ખુશીઓનું સરનામું - મારા જુના મિત્રો

 એ સમયે હું કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. એક દિવસ ઘરની અંગત ચિંતાને કારણે મારૂ મન ઉદાસ હતું  ..હવે શું થશે !.એના નકારત્મક વિચારોથી મન ઘેરાયેલ હતું. સમયે હું મારા ખાસ મિત્રો સાથે કોલેજની લાઇબ્રેરીમાં અભ્યાસ કરી રહી હત પણ વાંચવામાં મન લાગતું નહોતું. એ વિચારોમાં મન એટલું બધું ઉદાસ થઇ ગયું કે આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યા!!

  મારા મિત્રોએ જોયું તરત પોતાના અને મારા પુસ્તકો બંધ કર્યા ને કહ્યું , "ચાલ, કેંટીનમાં કોફી પીવા જઇયે" .. સમયે અમારૂ ગ્રુપ કોલેજમાં પ્રખ્યાત હતું. અમે બધા સાથે વાંચતા. બધે સાથે જતા. અમારો નિયમ કે એક જણ વાંચતા કંટાળીને કોફી પીવાનું કહે એટલે બધાએ પુસ્તકો બંધ કરી દેવાના ..બધા કેંટીન પહોંચ્યા. એમાંથી કોઈએ મને મારી ઉદાસીનું કારણ પૂછયું કે ના કોઈએ વિષે વાત કરી ..બલ્કે મજાક મસ્તીને જોક્સ શરુ કરાયા ..કોઈની ટીખળી કરીને હસી પડ્યા ..તો બીજાએ એક જૂની વાત યાદ કરાવીને હસાવી દીધા .. બધી ધમાલમાં હું મારી વ્યથા થોડી વાર ભૂલી ગઈ ..બધા સાથે હસી પડી ..ઉદાસી થોડીવાર માટે વિસરાઈ ગઈ ..

ત્યારે એક મિત્ર કહ્યું ..કાલે શું થશે? આમાંથી કેમ બહાર આવીશું તારા હાથમાં નથી. પરંતુ મેહનત કરી પરીક્ષાની તૈયારી કરવી અને સારા માર્ક્સ લાવીને સફળતા મેળવીને તારું ભવિષ્ય બનાવવું તારા હાથમાં છે એના પર તારું ધ્યાન કેન્દ્રિત કર. બધું બરાબર થઇ જશે. મને પણ વાત સાચી લાગી ને હું ફરી પછી વાંચવામાં ઓતપ્રોત થઇ ગઈ ..

 મારા મનમાં શું ચાલી રહ્યું હતું ? હું શા માટે રડી પડી ? હું કેમ ઉદાસ હતી એમાંના કોઈ પણ પ્રશ્નો પૂછ્યા વિના મારા મિત્રોએ મને ખુશ કરી દીધી. મારા ઉજ્વળ ભવિષ્ય તરફ આગળ વધવાના મારા માર્ગને મોકળો કરી મને બધી ખુશીઓ આપી દીધી. પરીક્ષામાં તો મેં ધારી સફળતા મેળવી પરંતુ પછી જીવનમાં ઘણીયે પરીક્ષા આવી ને ગઈ. હંમેશ માટે મને શીખ યાદ રહી ગઈ કે જે મારા હાથમાં છે મારે કરવાનું છે. તકલીફોનો ભાર વધી જાય ત્યારે મનને ક્યાંક બીજે વાળી દેવાનું મારા મિત્રોએ મને શીખવ્યું.
 હવે, કહેવાની કોઈ જરુર નથી કે મારી ખુશીઓનું સરનામું છે, મારા જૂના મિત્રો. મારા મિત્રો, જેઓની સાથે બાળપણ અને તરુણાવસ્થાના અણમોલ દિવસો વિતાવ્યા. શાળા અને કોલેજ જીવનનો સુવર્ણકાળ સાથે વિતાવ્યો ..આટલા વર્ષો બાદ આજે પણ મારા મિત્રો મારા જીવનની ખુશીઓનું સરનામું છે ..મારા માટે ખુશીનું બીજું નામ છે, મારા મિત્રો. મારી આજની ખુશીઓ મારા મિત્રોએ ગઈકાલે વાવેલા ખુશીના બીજની ઉપજ છે.
 આજે પણ જયારે હું તેઓની સાથે હોઉં છું. ત્યારે સમયની અબુધ તરૂણી બની જાવ છું.ખિલખિલાવીને હસવું , મજાક મસ્તીમાં અગણિત ખુશીઓ પ્રાપ્ત કરી શકું છું. રોજિંદા જીવનની મુશ્કેલીઓ, તણાવ બધુંય મિત્રોના સાનિધ્યમાં શુન્ય થઇ જાય છે ..ક્યારેક મળવું શક્ય ના હોય તોય ફોન પર થોડી વાર વાતો કરીને મન ખુશીથી તરબતર થઇ જાય છે.આજની તારીખે પણ બધી જંજાળ બાજુએ મૂકી અમે એકબીજાને મળવાનું નથી ચૂકતા. અમે જયારે પણ મળીયે ત્યારે પોતાના અંગત જીવનની વેદના કે તકલીફો વિષે એકબીજાને પૂછતાં પણ નથી. ક્યારેક મનનો ભાર કોઈ હળવો કરી લે તો એને સાંત્વના આપવાના અમારા પ્રયત્નોમાં કોઈ કચાશ નથી રહેતી. ફકત નિર્દોષ મસ્તી, વાતો, મજાક અને હસવામાં સમય વ્યતીત કરીને એટલી બધી ખુશીઓ મળી જાય છે કે બીજું બધું વિસરાય જાય છે.
 અમારી દોસ્તીમાં એકબીજા પાસેથી વ્યવહારની કોઈ અપેક્ષા નથી. ફક્ત એકબીજા પ્રત્યેનો નિર્દોષ પ્રેમ મહત્વ ધરાવે છે. જન્મદિવસ કે વારે તહેવારે એકબીજાને મોંઘીદાટ ભેટો આપવાનો કોઈ રિવાજ નહિ. પરંતુ, દિવસે સમય કાઢીને એકબીજાને મળી લેવું ..હસી મજાક કરી દિવસને ખાસ બનાવી દેવાનું મહત્વ વધારે હોય છે.
 મારા શોખ, મારી પસંદગી, મારી પ્રત્યેક પ્રવૃતિઓ તેઓ માટે મહત્વની છે. મારા દરેક સંધર્ષમાં હંમેશા તેઓ મારો સાથ આપે છે. અત્યાર સુધી મેં જીવનમાં ઘણાય બદલાવ જોયા છે. ચડતીના સમયે ખુશામત કરનારા મિત્રો પણ મળ્યા અને પડતીના સમયે રસ્તો બદલી લેતા મિત્રોને પણ જોઈ લીધા. ભલે ને આખીયે દુનિયા મારાથી વિરુદ્ધ થઇ જાય છતાંય , ક્યારેય નથી બદલાય.. છે મારા જૂના મિત્રો. જેઓને મારો સમય કેવો ચાલી રહ્યો છે તેનાથી કોઈ નિસ્બત નથી. મારા એક નાનકડા સ્મિત માટે પોતાનાથી બનતું બધું કરી છૂટતાં મારા જૂના મિત્રો છે.. મારી ખુશીઓનું સરનામું ...
કોઇ અપેક્ષા ના કોઈ માંગણી,
છતાંય સતત ધબકતી લાગણી,
એટલે દોસ્તી.
મારા ખાસ મિત્રોને સમર્પિત..
-તની

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક