આપ્યા નો આનંદ
આપણા વડીલો કહી ગયા છે કે આપવું તો એ રીતે આપવું કે જમણાં હાથે આપ્યું હોય તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. એટલે કે આપીને એ વિષે કોઈને ન કહેવું! આપીને ભૂલી જવું! છતાંય એ પળે જે આનંદ થયેલો એ પળ તો ક્યારેય ભૂલાતી જ નથી. આજે એ અનેરા આનંદને યાદ કરીને થોડીક ક્ષણો એ સુખમાં ફરી જીવી લેવું છે! એ સમય એવો હતો જયારે કોઈને આપવું મારા માટે થોડું મુશ્કેલ હતું કારણ એ સમયના સંજોગો આજથી સાવ અલગ હતા. પરતું, આપવું હતું એ નક્કી હતું. આખરે હું આપી શકી, ત્યારે આપવાનો જે આનંદ મળ્યો હતો એ વિષે માંડીને વાત કરું.
એ સમયે હું ' હાઈસ્કૂલ ' માં ભણતી. મારી શાળાની સામે એક નાનકડું મંદિર હતું. જ્યાં દર ગુરુવારે ગરીબ લોકોની લાઈન લાગતી. મંદિરની બપોરની આરતી થયા બાદ તેમને પ્રસાદ રુપે જમવાનું આપવામાં આવતું. જેમાં રોટલી, શાક, ખીચડી અને કઢી હોય. હું સવારે શાળામાં જતી ત્યારે તેઓ લાઈનમાં ઉભા હોય! તેમના મુખ પર ભરપેટ ભોજન મળવાની એક આશા દેખાતી હોય. ભોજન બપોરે મળવાનું હોય તોયે તેઓ સવારથી આવીને લાઈનમાં ઉભા રહી જતા. શાળાએ જતી વખતે એમનો ટળવળાટ જોઈને થતું કે ભૂખ કેવી ચીજ છે, જે માણસને આટલો લાચાર બનાવી દે છે!!
રિસેસમાં હું જયારે નાસ્તો કરતી ત્યારે બારીમાંથી બહાર જોતી. બધા પંગતમાં બેસી જમતાં દેખાતા. તેમના મુખ પરની ખુશી અને પેટ ભરાયાનો સંતોષ જોઈને મારી આંખોમાં પાણી આવી જતા. જેઓ એક એક દાણા માટે ટળવળતા હોય તેમને ભરપેટ ભોજન મળે ત્યારે કેવી ખુશી થાય!! મને તેમના મુખ પરની ખુશી જોવી ખુબ ગમતી. ક્યારેક મને થતું કાશ! હું તેમની આ ખુશીનું કારણ બની શકું. એ દિવસથી મને પણ એ ભંડારામાં કશુંક આપવાની ઈચ્છા થઈ. તહેવારોમાં વડીલો પાસથી મળતી આશીર્વાદની રકમ અને ' પોકેટ મની ' માંથી થોડા પૈસા બચાવીને હું એ ભંડારની દાન પેટીમાં નાખી આવતી. બીજા ગુરુવારે જયારે એ લોકોને જમતા જોતી ત્યારે થતું આમાંથી કોઈકની થાળીમાં મારા આપેલા પૈસાથી ભોજન પીરસાયું હશે. એ વિચારી મારા મનને અનેરો આનંદ મળતો. મારા સગાં વ્હાલા અને માતા પિતાને જયારે ખબર પડી કે હું આ ભંડારામાં મારી બચત આપું છું તો તેઓ મને વધુ રકમ આપતાં. હું ખુશ થઇ જતી. આમ આ ભંડારામાં થોડી વધુ રકમ આપવાની ખુશી મળતી.
જયારે હું રકમ આપવા જતી ત્યારે અમુક દાતાઓ ત્યાં સારી એવી મોટી રકમ દાનમાં લખાવતાં. તેમના તરફથી આખો દિવસ ભંડારો થતો. તેઓ મોટી રકમ આપતાં ત્યારે તેમને એક રસીદ પણ મળતી સાથે ભગવાનનો પ્રસાદ અને વસ્ત્ર આપીને તેમનું બહુમાન કરાતું. તેમનું નામ પણ ત્યાં રાખેલા બોર્ડ પર લખાતું. તેમના હાથે બધાને ભોજન પણ પીરસાવાતું. મને કાયમ થતું કે એક વાર મને પણ આવું બહુમાન મળે તો! હું પણ અહીં પીરસવા આવીશ. મારું નામ પણ ત્યાં બોર્ડ પર લખાવવું છે. એ માટે બહુ મોટી રકમ આપવી પડે જે એ સમયે મારી પાસે નહોતી.
હવે શાળા પૂરી કરીને હું કોલેજમાં આવી એથી એ મંદિર તરફ જવાનું ખાસ ન બનતું. છતાંય ગુરુવારે ભંડારો થતો તે દિવસે હું ક્યારેક ત્યાં જતી. કયારેક નાની મોટી રકમ ભંડારમાં નાખીને આવતી. હવે પોકેટ મની પહેલાં કરતાં વધુ મળતી. સાથે મેં થોડું ઘણું કામ કરવાની પણ શરૂઆત કરી હતી. મને પગારમાં મળતી રકમ નજીવી હતી. હું એમાંથી દર મહિને થોડી રકમ બચાવતી. કયારેક ટેક્ષીને બદલે બસમાં જવાનું કે કયારેક બસને બદલે ચાલીને જતી. આમ થોડી વધુ બચત કરી લેતી.
થોડા મહિનાઓ બાદ આમ કરતાં મારી પાસે સારી એવી રકમ જમા થઈ ગઈ. જેનાથી હું ભંડારામાં આખો દિવસ ભોજન કરાવી શકું. મેં મારી મમ્મીને વાત કરી કે હું ત્યાં જઈને મારા હાથે બધાને જમાડવા માંગું છું. હવે મારું નામ પણ ત્યાં બોર્ડ પર લખાશે!
મમ્મી ખુશીથી બોલી, " આટલી સારી ભાવનાથી તે પૈસા ભેગા કર્યા છે તો જરૂર મંદિરમાં આપીને આવ! એક વાતનું ધ્યાન રાખજે નામ લખાવવાની જરૂર નથી. તું જાણે છે અને ઈશ્વર પણ જાણે છે કે આ પૈસા આપનાર તું છે! જમતાં લોકોની ખુશીનું કારણ તું છે. પણ નામ લખાવીને આપણે એ વાત જાહેર નથી કરવી. તારે પીરસવા જવું હોય તો જરૂર જા, પણ એક દાતા તરીકે નહીં પણ એક મદદગાર તરીકે જા! આપીને ભૂલી જાય ને ફરી આપવાની કોશિશ કરે એ જ સાચો માણસ!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો