વર્કિંગ વુમન V/S હાઉસ વાઈફ
અરીસા સામે ઉભો રહીને એક ચેહરો ઘડીક હસી રહ્યો હતો તો ઘડીક વિચાર કરીને કોઈ પ્રશ્નનો જવાબ માંગી રહ્યો હોય તેમ સ્તબ્ધ બની જોઈ રહ્યો હતો. એક વણઉકેલ્યો કોયડો જાણે મન - મગજમાંથી ડોકિયું કરી રહ્યો હતો કે, કોણ વધારે વખાણને અને આદરને પાત્ર છે? ' વર્કિંગ વુમન ' કે પછી ' હાઉસ વાઈફ ' ?
એક ' વર્કિંગ વુમન ' કે જે, સવારે એલાર્મનાં રણકારથી પથારીમાંથી સફાળી બેઠી થઈ જાય છે કે, પોતે નોકરીએ જવાનુ છે, હસબન્ડને જવાનુ છે, છોકરાઓને સ્કૂલ - કોલૅજ જવાનુ છે, જમવાનું બનાવાનું છે, ઘરનું બીજું કામ સમયસર પતાવીને ઓફિસનો ટાઈમ સાચવવાનો છે. બાળકો પાછાં આવશે તો શું ખાશે - પીશે, શું કરશે? તેમનું ભણવાનું, ટ્યુશન વગેરે પોતાની ગેરહાજરીમાં વ્યવસ્થિત બની રહે તે માટેની વ્યૂહરચના આખો દિવસ તેનાં મગજમાં ચાલતી હોય છે.
કોઈ એમ ના કહી જાય કે પૈસા પાછળ દોટ મુકવામાં ઘરનું - બાળકોનું ધ્યાન જ ના રાખ્યું? માંડ માંડ ઘરનું કામ પતાવીને ઓફિસે પહોંચે ત્યાં સાહેબનો મેંહણુ...." લો આવી ગયાં... કાલથી વહેલા આવજો નહીં તો પગાર ક્ટ કરવો પડશે, હવે આ કામ જલ્દીથી પતાવો, ફલાણી ફાઈલ લાવો, કાલનું કામ પતી ગયું? ક્યારે પતશે? મેલ થઈ ગયો? મારે આગળ જવાબ આપવાનો છે? પાછું એ સિક્કો તો હોય જ કે, લેડીસ સમજીને થોડું - ઘણું ચલાવી લઈએ પણ સાવ બેદરકારી ના ચાલે ને. લંચ જલ્દીથી પતાવો, બહુ કામ છે.
આ બધું ઓછું હોય તેમ કોઈ હાઉસવાઈફ સંભળાવી જાયકે, કે બેન મારું કામ જટ કરી દોને, ઘરે બહુ કામ પડ્યું છે. થોડીક રાહ જુઓ બેન કરી દઉં છું એટલું તો શું કહી દીધું કે બસ... અરે, કેટલી રાહ જોવાની? તમારે શું ટીપ - ટોપ તૈયાર થઈને આવી જવાનુ અને મજાનું ખુરશી - ટેબલ સાચવીને, એ. સી. માં, હાથમાં પેન લઈને, કોમ્પ્યુટર સામે બેસી રહીને ઓર્ડર જ કરવાં છેને ?કયારેક ઘરે રહીને જુઓ તો ખબર પડે ઘરમાં કેટલું કામ હોય છે? એ નાદાન શું જાણેકે, હું પણ બહાર મારાં શોખ માટે નથી આવતી, મારાં પરિવાર માટે જ આવું છું.હું પણ ઘરે બધું પતાવીને આવું છું, મારે પણ ઘરે જઈને કામ હોય છે, મારે પણ બાળકો છે, મારી પોતાની દુનિયા છે.... બસ મનોમન હસી પડે છે. આ તો રોજનું છે. ચાલ્યા કરે જીવન છે તો...એક ' હાઉસ વાઈફ ' કે જે, રાત્રે સૌથી છેલ્લા સૂતી છે, જેની ઊંઘ પુરી થઈ હોય કે ના થઈ હોય, જેને ક્યાંય જવાનુ નથી. આખો દિવસ ઘરમાં જ રહેવાનું છે છતાં ઘડિયાળમાં 4-5 નાં ટકોરે બધાથી પહેલાં જાગી જાય છે. પોતાનાં નિત્યક્ર્મથી જટ પરવારીને ચા પીતા પીતા તો જાણે એ દેશની સરકારથી પણ ઝડપથી આખા દિવસનું ટાઈમટેબલ મનોમન ઘડી કાઢે છે, બસ પછી લાગી જાય છે કે રોકાવાનું નામ નહીં. હસબન્ડનું ટિફિન, બાળકોનું ટિફિન, ચા - નાસ્તો, જમવાનું, વડીલોની સારવાર, બધાને રવાના કરીને, ઘરનાં કામ, થોડાં વધારાનાં કામ, બજારનાં દોડા - ધક્કા, આ બધું પતાવીને સવારનું બનાવેલું ખાવાનું બપોરે જમવા બેસે ત્યાં તો કામવાળી બાઈ આવી જાય :
અરે, બેન કાલથી વહેલા પરવારી જજો હા મારે ઘરે જવાનુ મોડું થાય છે.
ફટાફટ જમીને, માંડ આડી પડે ત્યાં બાળકો સ્કૂલેથી આવી જાય ફરીથી એમનું કામ, નાસ્તો, ભણવાનું, એમની સાથે રમવાનું, તૈયાર થવાની કે પોતાની માટે સમય કાઢવાની તો વાત જ ન આવે પણ, ભૂલેચૂકે જો પાડોશી જોડે બે વાતો કરી લીઘી કે મોબાઈલ હાથમાં આવી ગયો તો તો બસ પતી ગઈ વાત ચાલુ થઈ જાય : બસ બીજું કાંઈ કામ - ધંધો જ નથી, બસ વાતો અને ફોન.એમાં જો ' વર્કિંગ વુમન ' આવી ગઈ તો બોલવા લાગે : આ તમારે શાંતિ ઘરમાંને ઘરમાંજ રહેવાનું, મજાની લાઈફ, આ બેસી ગયાં વાતો કરવાં. અમારેતો હજી બધું જ બાકી છે.
અરે,એ પણ ઘરે બેઠાં કમાય જ છે, ઘરની તિજોરીમાં એક ગુપ્ત લોકર એનું છે. જેનું તાળું કટોકટીમાં ખુલે છે તો કામ હેમખેમ પાર પડી જાય છે, કપરો સમય પણ નીકળી જાય છે. વાતને મજાકમાં ઉડાવીને પાછી સાંજની રસોઈમાં લાગી જાય, દરેકની પસંદનું અલગ અલગ જેમાં પોતાની પસંદનું તો ભાગ્યેજ હોય છતાં કોઈ ફરિયાદ નહીં. પતિદેવનો યુનિવર્સલ ડાઈલોગ પણ હોય જ સાંભળવાનો જ કે, તને મારી જોડે બેસવાનોતો ટાઈમ જ નથી... બસ કામ કામ ને કામ. અને આખો દિવસ કામ કર્યા બાદ જો એક કામ પણ રહી ગયું હોય કે એમ બોલે કે આજે તો થાક લાગ્યો છે તો બસ સાંભળી જ લેવાનું : અરે આખો દિવસ કર્યું શું? તમે ઘરમાંને ઘરમાં શું કરો છો, બસ આરામ? રાત્રે બધાં સુતા પછી છેલ્લે સૂઈ જતી સવારે ઉઠવા માટે.
સોનાં જેવું સત્ય તો એ છે કે, કોઈ બેસ્ટ નથી. વર્કિંગ વુમન કે હાઉસ વાઈફ... બેસ્ટ તો સ્ત્રી માત્ર છે. જે સહનશીલતાની મૂર્તિ છે. જે લક્ષ્મીનો અવતાર છે. પછી એ સ્ત્રી વર્કિંગ વુમન હોય કે હાઉસવાઈફ.... સ્ત્રી કોઈ દિવસ પોતાનાં માટે નથી જીવતી. પોતાનો શોખ બાજુ ઉપર મૂકીને જે હંમેશા બીજાના સપનાં પૂર્ણ કરવાનું વિચારે છે. પરિવારની ખુશીમાં પોતાની ખુશી શોધી લે છે. પોતાનું દુઃખ છુપાવીને જેને હસતાં આવડે છે. તેનાં આંસુ પાછળ છુપાયેલુ રહસ્ય કોઈ જાણી શક્યું નથી. સ્ત્રી પાસે કોઈ મૂડી છે તો તે તેનો પરિવાર છે જેને તે નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. આખી દુનિયા સામે જેના માટે તે લડી શકે છે. કોણ કહે છે કે, સ્ત્રીને સમજવી અઘરી છે. હકીકતમાં તો સ્ત્રીને સમજવુ એ જેવા-તેવાનું કામ જ નથી.તેને સમજવા માટે તો એક પાષાણ છતાં નિર્મળ હૃદય જોઈએ. સ્ત્રીનો આદર કરવાં માટે શબ્દો ઓછા પડે. તેનું સન્માન કરવાં માટે કોઈ મેડલ, સર્ટિફિકેટ કે શિલ્ડ પણ નામનાં છે.
દુનિયાની દરેક સ્ત્રીને સલામ પછી એ ' વર્કિંગ વુમન ' હોય કે ' હાઉસ વાઈફ!
-તન્વી શુક્લ.
Khub sundar
જવાબ આપોકાઢી નાખો