પ્રેમની સીમા (award winner love story)

 સલૂણી સાંજ ખીલીને આથમી ગઈ હતી. પહાડો પર અંધકાર છવાયો હતો. રાત્રી એની સુંદરતા પાથરી રહી હતી. ટ્રેકિંગ પર આવેલા બધા જ વિદ્યાર્થીઓ ભોજન બાદ 'ફાયર કેમ્પ' કરીને બેઠા હતા.  ગીત સંગીતનો મજાનો માહોલ જામ્યો હતો! રિહાની આંખો સૌમ્યના ચહેરા પરથી ખસતી નહોતી. સૌમ્ય કોલેજનો સૌથી સોહામણો યુવાન! વળી બોલાવામાં પણ પારવધો! પહેલીવાર તેઓ 'ડિબેટ કોમ્પીટીશન'માં મળેલા ત્યારથી તે રિહાના દિલમાં વસી ગયેલો.

   સૌમ્ય ઉભો થઈને રિહાની નજીક  આવીને બેઠો. હાથમાં રહેલો ચાનો ગ્લાસ એક ચૂસકી ભરીને રિહાના હાથમાં આપ્યો.  સૌમ્યએ એ જ ગ્લાસ માથી સીપ ભરવા કહ્યું. રિહા એ પણ બીજી ચુસ્કી ભરીને પોતાની સંમતિ આપી દીધી! સૌમ્ય રિહાની નજીક સરક્યો અને તેના કાનમાં એ ત્રણ શબ્દો કહી જ દીધા જે રિહા ના હૃદયમાં પણ હતા!

    સૌમ્ય એને બધાથી દૂર લઈ ગયો. બંને દૂર જઈને એકાંતમાં બેઠા. રિહાનું હૈયું જોરથી ધબકતું હતું. પહેલા પ્રેમની શરૂઆત આટલી ખુબસુરત હશે એ ક્યાં જાણતી હતી! કેટલુંય કેહવું હતું પણ શબ્દો નહોતા મળતા! મનનો માણીગર મળ્યાનો આનંદ હૈયે સમાતો નહોતો. 

સૌમ્ય બોલ્યો," તું કઈ નહીં બોલે?"

 રિહાના ગાલ પર શરમના શેરડા ઉપસી આવ્યા. આંખો પણ ઊંચી ન કરી શકી. ધીમેથી એટલું જ બોલી શકી," આઈ. લવ. યુ .ટૂ!" 

 સૌમ્યએ રિહાને પોતાની નજીક ખેંચી. રિહા સૌમ્યના બાહુપાશમાં સમાઈ ગઈ. હવે પ્રેમ શબ્દોથી કે આંખોથી નહિ પરંતુ મૌન રહીને વાતો કરી રહ્યો હતો! બધું ખુબ સુંદર લાગી રહ્યું હતું. સ્વપ્ન સત્ય થઇ રહ્યું હતું. ત્યાં  સૌમ્યના મિત્રોએ એને શોધતા ત્યાં આવી ગયા!   સૌમ્ય રિહાને બાય કહીને ચાલ્યો ગયો. રિહા પણ ફરી સખીઓ સાથે આવીને બેસી ગઈ!

   રિહા એક મધ્યમ વર્ગીય પરિવારની દીકરી! બે નાના ભાઈઓ હતા જે હાલમાં કોલેજમાં  અભ્યાસ કરતા. રિહા પહેલેથી ભણવામાં તેજસ્વી હતી. M.B.A  કરીને પોતાનો વ્યવસાય કરવાનું એનું સ્વપ્ન હતું. એ નાનકડાં શહેરમાં એના સ્વપ્ન પુરા થઇ શકે એમ નહોતા એટલે પિતાએ તેને શિમલાની ખ્યાતનામ કોલેજમાં ભણવા મૂકી હતી. રિહા. અહીં કૉલેજના મિત્રો સાથે પાંચ દિવસીય 'ટ્રેકિંગ કેમ્પ' માં આવી હતી. 

  સૌમ્ય એક સંપન્ન પરિવારનો દીકરો! જીવનની દરેક પળ જીવી લેવા માંગતો તરવરતો યુવાન! હંમેશા યુવાની ને બેફિકરાઈથી માણી લેવી. બિન્દાસ આજમાં જીવવું ને કાળની ફરવા ન કરવી એ જ તેનો જીવન મંત્ર  હતો. પિતાનો મોટો વ્યસાય હતો જે એણે જ સંભાળવાનો હતો. ભણવા કરતાંય બીજી બધી પ્રવૃત્તિઓમાં એને વધારે રુચિ હતી એટલે એ પણ કોલેજની 'ટ્રેકિંગ કેમ્પ' માં આવ્યો હતો. બંને આમ તો સાવ અલગ હતા તોય પ્રેમના બંધનમાં બંધાઈ ગયા!

   એ  સાંજ કેમ્પની આખરી સાંજ હતી. ડીનર  વખતે સૌમ્ય એ રિહાને એકલા મળવાનો સમય અને જગ્યા જાણવી દીધી. બને આ મધુર માહોલ માં એકલ મળ્યા હતા જ્યાં તેમણે કોઈ ખેલેલ ન પહોચાડી શકે! સૌમ્ય રિહાની સુંદરતા ન વખાણ કરી રહયો હતો. રિહા એ મીઠા શબ્દોમાં ખોવાઈ ગઈ હતી. સૌમ્ય એની નજીક આવ્યો. બંને એકબીજામાં ખોવાઈ ગયા! સૌમ્યની હરકતો ધીરે ધીરે સીમાની બહાર જવા લાગી હતી. રિહા પણ એમાં ખેંચાતી જતી હતી પરંતુ, રિહા એ પોતાના પર નિયંત્રણ મેળવી લીધું ને સૌમ્યને આગળ વધતા અટકાવી દીધો," નહી સૌમ્ય, આ ખોટું છે! આપણે પ્રેમની સીમા ઓળંગવી ન જોઈએ. હજી આપણો સંબંધ એટલો પરિપક્વ નથી."

 સૌમ્ય છેડાઈને બોલ્યો, "અરે રિહા, તું કેવી વાત કરે છે. આપણે બંને પુખ્ત વયના યુવાનો છીએ. એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલું જ પર્યાપ્ત છે.. પ્રેમમાં આ બધું સામાન્ય છે!."

“ નહીં સૌમ્ય, પ્રેમ હૃદયથી હોય છે આ રીતે નહીં. એ માટે લગ્નનું પવિત્ર બંધન હોવું જરૂરી છે. હું અહીંથી આગળ નહીં વધી શકું!"

સૌમ્ય બોલ્યો," શું આ તારો અંતિમ નિર્ણય છે?"

રિહા એ સ્પષ્ટ શબ્દોમાં હા કહી! સૌમ્ય ઉતાવળે નીકળી ગયો!. રિહા તરફ નજર ફરીને પણ ન જોયું. પીઠ ફેરવીને  જતાં સૌમ્યને જોઈને રિહા  વિચારી રહી શું પહેલા પ્રેમની શરૂઆતમાં જ એનો અંત થઈ ગયો??.........

     ટ્રેકિંગ કેમ્પ પૂરો થયા બાદ રિહા અને સૌમ્ય વચ્ચે મૌન રહેતું.. રિહા વિચારતી "આ મારી જ ભૂલ હતી કે હું સૌમ્યને પ્રેમ કરી બેઠી. આવા છોકરાઓ લાગણી પ્રેમ ને શું સમજે! એમના માટે તો પ્રેમ એટલે દેહ!!" આવું વિચારી સૌમ્યથી દૂર થઈ. સૌમ્યનો નંબર બ્લૉક કરી દીધો. સામાજીક માધ્યમો પરના સંપર્કો પણ તોડી નાખ્યા! છેલ્લા વર્ષની પરીક્ષા નજીક હતી એથી રજા લઈને પોતાના ઘરે ચાલી ગઈ. કોલેજમાં અરજી કરીને પોતાના જ શહેરમાં પરીક્ષાનું 'સેન્ટર' મેળવી લીધું. પરીક્ષા ના પરિણામો બાદ એક 'પ્રાઈવેટ કંપની'માં સારી નોકરી મેળવી લીધી. 

  બે વર્ષમાં તો કંપનીની માર્કેટિંગ મેનેજર બની ગઈ! નવી પ્રોડક્ટ લોન્ચ માટે તેને મનાલી જવાનું થયું. એની સાથે તેમના બોસ નો દીકરો રોહિત પણ હતો રોહિત સ્વભાવે મિલનસાર અને હસમુખો હતો. રિહાને એની સાથે કામ ફાવી ગયું હતું. 

   એક રાત્રે રિહા પોતાના રૂમની બાલ્કનીમાં બેઠી હતી. મનાલી ના નયન રમ્ય પહાડો અને ખુશનુમા ઠંડી તેને શીમલાની 'ટ્રેકિંગ કેમ્પ' ની યાદ અપાવી ગયા. સૌમ્યની યાદથી મન ઉદાસ બની ગયું ત્યારે બાજુના રૂમની બાલકનીમાં બેઠેલા રોહિતે કહ્યું," કેમ તને પણ મારી જેમ ઊંઘ નથી આવતી કે પછી કોઈની યાદ આવી ગઈ?' 

રિહા : તને કેવી રીતે ખબર પડી?

રોહિત :એ તો તું ચા પીવડાવે તો કહું.

   બંને રિહાના રૂમની બાલકનીમાં બેઠા. ચા પીતા આટલા વર્ષોથી હૃદયમાં ધરબી રાખેલી પહેલા પ્રેમની વાત  રોહિતને કહી દીધી! 

એ આંસુભરી આંખે બોલી," મેં કોઈને આ વાત નથી કરી પણ કોણ જાણે કેમ આજે તને કહી દીધી."

રોહિત: કોણ કઈ ઘડીએ પોતાનું બની જાય છે એ ક્યાં કોઈને ખબર પડે છે, પણ સાચું કહું રિહા .. તારે કેમ્પ પછી એકવાર સૌમ્ય સાથે વાત કરીને ચોખવટ કરી લેવી જોઈતી હતી. સંબંધોમાં મૌન ઘણી મોટી ગેરસમજ સર્જે છે!

રિહા: જે વ્યક્તિ શરૂઆતમાં સીમા ઓળંગી ગયો હતો તેની સાથે ખુલાસો કરવાનો કોઈ મતલબ જ નહોતો. એના માટે પ્રેમ માત્ર દૈહિક આકર્ષણ હતો.

રોહિત: કદાચ તે પ્રેમને સીમામાં બાંધ્યો હશે. સૌમ્ય પોતાને સીમમાં નહીં રાખી શક્યો હોય! 

રિહા: ખેર, કદાચ તું સાચો પણ હોય શકે એ વિશે મેં ક્યારેય વિચાર્યુ જ નહોતું. હવે એ ક્યાં હશે અને શું કરતો હશે એ પણ હું નથી જાણતી! ખેર કદાચ એ જ અમારી નિયતિ હશે!

   એક સાંજે કામ પછી બંને હોટેલ આવ્યા ત્યારે રોહિત બોલ્યો," અહીંના પહોડોની સુંદરતા એક 'રેસ્ટોરાં'ની લોબીમાંથી વધુ સુંદર લાગે છે. આજે ત્યાં  ડીનર લઈએ?"  રિહા એ હા કહી.

   રોહિતે પહેલેથી ટેબલ 'બુક' કરેલું હતું.. ઠંડી દૂર કરવા સૂપનો ઓર્ડર કર્યો. ત્યાં જ સામેથી સૌમ્ય આવતો દેખાયો. રિહાને પોતની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એ તેમના જ ટેબલ પાસે આવ્યો. રોહિતે વેલકમ કહ્યું. ત્રણેય સાથે બેઠા.

રોહિત બોલ્યો," સોરી રિહા, મેં તને કહ્યા વિના સૌમ્યને બોલાવ્યો. હું સૌમ્યને ઓળખતો હતો.. અમે બે મહિના પહેલા જ એક 'બિઝનેસ કોન્ફરન્સ'માં મળ્યા હતા. તારી સાથે વાત થાય બાદ મેં એનો પ્રોફાઈલ જોયો. કોલેજનું નામ વાંચીને પાકી ખાતરી થઈ એથી એનો સંપર્ક કર્યો. એનો ખુલાસો સાંભળીને મને થયું કે એકવાર તમારે મળી લેવું જોઈએ એથી મેં  એને અહીં બોલાવ્યો છે. તમે વાત કરો હું થોડી વારમાં આવ્યો."

  સૌમ્ય અને રિહા એકલા પડ્યા. મૌન તોડતા સૌમ્ય બોલ્યો," તું આજે પણ એટલી જ સુંદર લાગી રહી છે જેટલી ત્યારે લાગતી હતી. હજીયે એ સાંજ હું ભુલ્યો નથી. મને માફ કરી દે રિહા! એ સમયે હું મારી સીમા ઓળંગી ગયો હતો. તે જ્યારે મારો પ્રતિકાર કર્યો ત્યારે મારા અહમ પર પ્રહાર થયો એથી મને ગુસ્સો આવી ગયો ને હું ત્યાંથી ચાલ્યો ગયો હતો.  સંસ્કાર, સીમા એ બધું સમજી શકું એટલો પરિપક્વ હું ત્યારે નહોતો! એ હું કબૂલ કરું છું! એ દિવસે મારી લાગણીઓ સાચી હતી. એ વિશે તને કહેવું હતું પણ કહી ન શક્યો. તને સંપર્ક કરવા મેં અનેક પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહ્યો!.  એ દિવસે પ્રેમની સીમાને સ્વીકારી નહોતો શક્યો એ જ મારી ભૂલ હતી!"

રિહા બોલી," હું પણ તારા વિશે ગેરસમજ લઈને તારાથી દૂર થઈ ગઈ, એ મારી ભૂલ હતી. મેં પણ તને ક્યારેય ચોખવટ કરવાનો મોકો ન આપ્યો. તું પણ મને માફ કરી દે. તને નફરત કરવા છતાંય હું તને ભૂલી નથી શકી એ જ સત્ય છે!"

રિહા એ પોતાનો હાથ ફરી સૌમ્યના હાથમાં આપી દીધો! નયનરમ્ય પહાડો ગેરસમજના અંત ને અને પ્રેમ ની નવી શરૂઆતને માણતા મંદ મંદ હસી રહ્યા!!

-તની.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક