આમ દાંત કઢાય ખરા ...!!

 

  મહાનગરી કહેવાતું શહેર મુંબઈ,   જેની જીવાદોરી એટલે ત્યાંની લોકલ ટ્રેન! જેનું સતત દોડવું મધ્યમ વર્ગીય નોકરિયાત પરિવારો માટે જીવન કહેવાય. ટ્રેન વીના તો મુંબઈ શહેરચાલી ના શકે! લોકલ ટ્રેન માટે આવા સારા શબ્દો વાંચીને તમને પણ લોકલ ટ્રેનમાં સફર કરવાનું મન થઈ ગયું હશે ને! જો એવો વિચાર આવ્યો હોય તોય એને પાછો વાળી દેજો, એમાં સફર કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ! ચાવતા નહીં હો, દાંતનો ભૂકો બોલી જશે તો પછી આ લેખ વાંચીને દાંત ક્યાંથી કાઢશો?
   જો ઈતિહાસના વિરલાઓ જેવા કે મહારાણા પ્રતાપ, અકબર, સિકંદર કે પોરસને મુંબઈની લોકલ ટ્રેનમાં સવારે કે સાંજે  'પિક- અવર્સ' માં સફર કરવાનું કહ્યું હોત તો એમને એ કામ જંગ લડવાથી પણ મુશ્કેલ લાગ્યું હોત! એ લોકો ટ્રેન જોઈને જ હથિયાર હેઠાં મૂકીને ભાગી જાત! ઇતિહાસની મોટી જંગો થાત જ નહીં અને આપણે એ બધું ભણવું પણ ના પડયું હોત!
   ખેર, ઈતિહાસને છોડો, તમે કદી પિંજારા ને ગાદીમાં રૂ ભરતાં જોયો છે? (જો કે હવે, 'મેટ્રેસીસ' ના જમાનમાં ગાદલું ને પિંજારો પણ ઇતિહાસ થઈ ગયા છે!) જેમ પિંજારો ગાદીમાં ઠાંસી ઠાંસીને રૂ ભારે તેમ લોકલ ટ્રેનમાં પણ ઠાંસી ઠાંસીને લોકો ભરાય. (અહીં પિંજારો દરવાજે ઊભેલા લોકો હોય જે દરેક ચડનારને ઠાંસીને ડબ્બામાં ભરતા હોય અને પોતાની ઊભા રહેવા માટેની જગ્યા સુરક્ષિત રાખતા હોય!) ટ્રેનમાં ગરદી તો એટલી કે જો તમને શરીરના કોઈ ભાગમાં ખંજવાળ આવે તો તમે પોતે તો ખંજવાળી જ ના શકો પરંતુજો તમારી આગળ કે પાછળ ઊભેલી વ્યક્તિને એ જ જગ્યાએ ખંજવાળ આવી જાય તો તમારું કામ થઈ જાય! લ્યો, બોલો હવે જવું છે લોકલ ટ્રેન માં??
    હું જયારે મુંબઈમાં રહેતી ત્યારે મેં પણ 'પિક અવર્સ' માં સફર કરવાનું ટાળ્યું હતું  પરંતુ, એક દિવસ પરાણે સફર કરવી જ પડી ત્યારે આ બધી મોકાણ થઈ હતી...
    બન્યું એવું કે એ દિવસે અમારે સાંજે સાત વાગે 'બાંદરા ટર્મિનલસ' થી ઉદયપુર  જતી ટ્રેન પકડવાની હતી. તમે તો જાણો છો કે બહારગામ જવાનું હોય ત્યારે આપણે થેપલા, અથાણું મમરા અને ગાંઠિયા વિના ક્યાંય ના જઈએ. એ બધું તૈયાર કરીને ઘરેથી નીકળતા થોડું નહીં ઘણું મોડું થઈ ગયું હતું. એ સમયે અમે મુંબઈના તળ વિસ્તાર એટલે કે મરીન લાઇન્સ રહેતા. ત્યાંથી બાંદરા જવા ટેક્ષી લઈએ તો ટ્રાફિકમાં ફસાઈ જઈએ. ટ્રેન લઈએ તો જ સમયસર પહોંચાય એમ હતું. અમારે ના છૂટકે ટ્રેન લેવી પડી.
  અમે એટલે હું , મારો 'કઝીન' હર્ષ, મારી 'કઝીન' નીતા અને મારા ફોઈ આમ ચાર જણા હતા! હર્ષ પુરુષોના ડબ્બામાં ચડ્યો અને અમે ત્રણે મહિલોના ડબ્બામાં! બધા પાસે એક બેગ હતી  મારી પાસે મારી બેગ સાથે નાસ્તાનો થેલો હતો. જેમાં ઠાંસી ઠાંસીને નાસ્તો ભર્યો હતો.
  'મરીન લાઇન્સ' થી ચડતી વખતે તો કશો વાંધો ના આવ્યો. જરીક બેસવાની જગ્યા પણ મળી ગઈ. જેમ જેમ સ્ટેશન આવતાં ગયા તેમ તેમ  માનવ મહેરામણ ઉમટી પડયું. ત્રણની સીટ પર ચાર, સાડા ચાર અને પાંચ લોકો બેસવા લાગ્યા. બાકીના ઊભા રહેવા લાગ્યા. થોડીક વારમાં તો બધા એકબીજાને ચોંટી જાય એટલી ગરદી થઈ ગઈ. હવાને પણ અવરજવર કરવાની જગ્યા નહોતી. (જો કે સારું જ હતું નહીં તો કોઈએ વધુ ભોજન કર્યું હોય તો.. વાયુની ગંધ ફેલાતી અટકી જતી હતી.)
  બાંદ્રા સ્ટેશન આવવાનો સમય થયો હતો. ફોઈબાને ભય લાગી રહ્યો હતો કે આપણે ઉતરી શકીશું કે નહીં!
મેં ફોઈને કહ્યું," સ્ટેશન આવે ત્યારે તમે બધાને સહેજ હળવો ધક્કો આપજો જેથી આગળના લોકો જલ્દી ઉતરી જાય એટલે આપણને પણ ઉતરવા મળી જશે!"  

મારા વાક્યો ફોઈની પાછળ ઉભેલા એક આંટીએ પણ સાંભળ્યા અને એમાંથી પ્રેરણા લીધી. જેનો મને કોઈ ખ્યાલ નહોતો. હું આગળ હતી મારી પાછળ નીતા અને તેની પાછળ ફોઈ,  અમે બધાએ અમારી 'પોઝિશન' સંભાળી લીધી. સ્ટેશન આવે અને ટ્રેન થોડી 'સ્લો' થાય એટલે 'યા હોમ કરીને પડો, ફતેહ છે આગે!' એવી તૈયારી રાખી જ હતી.
   પેલા 'આંટી' ને યુદ્ધ શરૂ કરવાની થોડી વધારે જ ઉતાવળ હતી એમણે ફોઈ પહેલાં જ હળવા ધક્કાને બદલે જોરથી ધક્કો મારી દીધો! હું આ અણધાર્યા હુમલા માટે તૈયાર નહોતી. મારી આગળ ઉભેલા લોકો આ બધાથી ટેવાયેલા હતા. બધા પોતાનું સંતુલન જાળવીને સ્ટેશને ઉતરી પડ્યા પરંતુ, મારૂં અંગ ધક્કાના પ્રભાવને ઝીલી ના શક્યું. મારા હાથમાં રહેલી બેગ સાથે હું સ્ટેશન પર પડી, મારી ઉપર નીતા પડી અને નીતાની ઉપર ફોઇબા! પેલા આંટી વિજયી મુદ્રામાં બહાર આવીને ભાગી છૂટ્યા! ફોઈ અને નીતાના વજનથી નાસ્તાનો થેલો એવો દબાઈ ગયો કે તૂટી જ ગયો. બધો નાસ્તો મારી ઉપર ઢોળાઈ ગયો!
  સ્ટેશન પરના લોકો અમારી મદદે આવ્યા. હર્ષ પણ બાજુના ડબ્બામાંથી ઉતરીને દોડી આવ્યો. મારા ફોઇબા તો એવા ડરી ગયા કે ઊભા જ ના થઈ શક્યા. બધાએ જેમ તેમ કરીને તેમને ઉઠાડયા એટલે નીતા ઊભી થઈ. હું તો એવી દબાઈ ગયેલી કે મારા અંગનો એક પણ ભાગ હલી શકતો નહોતો. વળી મમરા ને ગાંઠિયા સંપૂર્ણ પણે મારી ઉપર છવાઈ ગયેલા!!
   મારી આ હાલત જોઈને કોઈ પણ પોતાનું હસવાનું રોકી શકે એમ નહોતા. હર્ષ પણ ત્યાં ઊભો ઊભો મને જોઈને દાંત કાઢતો હતો. એની પાન ખાધેલી બત્રીસી બિહામણી લાગી રહી હતી. હું ગુસ્સાથી બોલી," અલ્યા, હવે દાંત કાઢવાના બંધ કરીશ ને મને હાથ આપીશ!" એણે બત્રીસી બંધ તો ના કરી પણ મને ઊભી થવામાં મદદ કરી. આમ ગાંઠિયા અને મમરાના દલદલ માંથી મને મુક્તિ મળી. હું જેમતેમ ઊભી થઈ. મારા અંગ પર લાગેલા ગાંઠિયા મમરાને ખંખેરવા લાગી. હવે તો ફોઇ અને નીતા પણ દાંત કાઢવા સક્ષમ બની ગયા હતા.

નીતા બોલી," કાલે કાલે બાલોમે મમરા કા ગજરા, તોબા તોબા!!" એ સાંભળીને હું પણ દાંત કાઢવા લાગી. અમે બધાએ જેમ તેમ સમાન ભર્યોને 'બાંદ્રા ટર્મિનલસ' તરફ દોડ્યા!
  ઉદયપુર જતાં આખી સફરમાં એ બનાવને યાદ કરીને અમે બધાએ એટલા દાંત કાઢ્યા કે બીજી સવારે 'વીકો વજ્રદંતી' વાળાએ અમને પોતાની જાહેરખબરમાં કામ કરવાનું આમંત્રણ આપી જ દીધું!!
-તની

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક