ઋણાનુબંધ
આપણા જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે કે આપણને લાગે કે શું આવું શક્ય હતું! કયારેક કોઈ અજાણી વ્યક્તિ હૃદયની એટલી નજીક આવી જાય કે પોતાના પણ ત્યાં ક્યારેય પહોંચી શક્યા ન હોય! કોઈપણ સંબંધો ન હોવાં છત્તાંય એક અજાણી વ્યક્તિ આપણા પર ઉપકાર કરે ત્યારે લાગે ક્યા સંબંધે આટલી બધી નિકટતા!! આવા સંબંધો કદાચ કોઈ ઋણાનુબંધ જ હોઈ શકે. આવો જ એક અનુભવ મને થયેલો એક સાવ અજાણી વ્યક્તિએ મને અણીના સમયે કરેલી મદદ મારા માટે જીવનભરનું ૠણ બની ગઈ. એ વિષે આજે તમને વિસ્તારથી વાત કરું... સમય હતો ૨૦૨૦ ના માર્ચ મહિનાનો જયારે કોરોનાએ દુનિયામાં તાંડવ મચાવવાનું શરુ કરેલું. બધા જ દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી. જે જયાં હતા તેમને ત્યાં જ રહેવાની ફરજ પડી. એક એવો સમય અચાનક આવી ગયો જે માટે આપણે કોઈ તૈયાર જ નહોતા. શું કરવું એ વિશે કોઈ નિર્ણય લઈએ એ પહેલાં આ બીમારીએ આખી દુનિયા પર કબ્જો જમાવી દીધો. આ સમયે મારો દીકરો દિવ્ય ' ઍન્જેનીયરીંગ કોલેજ ' ના બીજા વર્ષમાં U.S માં ભણતો. સૌથી પહેલાં અને સૌથી વધુ કોરોના ત્યાં જ ફેલાયેલો. અચાનક ત્યાં ' લોકડાઉન ' કરવામાં આવ્યું. કોલેજની હોસ્ટેલોમાં બધા વિદ્યાર્થીઓને ચાર દિવસમાં ર...