પરિવર્તન શીલ માતા પિતા - બાળકોના મિત્રો ....
“ દિવ્યા, માથામાં તેલ નાખીને ચોટલો વાળીને શાળાએ જવાનું! એ જ શોભે! આ શું કોરા અને ખુલ્લા વાળ! હું નાની હતી ત્યારે મારી મમ્મી મારા માથામાં તેલ નાખી, કચકચાવીને ચોટલો વાળીને મને શાળાએ મોકલતી! "
મેં મારી દીકરી દિવ્યાને કહ્યું. એ ખિજાઈને બોલી," શું મમ્મી તું પણ! સાવ ' ઓલ્ડ ફેશન ' છે! હવે એવું નથી. અમારી ' સ્કૂલ ' માં કોઈ તેલ નાખીને ના આવે. તેલવાળી છોકરીને બધા બબૂચક કહે.."
ત્યારે, મને યાદ આવ્યું કે હું નેવુંના દાયકાની શાળામાંથી બહાર જ નથી આવી. હજી મારી શાળા વિશેની કલ્પના એ જ રહી છે. આખરે મેં દિવ્યાને સમજાવીને ઊંચી ' પોનીટેલ ' કરીને પીન નાખી વાળ વ્યવસ્થિત ઓળી આપ્યા. જેથી આખો દિવસ ઉડે નહીં. આપણા સમયના નીતિ નિયમો આજના બાળકોને નથી ચાલતા. એ હું સમજી ગઈ. બદલાતા સમયની સાથે આવતા પરિવર્તનને અપનાવવું એક માતા માટે જરૂરી છે.
આપણે બાળક હતા એ સમય અલગ હતો. આપણી માતાએ જે રીતે આપણો ઉછેર કર્યો, એ તે સમય પ્રમાણે ઉમદા હતો. પરંતુ આપણે એ જ પ્રમાણે આપણા બાળકોને નથી ઉછેરી શકવાના. એ પણ જાણી લેવું જોઈએ. જૂના સમયની સાથે નવા સમયને થોડો તોડીને, થોડો મરોડીને જોડી દઈને પરિવર્તનને અપનાવી લેવું જોઈએ. હજીયે આપણે માતાઓ મનથી એ જમાનમાં જ જીવીએ છીએ. જેથી ' જનરેશન ગેપ ' ને લીધે આપણે બાળકો સાથે સંવાદિતા સાધી શકતા નથી. વિચારોમાં પરિવર્તન લાવીશું, તો જ બાળકો સાથે ઉત્તમ વ્યવહાર કરી શકીશું. એવું મને લાગે છે.
આજનો યુગ ' ટેક્નોલોજી નો યુગ ' છે. બાળકો ' ઈન્ટરનેટ ' અને બીજા સાધનો સાથે સમય પસાર કરવાના જ છે. એ આપણે જાણીએ છીએ. એનો વિરોધ કરવા કરતાં એનો આપણે પણ તેનો ઉપયોગ શીખીને તેમની સાથે તાદામ્ય સાધી લઈએ તો કેવું સારું! આજનું ભણતર અને તેમાં આવતી મુશ્કેલીઓ આપણા સમય જેવી નથી રહી, એ સમજી લેવું. બાળકોને અત્યારે જે સંજોગોનો સામનો કરવો પડે છે એ આપણા સમયમાં નહોતો. એમની મુશ્કેલીઓને સમજવા એમના મિત્ર બનવું બહુ જરૂરી છે. મિત્ર બનવા માટે જરૂરી છે નવા જમાનામાં આવતા પરિવર્તનોને અપનાવી લેવા.
નવી ફેશન પ્રમાણે બાળકોને આધુનિક વસ્ત્રો પહરેવાની છૂટ આપવી સાથે તેમાં બિભત્સતા ના દેખાય એની ગોઠવણ કરવી એ માતા તરીકે આપણે કરવું જ રહ્યું. બાળકોને તેમની ગમતી પ્રવૃતિઓ કરવા દેવી. દીકરીથી આમ ના થાય; દીકરો આમ ન કરી શકે એવી જૂની માન્યતાઓને હવે વિસારે પાડવી જરૂરી છે. બાળકો પોતાની અંગત મૂંઝવણો માતા પિતા સાથે દિલ ખોલીને વણર્વી શકે તેવું વાતાવરણ ઉભું કરવા માટે જમાના પ્રમાણે બદલાવું રહ્યું.
એક ઉદાહરણ તરીકે મારો અનુભવ કહું, મારા ઘરમાં દર રવિવારે એક બેઠક થાય જેમાં અમે બંને બાળકો સાથે દિલ ખોલીને ચર્ચા કરીએ. જેમ શાળામાં ' ડિબેટ ' થાય તેમ જ! આખા અઠવાડિયામાં અમારું કયું વર્તન બાળકોને ના ગમ્યું એ વિષે બાળકો બિન્દાસ્ત બોલે, કોઈ સંકોચ વિના! જેમ એક મિત્ર પોતાના મિત્ર સાથે લડી ઝઘડી શકે એમ બાળકો અમારી સાથે નિઃસંકોચ લડે. અમે બધા જવાબો આપીએ, અમે અમારી ભૂલ કબૂલ પણ કરીએ અને બદલાવ લાવવાનું વચન પણ આપીએ. એ અંગે તેમના સુઝાવ પણ માંગીએ. એ જ પ્રમાણે અમે બાળકોને તેમના વર્તન વિષે કહીએ, જે સુધારવું જરૂરી હોય તો બંને અમારી વાત માની લે સાથે બદલાવાનું વચન આપે. કોઈ પણ મુશ્કેલી હોય ચર્ચા કરી અમે વચ્ચેનો નિર્ણય લઈએ. એ દિવસે કોઈ મમ્મી કે પપ્પા ન હોય અને કોઈ દીકરો કે દીકરી ન હોય. બધા ખાસ મિત્રો બની જઈએ. બાળકોને ગમતા ' પીઝા ' ને ' બર્ગર ' ખાતા હસી મજાક કરતાં મૂંઝવણનો અંત લાવીએ. આખું અઠવાડિયું ફરી રવિવારની રાહ જોઈએ.
શરુઆતમાં રમત તરીકે લીધેલી આ ચર્ચા ધીરે ધીરે અમારી વચ્ચેના ' જનરેશન ગેપ ' ને નિવારવા ઘણી સહાયભૂત બનતી ગઈ. હવે અમે બાળકોની સાથે અમારી મુશ્કેલીઓ વહેંચતા થયા. તેઓ પોતાની સમજ પ્રમાણે એનો ઉકેલ પણ સૂચવતાં. જે મહદ્દઅંશે સાચો પણ ઠરતો. એ જ પ્રમાણે તેઓ પણ પોતાની મુશ્કેલીઓ અમને કહેવા લાગ્યા. અમે તેમનું માર્ગદર્શન મિત્ર બની કરતાં. આમ બંને વચ્ચે સંવાદિતા થતી ગઈ. બાળકો અમને નવા જમાનાની ફેશન શીખવે અને અમે તમને આપણી પરંપરા અને રિવાજો વગેરેનું જ્ઞાન આપીએ. સાથે થોડી દુનિયાદારી પણ શીખવીએ.
બંને એકબીજા પાસેથી શીખીને, જૂનું નવું એક કરીને સાથે ચાલવાની કોશિશ કરીએ છીએ. એક આગળ નીકળી જાય ત્યારે બીજો પોતાની ગતિ તેજ કરી દે તો બંને સાથે ચાલી શકે, ખરું ને!
Khubaj saras
જવાબ આપોકાઢી નાખોthank you so much
જવાબ આપોકાઢી નાખો