મૌન નો ભાર (award winner love story)



   આજે  કાવ્યાના ઘર માં આનંદ છવાયેલો હતો. મેહમાનો ની અવરજવર શરણાઈના સુર અને પકવાનોની સુગંધથી ઘર ભરાઈ ગયું હતું. આજે  કાવ્યા ની મોટી બહેન કૃપાના લગ્ન હતા. કાવ્યા બધી જ તૈયારીઓ ઝીણવટથી ચકાસીને તૈયાર થવા ગઈ અને કૃતાર્થ સાથે પોતાના લગ્નના શમણાંમાં  ખોવાઈ ગઈ.

 કાવ્યા ને કૃતાર્થ એક જ કોલેજ માં ભણતા. બંને વચ્ચે પહેલા ખાસ મિત્રતા નહોતી. કાવ્યા સુંદર, નમણી ને  નાજુક પાતળો દેહ,લાંબા વાળ ,ને હસતી  તો જાણે ફૂલ વેરાઈ જતા,પાછી  ખુબ વાચાળ એટલે મોટું મિત્રવર્તુળ.જયારે  કૃત્તાર્થ શાંત સૌમ્ય ને ગંભીર  ને મિત્રવર્તુળ પણ ઓછું, એકલો જ હોય. ક્યારેક કોઈ ની સાથે  હસીને વાત પણ ના કરતો .

 કોલેજ માં નાટક ની સ્પર્થા હતી, કાવ્યા નાટકની  અભિનેત્રી હતી ને નાટક નો લેખક કૃતાર્થ ..પ્રેકટીસ ને લીધે રોજ મળવાનું બનતું. કાવ્યાને નાટક ની સ્ક્રિપ્ટ થતા સંવાદો ખુબ ગમ્યા.કૃતાર્થ માટે ખૂબ માન થયું. તે કૃતાર્થ સાથે વાત કરવાના  પ્રયત્નો કરવા લાગી.કૃત્તાર્થ ખાસ જવાબ ના આપતો પણ  કયારેક આંખો થી  ઉત્તર આપતો ..ધીરે ધીરે બંને મિત્રો બન્યા. કાવ્યા ની મિત્રતાથી  હવે કૃતાર્થમાં થોડો બદલાવ આવ્યો .હવે તે કાવ્યા સાથે  કલાકો  સુધી વાતો કરતો. બંને  કોલેજ માં સાથે જ આવતા ..નોટસ ની આપ લે થતી. કૃત્તાર્થ ભણવા માં  હોશિયાર એટલે કાવ્યા ને ભણવા માં મદદ કરતો. કોલેજ નું ભણતર પૂરું થયા બાદ કૃતાર્થને નોકરી મળી ગઈ સાથે પાર્ટ ટાઈમ M.B.A  પણ કરતો. કાવ્યા કોલેજ બાદ ઘર ના કામ શીખવા લાગી સાથે ઘર ની નજદીક ની શાળામાં  શિક્ષિકાની  નોકરી પણ લઇ લીધી. બંનેને મળવાનું ઓછું બનતું પણ જયારે  મળતાં ત્યારે ખુબ વાતો થતી. કૃત્તાર્થ કેહતો," હું કમાઇને મારુ પોતાનું ઘર અને કાર ખરીદીશ, પછી તારા જેવી સુંદર છોકરી સાથે લગ્ન કરીશ  ..ને બંને હસી  પડતા.

 બંને વચ્ચે પ્રેમની કબૂલાત ક્યારેય નહોતી થઇ પણ બંનેના હૃદયમાં પ્રેમ ક્યારયનોય પાંગરી રહ્યો હતો. આજે કાવ્યા મનમાં  કૃતાર્થ સાથે પોતાના લગ્નની શરણાઈ  વાગી  રહી હતી. જયારે કૃત્તાર્થ પણ લગ્નમાં જવા ડ્રાઈવ કરતા વિચારતો હતો. આજે દીદીના લગ્ન બાદ ઉદાસ કાવ્યાને મારી નવી  કારમાં  ફરવા લઇ જઈશ ને મારા દિલની વાત કરીશ ને કહીશ, 'કાવ્યા મને   તારા જેવી  કોઈ છોકરી નહિ પણ તારી સાથે  જ લગ્ન કરવા છે. શું તું મારા હાથ માં હાથ નાખી જીવન પથ  પર ચાલશે ?"

 કાવ્યા તૈયાર થઇ રહી હતી ત્યાં ફોનની રિંગ વાગી, કૃપા નો ફોન હતો એ બોલી," હું ઘર છોડી ને નીકળી ગઈ છું મારે આ લગ્ન નથી કરવા મેં  મારી ઓફિસે ના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે!”

 કાવ્યા બોલી, “ દીદી તું આ શું બોલે છે,લગ્ન કેમ?? કોની સાથે કૃપા બોલી, પિટર સાથે લગ્ન ની પરવાનગી પપ્પા નહિ આપત હું જાણું છું પણ એના વિના હું ના રહી શકું એટલે મંડપ છોડી નીકળી ગઈ. થોડા દિવસ માં બધું શાંત થશે પછી હું બધાની માફી માંગવા આવીશ. પણ, કાવ્યા આજે તું આપણા ઘર ની લાજ સાચવી લેજે. આજે મારા બદલે તું પરમ સાથે લગ્ન કરી લે.  આપણા ઘરની આબરૂ બચાવી લે. મેં પરમ સાથે બધી જ વાત કરી છે એ બહુ જ સમજું છે.  તને અપનાવા તૈયાર થઇ જશે. તું આ લગ્ન કરીને ખુબ ખુશ રહશે. પરમ બધું સંભાળી લેશે. મારુ પાનેતર ને બંને ઘર ની આબરૂ તારા હાથમાં છે.  પ્લીસ,લગ્ન કરી લેજે.  હું થોડા દિવસ માટે આ શહેર થી દૂર જઈ રહી છું, આવી ને વાત કરીશ."

 ફોન કટ થઇ ગયો. કાવ્યા સ્તબ્ધ થઇ ગઈ. એક તરફ ઘર ની આબરૂને બીજી તરફ તેના સપના...બંનેમાં કોને પસંદ કરૂ??

 ત્યાં કૃતાર્થ તેને શોધતો આવી પહોંચ્યો. કાવ્યાએ બધી વાત કરી. કૃતાર્થ બોલ્યો, "તું  કઈ પણ નિર્ણય લે એ પેહલા મારી એક વાત સાંભળી લે પછી નિર્ણય કર!”

 કાવ્યા બોલી, " નહીં  કૃતાર્થ હવે  કઈ જ ના બોલ. આપણા  વણકહ્યા સબંધોને હવે કોઈ નવું નામ ના આપ.  અત્યારે  મારા કર્તવ્યના માર્ગ ને વધું કઠીન ના બનાવ! મારા માટે  મારા પરિવારની આબરૂ મહત્વની છે. હમણાં જાન આવી રહેશે. આપણે બંને આ લાગણીને હૃદયમાં જ રાખીશુ. આપણે મૌનનો ભાર વેઠવો પડશે. હું પરમ સાથ લગ્ન કરીને મારુ કર્તવ્ય પાળીશ. તું  એક મિત્ર તરીકે મારો સાથ આપીશ  ને ?"

કૃત્તાર્થ બોલ્યો ' ના ,હું  તારો સાથ નહિ આપી શકું. મૌન નો ભાર મારાથી નહિ વેઠાય. હું હવે મિત્ર તરીકેના કર્તવ્ય ને નહિ નિભાવી શકું. પણ એટલું ચોક્કસ કરીશ કે તારા માર્ગમા બધા નહીં બનું. હું ચાલ્યો જઈશ તારાથી દૂર "... કૃતાર્થ ઝડપથી પગથિયાં ઉતરી ગયો.

કાવ્યા સજળ નેત્રે કૃતાર્થને જતાં જોઈ રહી ને વિચારી રહીતારા હૃદય માં આપણો આ સંબંધ ભલે નફરત બની  ને રહે. પણ હું આજે  જેની જીવનસંગિની બનવા જઈ રહી છું એની સાથે અન્યાય નહિ કરું. મારા હ્ર્દયમાં તું હંમેશ એક મિત્ર તરીકે જીવંત રહેશે. ....

 

   મૌન નો ભાર ન સહેવાતા કૃતાર્થ ઝડપથી પગથિયાં ઉતરી નીચે આવ્યો. ત્યારે  કાવ્યાના પિતા શૈલેષભાઇએ તેને બોલાવ્યો," બેટા , સારું થયું તું આવી ગયો એક કામ છે,કોઈ ઘરની વ્યક્તિને જ કહેવાય!”  આંખોની ભીનાશ ને અવાજનું દર્દ છુપાવી ને કૃતાર્થ બોલ્યો," હા જરૂર કરીશ કહો!”

 શૈલેષભાઇ કેશનું કવર આપ્યું ને બોલ્યા આ એક લાખ રૂપિયા છે તે ઝવેરીને આપીને ઘરેણાંની  ડિલિવરી લઈ આવશે? મારે અહીંયા બીજું થોડું  કામ છે".

 કૃત્તાર્થ  પૈસા લઈ નીકળ્યો પણ તેની આંખોની ભીનાશ શૈલેષભાઈની અનુભવી આંખોથી  છુપાઈ ન શકી. તેનું કારણ જાણવા એ  કાવ્યા પાસે પહોંચ્યા. કાવ્યા હજીયે પલંગ પર બેસી આંસુ સારતી હતી.  શૈલેષભાઇએ રડવાનું કારણ પૂછ્યું ત્યારે, કૃપાના ફોનની વાત કરી. આ સાંભળી એક પિતાના પગ નીચેથી ધરતી ખસી ગઈ ને પલંગ પર ફસડાઈ પડ્યા.

કાવ્યા પિતાને સાંત્વન આપતા બોલી," તમે જરાય ચિંતા ના કરો બધું સારું થઇ જશે."  

શૈલેષભાઇની આંખોમાં આંસુ સાથે બોલ્યા," મેં મા વિહોણી  દીકરીઓના ઉછેરમાં કઈ ભૂલ કરી એ નથી સમજાતું, આજે કૃપાએ કેમ આવું પગલું ભર્યું ? મારી સાથે એકવાર વાત કરી હોત તો ?આજે આવી પરિસ્થિતિ ના થાત.  તું મને કહે, મારી શું ભૂલ છે ?"

કાવ્યા બોલી," પપ્પા કોઈ જ ભૂલ નથી થઈ તમારી.  ભૂલ દીદીથી થઇ છે એ તમારી માફી માંગવા જરૂર આવશે." 

"કૃપા એ આપેલા જખમ માફીથી નહિ રૂઝાય " શૈલેષભાઇ બોલ્યા, તું મને જણાવ તારો શું નિર્ણય છે ?"

કાવ્યા બોલી,' એમાં નિર્ણય શું લેવાનો હું પરમ સાથે લગ્ન કરીશ, હમણાં બીજો કોઈ નિર્ણય સંભવ નથી.!”

 શૈલેષભાઇની આંખો છલકાઈ ગઈ," બેટા, મને તારા પર ગર્વ છે તારા જેવી દીકરી હોવી એ મારું અહોભાગ્ય છે. તે મને વિશ્વાસ અપાવ્યો કે મારા ઉછેરમાં કોઈ જ કમી નથી. પરંતુબેટા, લગ્ન જેવા મહત્વના નિર્ણય લાગણીથી ના લેવાય. શું તારા જીવનમાં કોઈ છે ?"

આ સમયે કૃત્તાર્થ દાગીના લઈ આવી ચડ્યો. બંનેની આંખો એક થઈ ને કાવ્યા મૌન થઇ ગઈ. કૃતાર્થ દાગીના મૂકી જવા લાગ્યો ત્યારે શૈલેષભાઇ બોલ્યા," તું ક્યાં ચાલ્યો બેસ અહીંયા, તું કાવ્યાનો મિત્ર છે એટલે તું જાણતો હશે. શું કાવ્યાના જીવનમાં કોઈ છે? "

 બંને મૌન થઇ ગયા.  હજારો શબ્દ બહાર આવવા મથી રહ્યા હતા. પણ, કંઈ ના બોલ્યા. 

આ મૌન નો અર્થ સમજી ગયા હોય તેમ શૈલેષભાઇ બોલ્યા," શું તમે બંને ?....કાવ્યા પપ્પાની  વાત કાપતા બોલી," ના પપ્પા અમે તો મિત્રો છે બીજું કશું જ નથી "

શૈલેષભાઈ એ કૃતાર્થ ની સામે પ્રશ્નસૂચક નજરે જોયું.  ત્યારે કૃતાર્થ બોલ્યો," કાવ્યા સાચું કહે છે, આવું કાંઈ જ નથી. અમે મિત્રો જ છીએ પણ ...આજે હું મારા મનની વાત કરવાનો હતો.  પરંતુ  ...પરિસ્થિતિમાં કાવ્યાનો  નિર્ણય યોગ્ય છે."

 

ત્યારે જ પરમનો ફોન આવ્યો, "આજની પરિસ્થિતિમા હું કોઈ નિર્ણય પર આવું એ પહેલા મારે તારા મનની વાત જાણવી જરૂરી છે. શું તારા મનમાં કોઈ છે ? તું કોઈને ચાહે છે ? એવું કાંઈ પણ હોય તો હમણાં મને જણાવી દે."

કાવ્યા બોલી, ના.. પરમ.. એવું  કાંઈ જ નથી." ત્યારે શૈલેષભાઇએ  ફોન લીધો ને કૃપાના વર્તન બદલ માફી માંગી.  કાવ્યા અને કૃતાર્થના વણકહયા પ્રેમ વિશે વાત કરી  અને બોલ્યા," હું નથી ચાહતો કે સમાજના ભયથી  લગ્ન જેવા નિર્ણય લેવાય. પરિવારની આબરૂ, પરિવારના સભ્યોની ખુશીથી હોય છે.સમાજના ડરથી કાવ્યા આ નિર્ણય લઈ રહી છે."

પરમ બોલ્યો,' હું પણ એજ ચાહું છું કે કાવ્યા ખુશ રહે ને પોતાના મનની વાત માને. કૃપા પણ આવું જ ચાહે છે! તમને તકલીફ આપવા બદલ મને અને કૃપાને માફ કરી દેશો. આ કૃપાનો જ પ્લાન હતો એ કયાંય ગઈ નથી. બાજુના ઘરમાં તૈયાર થઈ રહી છે.  આ બધું નાટક તેણે જ કર્યું છે.  જેથી કાવ્યા અને કૃતાર્થ પોતાના દિલની વાત બહાર લાવી શકે. કૃપા બંનેના દિલની વાત જાણતી હતી એને કહ્યું કે આજ એક રીત છે બંનેના દિલની વાત બહાર લાવવાની  નહિ તો ક્યાંય સુધી બંને પ્રેમની કબૂલાત નહિ કરે."

ત્યાં જ કૃપા આવી, પપ્પાને પગે લાગીને માફી માંગી. કાવ્યા ને કૃતાર્થ તરફ જોઈ બોલી," મૌન રહ્યા તોય લાગણી પકડાઈ ગઈ. હવે તો એકબીજા ને આઈ લવ યુ  કહી દો." બંને શરમાઈ ગયા.

શૈલેષભાઈ કાવ્યા અને કૃતાર્થને આશિષ આપતાં બોલ્યાં," મૌન નો ભાર જીવનભર ન વેઠાય. જીવન તો પ્રિય વ્યક્તિ સાથે હળવાશથી જીવાય."  

કાવ્યા બોલી," તમારા જેવા પપ્પા હોય દીકરીને કયારેય ભાર લાગે  ખરો..." બધાની આંખો હર્ષથી છલકાઈ ગઈ!!

_તની

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક