પાનખર ની પેલે પાર (award winner love story)

 

  સોશ્યલ મીડિયાની ન્યૂઝ ફીડ જોતા અચાનક શ્લોક નજર એક પોસ્ટ પર પડી. શહેરમાં ચકચાર જગાવનાર હત્યા કેસના સામચારની નીચે કમેન્ટ કરનાર નિધિ કામદારનું નામ વાંચતા તેની આંગળીઓ સ્ક્રોલ કરતા અટકી ગઈ. તરત નિધિનું પ્રોફાઈલ ચેક કર્યું. જોકે પ્રોફાઈલ લોક હતું પરંતુ, પ્રોફાઈલ પીક જોઈને હૈયું ધબકાર ચુકી ગયું. એ જ નિધિ!  એને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી આપી. તેનું મન નિધિની યાદોમાં ખોવાઈ ગયું.

           નિધિ કામદાર, એની કોલેજની મિત્ર! મોટી આંખોમાં કાજળ, લાબા વાળમાં ગૂંથેલો ચોટલો એને બધી  છોકરીઓથી અલગ તારવતો! શાંત અને ધીર ગંભીર નિધિની સાથે શ્લોકે મિત્રતા કરી લીધી. એના સમય સ્વભાવનો પરિચય થયા બાદ તો નિધિ તેને પહેલાથી વધુ ગમવા લાગી હતી. નિધિની આંખોમાં અનેક સપના હતા. એને કશુંક કરી બતાવવું હતું. એક સામાન્ય વ્યક્તિ બનીને એને જીવવું નહોતું.  ક્રિમિનલ લોયર બનવાના સપનાઓ સેવાતી હતી. ખ્યાતનામ  વકીલોએ લખેલા પુસ્તકો વાંચવાં ગૂંથયેલી રહેતી નિધિને જોતો શ્લોક કલાકો લાઈબ્રેરીમાં બેઠો રહેતો.

  નિધિને ભણતી જોઈને શ્લોક પણ પુસ્તક્મા ખોવાઈ જવાની કોશિશ કરતો પણ એનું મન ભણવામાં લાગતું જ નહીં. ગ્રેજુયશન પૂરું કરીને પિતાના વ્યવસાયમાં જ તો જવું હતું. પછી શાને આટલી માથાફૂટ કરવી એવું વિચારીને પુસ્તક બંધ કરી દેતો ને માત્ર નિધિની રાહ જોયા કરતો. બને સાથે જ ઘરે જવા નીકળતા. પોતાની બાઇક પર રોજ નિધિને ઘરે મૂકવા જતો. નિધિ બાઇક પર બેસતા જ અલકમલકની વાતો શરૂ કરી દેતી. એમાં નિધિનું ઘર ક્યારે આવી જતું ખબર ન પડતી.  મીઠી વાતો કયારે મૈત્રીનું બંધન છોડીને એક કૂણી લાગણી બની ગઈ એનો  ખ્યાલ જ ન રહ્યો..

  નિધિને દિલોજાન થી ચાહતો હતો છતાય એ નિધિ ને દિલની વાત કહી શકતો નહોતો. પ્રેમની લાગણી વ્યક્ત કરે પહેલ પરીક્ષાના પરિણામો આવી ગયા. નિધિ આખી કોલેજ નહીં બલકે આખા તાલુકામા પ્રથમ આવેલી.. એને મોટા શહેરમાં એની મનગમતી કોલેજમાં L.LB માં સ્કોલરશીપ સાથે પ્રવેશ મળી ગયો અને શ્લોકે પિતાના વ્યવસાયમાં જંપલાવ્યું.  

  નિધિના જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો એમ શ્લોકની બેચેની વધવા લાગી હતી એના જતાં પહેલા પોતાની લાગણીઓને વાચા આપવી હતી પરતું એ એવું કરી ન શક્યો. એના ઘરે અભિવાદન કરવા આવતા મહેમાનોની ભીડમાં નિધિને એકલા મળવાનો સમય જ ન મળ્યો..  નિધિ ના જવાના દિવસે સ્ટેશને મળવા ગયો ત્યારે પ્રેમનો ઇકરાર તો ના કરી શક્યો માત્ર એટલું જ કહી શક્યો,” જલ્દી આવજે! એટલુ યાદ રાખજે બે આંખો તારા ઇંતજરમાં સદાય આ સ્ટેશને મંડાયેલી જ રહેશે!

 એ પછી થોડો સમય પત્રવ્યવહાર ચાલતો રહ્યો. નિધિ એમાં મોટા શહેરની ચમદમકની વાતો લખતી ને પોતાના અભ્યાસ વિષે લખતી. એ જવાબમાં માત્ર ખુશખબર લખી દેતો પણ ક્યારેય પોતાના પ્રેમ વિષે કહેવાની હિમ્મત નહોતો કરી શક્યો. થોડો સમય પત્રો આવતા બંધા થયા હતા કારણ નિધિ હવે કામ અને પરિક્ષા માં વ્યસ્ત થઈ હતી.

   પરિક્ષા પૂરી થયા બાદ પણ નિધિ ઘરે આવી નહોતી. તેને એક પ્રતિષ્ઠિત વકીલે પાસે કામ શીખવનું શરૂ કર્યું હતું.  વકીલાત શરૂ કર્યા બાદ એકવાર ગામમાં આવી હતી ત્યારે આખા તાલુકામાં એનું સન્માન થયું. ત્યારે સ્ટેજ પર વક્તવ્ય આપતી નિધિ ને જોઈને શ્લોકને કોણ જાણે શું થયું કે એ તેની સામે જવાની હિમ્મત પણ ના કરી શક્યો. કઈ રીતે એની પાસે જાય! પહેલા એનો મિત્ર હતો પણ આજે ?   આકાશને આંબી ચુકી હતી ને પોતે જમીન પર રહી ગયો હતો મનમાં દબાયેલા પ્રેમ સામે કદાચ પુરુષ સહજ અહમ જીતી ગયો હતો. ક્યાં એક સમાન્ય વેપારીનો દીકરો ને ક્યાં એક સફળ વકીલ સાહેબા! મારો એનો શું મેળ! એ વિચારે તેનું મન હૃદય સામે જીતી જ ગયું ને એ માનવ મેદની માં ખોવાઈ ને એ સમ્માન સમારંભ માથી ચાલ્યો ગયો. 

   વ્યવસાયના કામનું બહાનું કાઢી એ જ રાતની ટ્રેનમાં બહારગામ નીકળી ગયો. એ પછી નિધિને સંપર્ક કરવાનં કોઈ પ્રયત્નો કર્યા જ નહોતા બલ્કે એના તરફથી આવતા પત્રો અને ફોનના જવાબ પણ આપ્યા નહોતા.

આજે અચાનક એને સોશિયલ મીડિયા પર જોઈને એની યાદોથી મન ભરાઈ આવ્યું ત્યાં જ શ્લોકના ફોન પર નોટીફીકેશન આવ્યું કે નિધિ એ તેની ફ્રેન્ડ રિકવેસ્ટ માન્ય કરી છે. તરત મેસેન્જર પર હાઈ આવ્યું. શ્લોકે પણ હાઈ લખ્યું.  ફોન  નમ્બરની આપ લે  થઇ. તરત જ સામેથી ફોન આવ્યો.

શ્લોક:હેલ્લો નિધિ,  કેમ છે ? .

નિધિ : એવી છું જેવી પહેલા હતી. તું કેમ છે ?

શ્લોક : હું પણ હજી એવો   છું પણ વાળમાં થોડીક ચાંદી દેખાવા લાગી છે!

નિધિ : મારા વાળમાં હજી ચાંદી નથી આવી હો, તારી પત્ની ખીજાશે તો નહીં ને! કોલેજની મિત્ર સાથે ફોન પર  ગપ્પા મારશે તો?

શ્લોક: ના. એવું નહીં થાય હું હજી એ ખટપટમાં પડ્યો જ નથી.  હું એકલો   છું!

નિધિ :...( થોડી વાર મૌન રહીને ) કેમ એવું તે શું થયું?

શ્લોક: શું કરું નિધિ! મે પ્રેમ જેને કર્યો એને કહી શક્યો અને તેના સિવાય બીજા કોઈને પ્રેમ કરી શક્યો. 

સામે છેડેથી મૌન પ્રસરી રહ્યું!  નિધિ, પ્લીઝ કઈ બોલને ? શું તારા પતિ આવી ગયા ?

નિધિ : ને હું લગ્ન ના બધનમા બંધાઈ જ ના શકી કારણ મેં જેને પ્રેમ કર્યો એ મને પ્રેમ કરે છે કે નહીં એ હું જાણી જ ન શકી. અને એના સિવાય..બીજા કોઈને ચાહી ન શકી!!

શ્લોક: શું નિધિ તું મારી રાહ ….

નિધિ : હા શ્લોક તારા શબ્દોની રાહ જોતી હતી. હું ભણીને પછી ગામ આવી હતી માત્ર તને મળવા. પણ તું ચાલ્યો ગયેલો. એ પછી ક્યારેય મને મળવા પણ આવ્યો? મારા પત્રો ના જવાબ પણ ન આપ્યા?

શ્લોક: એ સમયે એક પુરુષનો અહમ પ્રેમ સામે જીતી ગયો હતો નિધિ.! તું આકાશ ને આંબી ચૂકી હતી અને હું ત્યાં નો ત્યાં જ જમીન પર રહી ગયો હતો!! હું તારી સામે આવની હિમ્મત જ ન કરી શક્યો!!  તારાથી દૂર તો થયો પરંતુ, તને હૃદયથી દૂર ન કરી શક્યો!!

નિધિ :પ્રેમમાં આકાશ કે જમીન જેવું ક્યાં કશું હોય છે! પ્રેમમાં તું ને હું નથી હોતા, આપણે એક હોઈએ પછી કોઈ તફાવત રહેતો જ નથી! પ્રેમ તો ભળી ભળી દીવાલો તોડી નાખી છે એ આપણી વચ્ચે પણ કાય દીવાલ ઊભી થવા દેત!  એક વાર હૃદયની વાત કરી હોત તો

શ્લોક: મે પ્રેમને દિવાલોમાં બાંધી દીધો ને તું મુક્ત દિલ મને ચાહતી રહી! મને માફ કરી ડે નિધિ!  હું તને મળવા માંગુ છું.

નિધિ : હું મારુ અડ્રેસ મોકલું છું. હું તારી રાહ જોઈશ.

સામે છેડેથી ફોન મુકાઈ ગયો ને મેસેજમાં અડ્રેસ ને મળવાનો સમય આવ્યા.

   શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલા એક ફાર્મ હાઉસનું અડ્રેસ્સ હતું. સવારની માદક લહેરોમાં શાંતિ પ્રસરી  ગઈ હતી.  શાંતિને ચીરતાં સૂકા પાંદડાઓ આમ તેમ હવામાં ઉડીને સંગીત પ્રસરાવી રહ્યા હતા. સુકાયેલા  વૃક્ષો ઉદાસ થઈને ઊભા હતા! એક વૃક્ષ ની ડાળીએ બાંધેલા હીંચકા પર નિધિ ધીમે ધીમે ઝૂલી રહી હતી. શ્લોકને જોતા ઉભી થઈને પાસે આવીને બોલી, આવ! ક્યાં હતો આટલા વર્ષો!  હવે આવ્યો? હવે તો જીવનની પાનખર ઋતુ આવી ગઈ છે!

શ્લોક બોલ્યો,” પાનખરની પેલે પાર જો! વસંત ઉભી છે. આ સુકાયેલા યેલા વૃક્ષો એ જ આશાથી ઉભા છે કે ફરી વસંત આવશે ને ફરી કૂંપળો ફૂટશે! આપના પ્રણય જીવની પાનખર હવે પૂરી થઈ ને પ્રેમની વસંત ખીલી ગઈ છે! ચાલ, એનું સ્વાગત કરીએ!

 શ્લોકે નિધિને પોતાની બાહોમાં ભરી લીધી. ઉડતા પાંદડાઓ પણ મિલનને જોવા થોડી વાર થંભી ગયા!  વૃક્ષ પર ખીલેલી તાજી કૂંપળ મિલનની એકમાત્ર સાક્ષી બની ગઈ!!

 

  

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક