બંધન સાત ફેરા નું.... (award winnner love story )

 

 પરિધિ અને સુકેશ એક મિત્રના લગ્નમાં પહેલીવાર મળ્યા. પરિધિ મિત્રની પત્નીની ખાસ સખી! સુંદર એટલી કે ચાંદ પણ એની સામે ફીકો લાગે. જયારે સંગીત સંધ્યામાં ' બોલે ચુડીયા ...' ગીત પર નૃત્ય કર્યું ત્યારે તો સુકેશ તેની દરેક અદા પર વારી ગયેલો. એક મિત્રની મદદથી સંપર્ક કરી લીધો. વાતો વાતોમાં મિત્રતા થઈ ગઈ. લગ્નની દરેક વિધિને ધ્યાન પૂર્વક જોતી પરિધિને સુકેશે પૂછયું, " શું તમને આવું બધું ગમે! એટલે કે કન્યાદાન, હસ્ત મેળાપ, સાત ફેરા વગેરે...મને તો આમાં જરાય રસ ના પડે! કેટલી લાંબી રીત રસમ! કોણ આટલો બધો સમય વેડફે! હું જયારે પણ લગ્ન કરીશ ત્યારે કોર્ટ મેરેજ કરીશ. સહી કરી એટલે પત્યું!! " ....

પરિધિ બોલી, " પાલવની ગાંઠે બંધાતો પ્રેમ અને પવિત્ર અગ્નિની સાક્ષીએ ફરાતા મંગળ ફેરા અને સપ્તપદીના સાત વચન બે હૃદયને નહીં પરંતુ બે આત્માને ભવો ભવના પવિત્ર બંધનમાં બાંધી દે છે! શું માત્ર એક કાગળ પર સહી કરી દેવાથી આટલું પવિત્ર બંધન બાંધી શકાય! હું નથી માનતી!! " પરિધિના એક એક શબ્દો સુકેશના કાને અથડાતા ને હવામાં ભળી જતાં. એનો મીઠો રણકાર સુકેશના હૃદયને પ્રેમથી તરબતર કરી ગયો. પરિધિની સુંદરતા એના દિલો દિમાગ પર છવાઈ ગઈ. સુકેશે મમ્મીને પરિધિના ઘરે લગ્ન માટે માંગુ નાખવા વાત કરી. મમ્મી બોલી, " છોકરી તો સુંદર છે! ઘર પરિવાર પણ સારો છે પણ એ ઉંમરમાં તારાથી થોડી મોટી છે, કેમ ચાલે? " " શું મમ્મી તું પણ! આજના જમાનામાં આવી વાત કરે છે! એકાદ બે વર્ષમાં શું મોટી હવે! " સુકેશ બોલ્યો. પપ્પાએ પણ સમજાવતા કહ્યું, " તેઓ આપણી બરોબરીના નથી. તેમની રહેણીકરણી સાવ અલગ છે, શું એ તારી સાથે ' સેટ ' થઈ શકશે? વિચાર કરી જો! " સુકેશ એક નો બે ના થયો. પરિધિના ઘરે વાત પહોંચી ત્યારે એટલે શ્રીમંત પરિવારનું માંગુ આવતાં ઘરમાં આનંદ છવાઈ ગયો. પરિધિ થોડી અસંમજસમાં હતી પણ ઘરના બઘાને ખુશ જોઈ લગ્ન માટે તૈયાર થઇ ગઈ.

 

પરિધિની ઈચ્છા મુજબ અગ્નિની સાક્ષીએ મંગળ ફેરા ફરાયા, હાથમાં હાથ મૂકીને બંનેએ એકબીજાને સાથે રહેવાના વચનો આપ્યા. પરિધિના હ્રદયમાં પ્રેમ અને સમર્પણની પવિત્ર લાગણી દરેક ફેરે હિલોળા લઈ રહી હતી. બધી રીત રસમો સાથે રંગે ચંગે લગ્ન કરવામાં આવ્યા. સુકેશ પરિધિને પામવા બહાવરો બની ગયેલો. કોઈ પણ આનાકાની વિના દરેક રસમને માન આપ્યું. પરિધિને પામી સ્વર્ગનું સુખ મળ્યું હોય એમ આનંદિત થઇ ગયો. પરિધિને પણ સુકેશનું આમ પ્રેમ કરવું ગમવા લાગ્યું હતું. એ પણ તેના પ્રેમમાં બંધાતી ગઈ. બધું જ સુંદર લાગતું હતું. સ્વપ્નના મહેલમાં આવી ગઈ હોય એવું લાગતું. આટલી શ્રીમંતાઈ, આટલી જાહોજલાલી અને આટલો બધો પ્રેમ પામીને પરિધિ પોતાને નસીબદાર માનવા લાગી.

સુકેશ ઘરમાં સૌથી નાનો! બહેન લગ્ન કરીને સાસરે સુખી હતી. મોટો ભાઈ અને પપ્પા વ્યવસાય સંભાળતા. હજી સુકેશે કામની જવાબદારી લીધી નહોતી, હરવા ફરવા, મિત્રો અને પાર્ટી વગેરેમાં વ્યસ્ત રહેતો. પરિધિ તેને સમજાવતી કે હવે તારે ઓફીસ જઈને કામ સંભાળવું જોઈએ, પરંતુ સુકેશ કહેતો, " હજી તો મારા હરવા ફરવાના દિવસો છે! કામને વાર છે!મને મારી પત્નીને પ્રેમ તો કરી લેવા દે! " પરિધિ શરમાઈ જતી. પણ સુકેશની બેજવાબદારી તેને ખટકતી. બંનેના સ્વભાવ તથા રહેણીકરણીનું અંતર લગ્ન જીવનમાં બાધક બનવા લાગ્યું હતું. સુકેશ વગર વિચારે ગમે તેમ નિર્ણયો લેતો. પરિધિ તેને સમજી વિચારીને આગળ વધવા કહેતી. પરિધિની એક પછી એક અપાતી સલાહ સુકેશના અહંકારને ઘાયલ કરતી. આમ નાની તકરાર ઘર્ષણ બનવા લાગી હતી. ઝઘડો થતો ત્યારે સુકેશ ગુસ્સે થઈને ઘરની બહાર ચાલ્યો જતો. મિત્રો સાથે રખડતો મોડો ઘરે આવતો. પરિધિ તેને પ્રેમથી સમજાવી લેતી. પરંતુ સુકેશનું વર્તન હવે પહેલાં જેવું નહોતું રહ્યું. એ પરિધિ જાણી ચુકી હતી. ધીરે ધીરે પતિ પત્ની વચ્ચે થતી નાની તકરાર ' બેડરૂમ ' ની બહાર પણ સંભળાવા લાગી હતી. સુકેશનો ગુસ્સો વધતો જતો હતો. પરિધિને પણ તેનું આવું અપરિપક્વ વર્તન, કામ ના કરવું, મિત્રો સાથે રખડવું વગેરે ખટકવા લાગ્યું હતું. એક દિવસ નાની ચડભડ થતાં સુકેશે પરિધિને ગુસ્સામાં પોતાના ઘરમાંથી બહાર નીકળી જવા કહી દીધું. પરિધિને તેના આવા વર્તનથી ભારોભાર દુઃખ થયું. તેનો દરવાજા તરફ ચીંધેલો હાથ પરિધિના સ્વમાનને ઠેસ પહોંચાડી ગયો. આંખમાં અશ્રુ સાથે તે ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળી. પિયરે પાછી ફરી!

પરિધિને પિયરે માતા પિતાએ પ્રેમથી આવકારી. સમય જતાં બધું ઠીક થઇ જશે એવી ધરપત આપી. તેણે પોતાની જૂની નોકરી ફરીથી શરૂ કરી. તેના હૃદયમાં વ્યાપેલો શૂન્યાવકાશ સતત દુઃખ પહોંચાડી રહ્યો હતો. પરિધિના જવાથી એકલા પડેલા સુકેશનો ગુસ્સો શાંત થયો. પરંતુ, મનમાં અહમ્ તો ભરેલો જ હતો, જે તેને પરિધિ પાસે પાછો જવા રોકતો હતો. મમ્મી પપ્પાએ પણ પરિધિને પાછી લઈ આવવા સમજાવ્યું. ત્યારે બોલ્યો, " એ ગઈ છે! એને આવવું હશે તો આવશે હું લેવા નથી જવાનો. પરિધિને પોતાના પ્રેમ પર વિશ્વાસ હતો. તેને લાગતું હતું કે સુકેશ તેને લેવા જરૂર આવશે. આમ દિવસો વીતતા ગયા. બંનેનું મન એકબીજાને માટે તરસતું હતું પરંતુ કોઈ પહેલ કરવા તૈયાર નહોતું. સુકેશ કાયમ ઉદાસ જ રહેતો. મિત્રો સાથે હરવા ફરવાનું ઓછું કરી નાખેલું. બધા મિત્રો પરિધિ વિષે પ્રશ્નો પુછતાં એટલે એ બધાને મળવાનું ટાળતો. ઘરમાં એકલો બેસી રહેતો. એના હૃદયમાં પણ પરિધિના જવાથી એક સૂનકાર વ્યાપેલો હતો. સમય પસાર કરવા પપ્પાએ તેને ઓફીસે આવવા સૂચવ્યું. ધીરે ધીરે કામમાં મન લગાડતો થયો. કામ કરતાં તેના મનને ખુશી મળતી ત્યારે એને પરિધિ યાદ આવી જતી. જે કાયમ તેને કામ કરવા માટે કહેતી.

 

એક દિવસ પપ્પાએ સુકેશને કહ્યું, " આપણા બિઝનેસ પાર્ટનરની દીકરી નેહા તારે માટે યોગ્ય છે. તેઓ આપણા સમોવડીયા પણ છે, તારા વિષે બધું જાણે છે તું પરિધિને છૂટાછેડા આપે તો હું તેમને વાત કરું! " સુકેશ બોલ્યો, " તમારી વાત ન માની એટલે જ મારી આ દશા થઈ છે. હવે હું તમે કહો તેમ જ કરીશ. તેણે છૂટાછેડાના કાગળ પર સહી કરી આપી. જયારે આ કાગળો પરિધિ પાસે પહોંચ્યા ત્યારે તેને ખૂબ દુઃખ થયું. મનના દ્વારે બંધાયેલું ભવો ભવનું બંધન એક માત્ર સહીથી તૂટી જશે? આ પ્રશ્ન તેના મનને ઉદાસ કરી ગયો. તેણે ભારે હૈયે કાગળો પર સહી કરી પાછા મોકલી આપ્યાં. મનમાં એક ખૂણે હજીયે સુકેશ તેને લેવા આવશે. એવો વિશ્વાસ છૂપાવી રાખ્યો હતો. સુકેશે પપ્પાના કહેવાથી નેહા સાથે બહાર જવાનું શરૂ કર્યું હતું. પરંતુ, હૃદયથી એની સાથે જોડાઈ શકતો નહિ. એની આંખ સામે નેહા રહેતી પણ હૃદયમાંથી પરિધિ ખસતી જ નહોતી. નેહાની સાથે રહેતો ત્યારે પરિધિની યાદ વધારે સતાવતી.

એક દિવસ નેહા સાથે બહાર જઈ રહ્યો હતો. અચાનક ગાડી રસ્તામાં ખોટકાઈ ગઈ. જોવા માટે બહાર નીકળ્યો ત્યાં પરિધિને અજાણ્યા યુવક સાથે બાઈક પર બેઠેલી જોઈ. તેણે એ યુવકને ખભે માથું મૂક્યું હતું. એની આંખો બંધ હતી. સુકેશનું  હૃદય એક ધબકાર ચુકી ગયું પોતે ભલે નેહા સાથે હતો છતાંય પરિધિનું બીજા પુરુષ સાથે હોવું ના ગમ્યું. એક અજાણ્યા દુઃખની લાગણી થઈ આવી. રાત્રે બરાબર સુઈ ના શક્યો. આખી રાત અજંપામાં વિતાવી! કોણ હશે એ યુવક! તેઓ ક્યારે મળ્યા હશે? પરિધિ એની સાથે પ્રેમ ....આગળ વિચારી ના શક્યો.

બીજે દિવસે બધા સવાલોના જવાબ મેળવવા પરિધિની ઓફીસે પહોંચી ગયો. તેને જોઈને પરિધિ પણ સ્તબ્ધ થઇ ગઈ. બંને ઓફિસની નજીકમાં આવેલા કૉફી શોપમાં બેઠાં. 

સુકેશે ગુસ્સામાં પૂછ્યું કાલે તારી સાથે બાઈક પર કોણ હતું? "

પરિધિ બોલી, " આટલા સમય બાદ તું મને મળવા આવ્યો ત્યારે આવો પ્રશ્ન! તું કેમ છે એવું પૂછ્યું હોત તો મને સારું લાગત! આપણા ડિવોર્સ ફાઈલ થઇ ગયા છે. મેં સહી પણ કરી દીધી છે. હવે હું તને કોઈ જવાબ આપવા બંધાયેલી નથી! છતાંય તું અહીં સુધી આવ્યો જ છે તો સાંભળી લે. એ યુવાન મારી ઓફીસમાં કામ કરતા એક ભાઈ છે. કાલે મારી તબિયત થોડી સારી નહોતી એટલે તેઓ મને બાઈક પર ઘરે મુકવા આવ્યા હતા. તેઓ મારા માટે મોટા ભાઈ સમાન છે. મારે એક ભવમાં હવે બે ભવ નથી કરવા. હવે બીજા કોઈની મારા જીવનમાં જગ્યા નથી. " 

સુકેશ બોલ્યો, " તારી તબિયત ને શું થયું? તું ઠીક તો છે ને? " તારે એ જાણીને શું કામ છે. તું જે પ્રશ્રનો ઉત્તર જાણવાં આવેલો એ મળી ગયો! હવે તું જઈ શકે છે. " પરિધિ બોલી. સુકેશ થોડી વાર કશું બોલી ન શક્યો. આટલા સમય બાદ પરિધિને જોઈ હતી. એનું રૂપ જાણે કરમાઈ ગયું હતું. આંખો ઉંડી ઉતરી ગઈ હતી. શરીર પણ સાવ નંખાઈ ગયેલું. હૃદયના દર્દનો ભોગ શરીર બન્યું હતું એ સાફ દેખાઈ રહયું હતું. એ ત્યાંથી જઈ ન શક્યો! 

બોલ્યો, " આપણા ડિવોર્સ માત્ર ફાઈલ થયા છે! હજી થયા નથી. તે કહેલું કે લગ્ન ભવો ભવનું બંધન છે. જો તેને એક સહી બાંધી ના શકે તો એક સહી તોડી કઈ રીતે શકે?? પરિધિ તારાથી દૂર રહી હું જાણી ગયો છું, પ્રેમનું બંધન શું છે! તારા વિના વિતાવેલા દિવસોએ મને તારી મારા જીવનમાં શું અહેમિયત છે તે વાત સમજાવી દીધી છે! તને યાદ કર્યા વિના હું એક પણ દિવસ રહી નથી શક્યો. કાલે તને બીજાની સાથે જોઈને મારું દિલ એક અજાણી વેદના અનુભવી રહયું. આજે તને જોઈને તારી સામેથી ખસી પણ નથી શકતો. આજે તારી જે હાલત છે એ માત્ર મારા કારણે જ છે. હું તારો ગુનેગાર છું. મને માફ કરી દે. હું જાણી ગયો છું કે હું તારી સાથે એક એવા બંધનમાં બંધાઈ ગયો છું, જે મને તારાથી દૂર નથી કરી શક્તું. "

 

પરિધિ બોલી, " સુકેશ મારી પણ એજ હાલત છે. તારા વિના મને પણ કશું જ નથી ગમતું. કેટલીય વાર મને તારી પાસે પાછા ફરવાનું મન થયું પણ હું મારા કદમ આગળ વધારી ના શકી. મારું શરીર અહીં હતું પણ દિલ તો કાયમ તારી જ પાસે રહેતું હતું. તે મને ઘરમાંથી જાકારો આપ્યો પરંતુ હું તને મારા હૃદયમાંથી જાકારો આપી ન શકી. " ડિવોર્સના કાગળો પર સહી કર્યા બાદ પણ એક બંધન મને તારાથી દૂર નથી કરી શક્યું. 

" બંધન! કયું બંધન? સુકેશ બોલ્યો. પરિધિએ પોતાના ઉદર પર હાથ મૂકીને કહ્યું," આપણા પ્રેમની આ નિશાની આપણા પ્રેમનું અનોખું બંધન!! " સુકેશની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા!! "તે આટલી મોટી વાત મારાથી છુપાવી? મને કેમ ના કહ્યું! " 

પરિધિ બોલી, " હું જાણતી હતી કે આ સમાચાર સાંભળીને તું કદાચ પાછો ફરીશ પરંતુ એ જીવન આવનાર બાળકના ભવિષ્યને માટે કરેલ એક ગોઠવણ બની જાત જેમાં હું કે તું ખુશ ન રહી શકત! હું ચાહતી હતી કે આપણા પ્રેમનું બંધન તને મારી પાસે પાછો લઈ આવે!! " 

સુકેશ પરિધીને અપલક નજરે જોઈ રહ્યો, " તારો લગ્ન પ્રથા પરનો વિશ્વાસ, તારો મારા પ્રત્યેનો પ્રેમ અને તારી ઈશ્વર પરની શ્રદ્ધા અડગ છે. આજે મને પણ વિશ્વાસ થઈ ગયો કે આપણે ભવો ભવના સાથી છીએ!! " પરિધિએ સુકેશના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો ત્યારે મંત્રોચ્ચાર વિના પ્રેમભર્યો હસ્તમેળાપ થઈ ગયો!!

(સંપૂર્ણ)

વાચક મિત્રો, ભલે ને નવી પેઢી આ લગ્ન પ્રથા અને રીતિ રીવાજોમાં ન માનતી હોય. છતાંય આપણા  સંસ્કાર અને સંસ્કૃતિએ બનાવેલી લગ્ન પ્રથા અને તેની પવિત્રતા બે વ્યકિતને અનોખા બંધનમાં બાંધે છે. એમાં અપાતા વચનો નિભાવતા પ્રેમ થઈ જાય છે. એ પ્રેમમાં બંને તરફથી થોડી સમજણ, સહકાર અને સમર્પણની ભાવના ભળી જાય છે ત્યારે એ બંધન ભવો ભવનું બંધન બની જાય છે!! એવું મારું માનવું છે, તમને શું લાગે છે??

 

-તની

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક