એ દિવસ.. નહીં ભૂલાય!
તમને કોઈ તમારા વખાણ કરવા કહે તોયે તમે ના કરો એવું બને ખરું? બને હોં! ખરેખર મહાન લોકો પોતાના વખાણ ન જ કરે કારણ, દુનિયા એમના વખાણ કરતી હોય! હું એ મહાન લોકોમાં નથી! મને તો 'અપને મુંહ મિયાં મિઠ્ઠું' બનવું જ પડે!!
હું એક સારી વક્તા છું . મને સ્ટેજ પર જઈને માઇક લઈને બોલવું અને
સ્પીચ આપવી બહુ જ ગમે. મે આજ સુધી અનેક
કાર્યક્રમો હોસ્ટ કર્યા છે, એ મારો શોખ છે. આજે હું તમને એ એ સમયની વાત કરું જ્યારે એની શરૂઆત થઈ હતી...
હું પહેલેથી ખૂબ વાચાળ! મારૂ બોલવાનું શરૂ થાય પછી ક્યારે પૂરું થાય એની કોઈ ખાતરી નહીં! ઘરના બધા માટે મારું બોલવું એક અસહ્ય ત્રાસ બની ગયો હતો. 'મેં ચૂપ રહૂંગી' એ ફિલ્મ મને મોહિતે અનેકવાર દેખાડી! 'પાવર ઓફ સાઇલેંસ' નામનું પુસ્તક ભેટમાં પણ આપ્યું. તોયે હું ચૂપ ના જ થઈ! આખરે એના એક મિત્રની સલાહથી મોહિત મને એક 'પબ્લિક સ્પકિંગ ઓર્ગેનાઈઝેશન' માં લઈ ગયો. જ્યાં હું સતત બોલી શકું અને બીજા બધા મને સાંભળે જેથી મોહિતને થોડી વાર શાંતિ મળે!
અહીં બધાને બોલતા જોઈને મને લાગ્યું, 'લે આ તો મારા કામનું! હું મંચ પર આવીશ તો આ બધાની છુટ્ટી કરી નાખીશ! મેં તો તરત ફોર્મ ભરીને દાખલો મેળવી લીધો. એક અઠવાડીયા બાદ મારો નાનકડો 'ઇન્ટરવ્યૂ' થયો. આખરે મને અહીં બોલવાની મંજૂરી મળી ગઈ. જે માટે મારે તાલીમ લેવાની હતી! હું તો મને 'તીસમારખાં' જ સમજતી એથી મેં કહ્યું," મારે તાલીમની કોઈ જરૂર નથી. હું બોલી શકીશ!"
આમ મેં મારી પહેલી 'સ્પીચ' નોંધાવી લીધી.
એ માટેની તૈયારી પણ શરૂ કરી દીધી. એ સ્પીચની 'પ્રેકટિસ' કરતાં મેં મોહિતને દસેક વાર સંભળાવી જ હશે! એનેય પોતાના હાથે પોતાના પગ પર કુહાડી માર્યાનો અફસોસ થયો હશે જ! એક 'સ્પીકર' જેવી દેખાવા માટે મેં બ્લેઝર અને 'એસેસરિસ'ની ખરીદી પણ કરી. જેનું મોટું બિલ ભરતી વખતે એની હાલત કાપો તો લોહો ના નીકળે એવી થઈ હતી!!
આખરે એ દિવસ આવી ગયો. મારો
સ્પીકર તરીકેનો પહેલો દિવસ! 'મોટિવેટિંગ સ્પીકર' બનવાનું સપનું જોતાં હું તૈયાર થઈ. નવું બ્લેઝર અને હાઇ હીલના સેન્ડલ પહેરી હળવો મેકઅપ કરીને હું જોશ સાથે ત્યાં પહોંચી. 'પ્રથમ ગ્રાસે મક્ષિકા '..જેવો હાલ ત્યારે થયો જયારે હોલમાં પહોંચતા મારી મોટી હીલના અવાજથી ત્યાંની સંપૂર્ણ શાંતિ ભંગ થઈ ગઈ! બધાએ એકી સાથે મારી તરફ જોયું. અનેક આંખોના કટાક્ષને ઝીલવાનું સામર્થ્ય હું મેળવી શકું એ પહેલાં જ મારા સેંડલે મારા પગ સાથેની જુગલબંધી તોડી નાખી અને હું ગડથોલિયું ખાઇને પડી ગઈ!! ત્યાં બેઠેલા લોકોમાં હાસ્યનું જોરદાર મોજું ફરી વળ્યું. હું જેમતેમ ઊભી થઈને બાથરૂમ તરફ ભાગી.
થોડી વારે સ્વસ્થ થઈને બહાર આવી. ત્યારે એક સજ્જન વ્યક્તિએ આવીને મને પુછ્યું," તમે ઠીક છો ને! 'સ્પીચ' આપી શકશો? મેં 'હા' કહી. તેઓ મને ત્યાંના બધા સદસ્યો સાથે ઓળખાણ કરાવવા લઈ ગયા! અનેક લોકોના નામ અને હોદ્દા સાંભળતા હું રીતસરની થાકી ગઈ! બધાના નામ યાદ રાખતા મેં ગોખેલી 'સ્પીચ' ભુલાઈ જતી હોય એવું લાગ્યું. ઓળખાણ વિધિ થોડી લાંબી ચાલી. છેલ્લે છેલ્લે તો મેં સાંભળ્યું ના સાંભળ્યુ જ કર્યું. એ ભાઈ ઓળખાણ કરાવતાં હતા પણ હું મનમાં મારી સ્પીચ બોલતી હતી. એમાં એક લોચો થઈ ગયો, ત્યાંના પ્રેસીડેંટ ભાઈને મેં 'યસ સર' ને બદલે 'યસ મેમ' કહી દીધું ..ભાઈ બિચારા .!! બે ચાર વાર બાથરૂમમાં જઈને પોતાનું ડ્રેસિંગ અને ચહેરો જોઈ આવ્યા.. બોલો!!
આખરે મારી સ્પીચનો સમય થયો. એ પહેલા થયેલી ગરબડોએ મને થોડી વિચલિત કરી દીધી હતી. એમાં વળી પોકેટ માઇક પહેરવાનું હતું. એ માઇક માથા પર પહેરીને એની બેટરી પેન્ટના ખીસામાં રાખવાની હતી. જેમાં પહેલેથી જ લિપસ્ટિક, કાજલ સ્ટિક, આઈલાઈનર વગેરે હતા. બધું સગવગે કરતાં થોડો વધુ સમય લાગ્યો. મારૂં નામ બોલાયા પછીની સાડા ત્રણ મિનિટ બાદ હું સ્ટેજ પર પહોંચી ત્યારે સૂત્રધાર બગાસા ખાતો હતો. પ્રેક્ષકોને મારો પરિચય કરાવીને એ સીધો ચા પીવા દોડી ગયો.
મેં 'સ્પીચ' ની શરૂઆત કરી. થોડા સમય સુધી પ્રેક્ષકોનો કોઈ પ્રતિભાવ નહીં! પહેલી હરોળના લોકો સિવાય બીજા બધા અંદરો અંદર વાતો કરતાં હતાં. ત્યાં તો પેલો સૂત્રધાર ચા પડતી મૂકીને સ્ટેજ પર દોડતો આવ્યો અને કહ્યું," તમે માઈકની સ્વિચ ચાલુ કરવાનું ભૂલી ગયા છો!"
"લે! આ વળી નવું! મેં વિચાર્યુ," ભાઈ, માઇક આપે ત્યારે સ્વિચ ચાલુ કરી દેવાય ને! એ પણ મારે કરવાનું!!"
મેં સ્વિચ ચાલુ કરી!' માઇક ચેક' કરીને સ્પીચની ફરીથી શરૂઆત કરી. પોપટની જેમ ગોખેલો પહેલો ફકરો સ્મૃતિ પટ પર ફરી આવ્યો જ નહીં! જે યાદ આવ્યું તે બોલવા લાગી. મારું એવું છે ને કે હું બોલવા બેસું પછી અટકું તો નહીં જ! ભૂલાઈ ગયેલા 'સ્પીચ'ના ભાગની જગ્યાએ હું કારણ વગરનું ઘણું બધું બોલી ગઈ. વચ્ચે મને અમુક લોકોના નસકોરાં પણ સંભળાયા! તો પણ અટકયા વિના મેં મારૂં વક્તવ્ય ચાલુ જ રાખ્યું. મારે ત્યારે અટકવું પડ્યું જ્યારે પ્રેક્ષકોએ અચાનક તાળીઓનો ગડગડાટ શરૂ કરી દીધો. એ શાંત થયા પછી મેં ફરી બોલવાનું શરૂ કર્યું તો એમણે ફરીથી ગડગડાટ શરૂ કર્યો. આખરે મારે આભાર માનીને મંચ પરથી ઊતરવું જ પડ્યું.
આ મોટા ફિયાસકા પછી મેં ક્યારેય મંચ પર ન જવાનું મનમાં નક્કી કરી લીધું હતું પરંતુ, ટી- બ્રેકમાં મારા સિનિયરે મને કહ્યું, ”પેન્સિલની ધાર કાઢ્યા વિના તે લખી શકતી નથી. તમે અત્યારે એક ધાર કાઢ્યા વિનાની પેન્સિલ જેવા છો. તમારામાં પ્રતિભા ભારોભાર છે માત્ર એને થોડી તાલીમની જરૂર છે. જે તમને અહીં મળશે!"
આખર મેં પેન્સિલની ધાર કાઢવાનું નક્કી કરી જ લીધું અને હું તેમાં જોડાઈ ગઈ. ધાર કાઢતા મેં કેટલાય સંચા તોડયા અને કેટલીય બ્લેડને બૂઠ્ઠી કરી નાખી. એ વિષે લખીશ તો વાંચતાં વાંચતા તમેય નસકોરાં બોલાવવા લાગી જશો. તો પછી મારા લેખ પર ' લાઈક' અને 'કમેન્ટ' કોણ કરશે!! એટલે અહીં જ અટકું છું..
આ તો તમને એટલે કહ્યું કે કયારેક તમને ઊંઘ ના આવતી હોય તો મને કહેજો મારી પહેલી સ્પીચનું
'રેકોર્ડિંગ' મોકલી આપીશ. એનું મૂલ્ય જાણવા મને અંગત 'મેસેજ' કરજો. આ 'નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન'વાળાને જાણ થશે તો પાછી ઉપાધી થશે! બીજું કઈ નહીં ...!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો