબિયત સારી નહોતી, ઓફિસમાં આજે બહુ કામ હતું, વગરે..માંથી એકાદ બહાનું એટલું સરસ રીતે ગોઠવી કાઢે કે સામેવાળા એ ગોઠવણ વીંખી જ ન શકે!
   મોહિત પોતાને વી. આઈ. પી. નેતાજી સમજે! જે હંમેશા બધે મોડા પહોંચતા હોય! એ કહે," નેતા ની જેમ મોડા જવાથી આપણું માન વધે!" ( જોકે એ વાત અલગ છે કે વી. આઈ .પી. વિના કાર્યક્રમ શરૂ ન થાય પરંતુ, મોહિત વિના શરૂ થઈ જાય!) અમે ઘણીવાર મધ્યાંતરમાં કાર્યક્રમમાં પહોંચ્યા છીએ ત્યારે એ કહે," જોયું આપણે સમયસર છીએ. હજી તો બધા આવી રહ્યા છે!" જયારે કોઈ સીટ પરથી ઉઠાડીને કહે," હું કયારનો અહીંયા બેઠેલો તમે મારી જગ્યા પર કેમ બેસી ગયા?" ત્યારે ખબર પડે કે આ મધ્યાંતર હતો!

   આપણા દેશમાં એક જ મહાન નેતા થઈ ગયા જેઓ બધે જ સમયસર પહોંચતા, મહાત્મા ગાંધી! હું એમના પગલે ચાલનારી! મને કોઈએ સાતનો સમય આપ્યો હોય તો હું સાતનાં ટકોરે ત્યાં હાજર થઈ જતી. જો કે હવે નથી થતી કારણકે આજ કાલ ટકોરા વાળી ઘડિયાળ જોવા જ નથી મળતી. પહેલાં તો એવી ઘડિયાળો આવતી જેમાં ટંગ , ટંગ કરીને ટકોરા સંભળાતા! હવે હું મોહિતની સાથે જાઉં ને એટલે બધે મોડી જ પહોંચું છું!
      મારૂં ઘર દુનિયાનું એક માત્ર એવું ઘર છે, જ્યાં પત્ની પોતાના પતિ ની તૈયાર થઈને બહાર આવવાની રાહ જોતી હોય! મને કશે સાત વાગે પહોંચવાનું હોય તો હું છ વાગતાં જ તૈયાર થઈ જાઉં, મોહિત ત્યારે માંડ આળસ મરડીને બેઠો થતો હોય! હું કેટલીયે ઉતાવળ કરું પરંતુ, એના પેટનું પાણીએ ના હલે! એ તો નિરાંતે જ તૈયાર થાય! એની તૈયાર થવાની ગતિ જોઈને ઘણીવાર ગોકળગાયને પણ ચક્કર આવી જાય! એના હાથમાં રહેલું બ્રશ દરેક દાંતને કોમળતાથી સ્પર્શ કરીને નિરાંતે એના મુખમંડલમાં ફરતું હોય, એ જોઈને મારૂં બી .પી એટલી હદે વધી જાય જેટલું ગરમીમાં રણનું તાપમાન વધી જતું હોય! ગરમીનો લીધે પારો ઊંચો ચડીને ક્યારેક 'થર્મોમીટર' ને તોડીને બહાર આવી જાય તે જ  રીતે હું મારો ગુસ્સાનો પારો ઉપર ચડે એટલે શરૂ થઈ જાઉં,” જલ્દી પતાવ ને! કેટલું મોડું થઈ ગયું! આજે તો તે હદ કરી નાખી, આટલું મોડું! કાર્યક્રમ શરૂ થઈ ગયો હશે! દિવ્યાનું 'પરફોમ્ન્સ' ચાલ્યું ગયું હશે!" બોલતાં બોલતાં અહીંથી તહીં  આંટા મારવા લાગું! (પેલા ફિલ્મોમાં પત્નીના 'લેબર રૂમ' ની બહાર પતિઓ આંટા મારતા હોય તેમ જ!) ક્રોધ ને લીધે મારું ત્રીજું નેત્ર ખુલે ત્યારે માંડ એ પોતાની ગોકળ ગાયની ગતિ છોડીને કીડી વેગે કામ કરવા લાગે!

   ઓફિસના લેટ-લતીફ કર્મચારીઓમાં મોહિતનું સ્થાન મોખરે! મજાલ છે કોઈની કે એનું એ સ્થાન છીનવી શકે! સફરે જતી વખતે ટ્રેન અને બસ છૂટી જવી એ તો એના માટે સામાન્ય બાબત! ઘણીવાર તો અમે 'ડી. ડી. એલ.જે' ની કાજોલની જેમ ટ્રેન પકડી ચૂકયા છીએ. એકાદ વાર તો 'જબ વી મેટ' ફિલ્મમાં શાહિદ અને કરીના જેમ મૂળ સ્ટેશનેથી ટ્રેન ચૂકી જતાં ટેક્ષીમાં જઈને બીજા સ્ટેશનેથી ટ્રેન પકડે છે એમ અમારે પણ કરવું પડયું હતું! 'ફ્લાઇટ' માટે ત્રણ ચાર કલાક વહેલા પહોંચવું પડે છે એટલે હજી સુધી એ છૂટી નથી! ક્યારેય એની પાંખો પર લટકીને સફર નથી કરી બાકી ટ્રેનમાં તો ઘણીવાર લટકવું પડ્યું છે!!

અમારા મિત્રમંડળ અને સગા- સંબંધીઓમાં અમે સૌથી મોડા પહોંચનાર પરિવાર તરીકે કુખ્યાત ખરા!
'નામ અમારું એટલુ બદનામ છે દોસ્તો.. અમને આમંત્રણ આપવા પત્રિકા પણ  અલગથી છપાવવી પડે છે!!'
કારણ કે જો અમને હસ્ત મેળાપનો સાચો સમય આપ્યો હોય તો અમે એ લગ્નની વિદાયમાં જ હાજરી આપી શકીએ! જો કે આજકાલ તો પેલા 'વોટ્સ-અપ' ના 'બ્રોડકાસ્ટ ગ્રુપ' માં આમંત્રણના મેસેજ અપાય છે એમાં પણ કોઈ મોહિતનો નંબર  'એડ' ન કરે! અમને તો સમય બદલીને અલગથી જ આમંત્રણ અપાય!
    મોહિતની આ આદતને સુધારવાની મારી કોશિશો વિશે થોડી વાત કરું,...
   સામ અને દામ આ બે નીતિઓને તો એ ઘોળીને પી જ ગયેલો! એક પતિવ્રતા પત્ની હોવાને કારણે હું પતિદેવને દંડ તો આપી ના શકું ને! આખરે મેં અબોલા લઈને ભેદનીતિ અપનાવી ત્યારે તો એને જલસા થઈ ગયેલા! મારા મૌન જેવું સુખ એના માટે બીજું કોઈ નહોતું! એ વધારે મોડો થવા લાગ્યો! દંડનીતિ ના કુપરિણામો જોતા મેં બંધ જ કરી દીધી!!
   આખરે મેં ચાણક્ય નીતિ અપનાવી. મેં અમારા ઘરની ઘડિયાળના કાંટાઓની સાથે છેડાછાડ કરીને એને એક કલાક પાછળ કરી દીધા! એના ફોનની ઘડિયાળનું 'સેટિંગ' પણ બદલી નાખીને એને પણ એક કલાક પાછળ કરી દીધી! થોડા દિવસ મોહિત બધે સમયસર પહોંચી જતો. ત્યારે બીજા બધા પોતાની ઘડિયાળો ના સમય ચેક કરતાં. ક્યાંક ઘડિયાળ ખરાબ તો નથી ગઈ નેએમને ચિંતા થતી! આમ તો મોહિત 'શેરલોક હોમસ' નો નાનો ભાઈ ખરો! આખરે એણે મારી ચોરી પકડી પાડી! મારી કરામત વાળી ઘડિયાળના સમયમાં એક કલાકની બાદબાકી કરીને ચાલવા લાગ્યો! આમ મોડા પડવાનો ક્રમ યથાવત જ રહ્યો!!

  હજી સુધી મેં પણ હાર નથી માની! 'સાઇકોલોજી' શબ્દના P ની જેમ મેં  'સાઈલેેંટ' થઈને પણ ગાંધીગિરી તો ચાલુ જ રાખી છે! સમયાંતરે હડતાળ, સત્યાગ્રહ અને અસહકાર આંદોલન જેવી ચળવળો કરતી રહું છું! આજે નહીં તો કાલે 'હું પાંચ મિનિટમાં આવ્યો!'(સાઈલેેંટ શબ્દો તમે જોડી લેજો) એ શબ્દોથી આઝાદી મળશે, એવી આશા છોડી નથી!"
ચાલો, તમે આટલું વાંચો, હું પાંચ મિનિટમાં આવી!!

-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક