માળો
આજે સવારમાં કામ કરતા કરતા વોશ એરિયામાં ગેસના મિટરની પાઇપ અને ભીંતનો સરસ રીતે ઉપયોગ કર્યો હોય તેમ તેનાં ઉપર સરસ રીતે બનાવેલાં ચકલીના માળા ઉપર પડી. બપોરે ફરીથી કામ કરતા કરતા એ માળા ઉપર પડી. સાંજે ફરીથી નજર પડી. એમ આખા દિવસ દરમ્યાન વારંવાર નજર ચકલીએ બાંધેલા એ માળા ઉપર પડી. દિવસ દરમ્યાન જેટલી પણ વાર એ માળા ઉપર પડી અનાયાસે જ પડી.
ભૂતકાળમાં જયારે બાળકી હતી, તરૂણી હતી, યુવતી હતી ત્યારે પપ્પાના ઘરે પણ ચકલી આવો જ માળો બાંધતી. હું એ માળો જોવા માટે સમય કાઢીને વારંવાર જતી. સ્કૂલથી આવું, કોલેજથી આવું કે જોબ પરથી આવું. ઘરે આવીને પહેલી નજર માળા પર જ કરતી. એ માળો જોવો મને ખૂબ જ ગમતો. સવાર, બપોર, સાંજ હું એ માળાની ચકાસણી જ કર્યા કરતી. સવાર થાય અને જોતી કે ચકલી માળામાંથી ઉડીને પોતાનાં કામમાં લાગી કે નહિં, બપોર હોય તો જોતી કે બપોર પડે તો આરામ કરતી હશે કે કેમ? સાંજ પડે ચકાસતી કે ક્યાં સમયે ચકલી પોતાનાં માળામાં પાછી ફરે છે. વળી પાછી રાત પડે ચૅક કરવાં જતી કે ચકલી સૂતી છે કે જાગે છે. એના બચ્ચાઓ સાથે એટલા નાનકડા માળામાં કેવીરીતે સમાઈ ગઈ? બચ્ચાઓ માટે ચકલી શું શું કરે છે? તેમને કેવીરીતે ખવડાવે છે, કેવીરીતે ઉડતા શીખવે છે. આખો દિવસ ચકલી કેટલી મહેનત કરે છે. બધું જ હું એ સમયે ધ્યાન રાખતી અને ચકાસતી.
કહેવાનો તાત્પર્ય એટલો છે કે સમય કેટલો બદલાઈ ગયો છે. અત્યારે ચકલીના માળા પર અનાયાસે જ નજર પડી જાય છે અને એ સમયે સ્પેશ્યલ હું ચકલીના માળા પર નજર રાખતી.
કેમકે, એ સમય માત્ર મારો હતો. આજે જે સમય છે તેની ચોક્કસ વહેંચણી થયેલી છે. આજે એ ચકલીની જેમ હું પણ મારો એક માળો બનાવીને બેઠી છું. મારે પણ દિવસ દરમ્યાન ઘણાં કામ હોય છે. એ ચકલીની જેમ હું પણ રાત્રે જ મળામાં બેસીને શાંતિનો શ્વાસ લઈ શકું છું. મારે પણ બચ્ચાઓ છે જેમના કામમાં હું ખુદને પણ ભૂલી જાઉં છું. એક બાળકી, યુવતી અને તરૂણી મટીને આજે જવાબદારીઓથી ઘેરાયેલી એક વ્યવસ્થિત અને સમયનાં ચક્ર સાથે ચાલતી પારિવારિક મહિલા બની ગઈ છું. માટે એ ચકલીની જેમ મને પણ બીજાનો માળો જોવાનો સમય નથી. મારી વ્યસ્તતા વચ્ચે ક્યારેક અનાયાસે જ ક્યાંક નજર પડી જાય છે. કેમકે, આનંદિત મન પોતાનાં માળાને સંભાળવામાં વ્યસ્ત છે.
બસ અંતમાં એટલું જરૂર કહીશ ભલે અનાયાસે જ નજર પડે પણ આજે પણ મને ચકલીનો માળો અને તેની પ્રવૃતિ જોવાની ઉત્સુકતા સરખી જ છે.
તન્વી શુક્લ
આભાર 🙏🏻
આભાર 🙂🙏🏻
જવાબ આપોકાઢી નાખો