#એકલતાનો અવાજ
જીવનમાં બધા દિવસો સરખાં નથી હોતા. પાંચ આંગળીયો પણ સરખી નથી હોતી. ક્યારેક ભરપૂર સુખનો છાંયડો મળે છે તો ક્યારેક દુઃખનાં પથ્થરોનો માર મળે છે. આપણે પોતે પણ ક્યારેક સમય અને સંજોગને આધીન ભીડમાં પણ એકલતા અનુભવીએ છીએ. બધા ગમતા વ્યક્તિઓ સાથે હોવા છતાં કોઈની સાથે વાત કરવાનું મન નથી થતું. પાછા મનને મનાવીએ છીએ પણ ખરા કે એકલા એકલા ક્યાં સુધી? કદાચ અહીં જ ભૂલ કરી બેસીએ છીએ. કેમ ભૂલી જઈએ છીએ કે આપણે સાવ એકલા તો હોતા જ નથી. આપણી અંદર પણ કોઈ વ્યક્તિ વસે છે. જે સદંતર તમને જ ઝંખે છે. એક વિચાર માત્રની વાર હોય છે જે આપણી એકલતાને સંપૂર્ણપણે કોરી ખાય છે.
જીવનની દરેક ક્ષણમાં સંગીતમય વાતો છે. દરેક વાતોનો કોઈ અર્થ છે. જેને સમજો. આપણી એકલતા પણ આપણને કંઈક કહેવા માંગતી હોય છે. તેનો અવાજ શાંતિપૂર્ણ રીતે સાંભળો અને સાંભળ્યા પછી તેને નજરઅંદાજ ના કરો. તેનાં પર વિચાર કરો કે એમાં શું તથ્ય સમાયેલું છે. આપણે આસપાસ આપણી કંપની શોધતા હોઈએ છીએ. કેટલાં નાદાન છીએ. પોતાનો શ્રેષ્ઠ સાથ છોડીને અહીંતહીં વલખા મારીએ છીએ. જીવનમાં જો તમે ક્યારેક એકલા પડી ગયા છો. તો ખુશ થાઓ. તેને તમારો ગોલ્ડન પિરિયડ સમજો. આપણાં જીવનમાં અમુક પાત્રો જેમકે, આપણાં પરિવારનાં સભ્યો, આપણાં બાળકો, પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ આ દરેક અતિ મહત્વનું કિરદાર ભજવતાં હોય છે. આપણને લાગે છે કે આપણે એમની વગર કંઈ છીએ જ નહિં. એમનાં વગરની દુનિયાની આપણે કલ્પના સુદ્ધા નથી કરી શકતાં. જાણે એ લોકો જ આપણી આસપાસના વાતાવરણને જીવંત રાખે છે. ઘણેખરે અંશે સાચુ પણ છે. પણ એમાં તમારો ભાગ વધારે છે. કેમકે એ લોકોને તમે પોતાનાં માટે આધીન થવાની મંજૂરી આપી છે. એટલા હક્ક તમે તમારાં જીવનના તેમને આપ્યા છે. એટલે કોઈ અમુક ચોક્કસ કારણોસર તેઓ તમારાથી દૂર થઈ જાય છે તો તમે સહન નથી કરી શકતાં. કોઈ વ્યક્તિના દૂર જવનું દુઃખ તો સદાય રહે જ છે. તેની કમી પણ કોઈ પુરી નથી કરી શકતું. પણ જીવન અટકતું નથી. શ્વાસ તો પહેલાંની જેમ જ રફ્તારમાં હોય છે. આપણે એ એકલતામાં કોકડું વળીને બેસી જઈએ છીએ. પોતાની જાતને કોઈ ચોક્કસ પાંજરામાં પુરી દઈએ છીએ. પણ એવું ના કરવું જોઈએ. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ ખોવાનું દુઃખ કોઈ સપનું તૂટી જવાનો ગમ આપણને એકલતાના કુઆમાં ધકેલી દે તો એ એકલતામાં સમાયેલા અદ્રશ્ય દ્રશ્યને જીવંત કરી દેવું જોઈએ. મૌનમાં સમાયેલી વાતોને સાંભળવી જોઈએ. ક્યારેક ભીડમાં રહીને પણ એકલતાને ઢંઢોળવી જોઈએ. એકલતા પણ કંઈક કહેવા માંગતી હોય. અને બની શકે છે કે એકલતામાં જ ખરું સુખ સમાયેલું હોય. એમાં જ આપણી ભલાઈ હોય. કેમકે, આપણે ખુદ આપણાં પ્રથમ મિત્ર અને સાથી છીએ. આમ, એકલતાનને પસ્તાવાનો કે અફસોસનો ભાગ નહિં બનાવો પરંતુ, તેમાં છુપાયેલા અવાજને ધ્યાનથી સાંભળો અને તેને અનુસરો. જીવન જરૂર કંઈક સાચી દિશામાં ખેંચી જશે. જ્યાં અજવાસ જ અજવાસ હશે!!
_ તન્વી શુક્લ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો