માળો
આજે સવારમાં કામ કરતા કરતા વોશ એરિયામાં ગેસના મિટરની પાઇપ અને ભીંતનો સરસ રીતે ઉપયોગ કર્યો હોય તેમ તેનાં ઉપર સરસ રીતે બનાવેલાં ચકલીના માળા ઉપર પડી. બપોરે ફરીથી કામ કરતા કરતા એ માળા ઉપર પડી. સાંજે ફરીથી નજર પડી. એમ આખા દિવસ દરમ્યાન વારંવાર નજર ચકલીએ બાંધેલા એ માળા ઉપર પડી. દિવસ દરમ્યાન જેટલી પણ વાર એ માળા ઉપર પડી અનાયાસે જ પડી. ભૂતકાળમાં જયારે બાળકી હતી, તરૂણી હતી, યુવતી હતી ત્યારે પપ્પાના ઘરે પણ ચકલી આવો જ માળો બાંધતી. હું એ માળો જોવા માટે સમય કાઢીને વારંવાર જતી. સ્કૂલથી આવું, કોલેજથી આવું કે જોબ પરથી આવું. ઘરે આવીને પહેલી નજર માળા પર જ કરતી. એ માળો જોવો મને ખૂબ જ ગમતો. સવાર, બપોર, સાંજ હું એ માળાની ચકાસણી જ કર્યા કરતી. સવાર થાય અને જોતી કે ચકલી માળામાંથી ઉડીને પોતાનાં કામમાં લાગી કે નહિં, બપોર હોય તો જોતી કે બપોર પડે તો આરામ કરતી હશે કે કેમ? સાંજ પડે ચકાસતી કે ક્યાં સમયે ચકલી પોતાનાં માળામાં પાછી ફરે છે. વળી પાછી રાત પડે ચૅક કરવાં જતી કે ચકલી સૂતી છે કે જાગે છે. એના બચ્ચાઓ સાથે એટલા નાનકડા માળામાં કેવીરીતે સમાઈ ગઈ? બચ્ચાઓ માટે ચકલી શું શું કરે છે? તેમને કેવીરીતે ખવડાવે...