" પપ્પાનું વૉલેટ "

     પરિવાર રૂપી દરિયામાં સુખ દુઃખના અગણિત અવિરત ઉછળતા મોજાઓ વચ્ચે પણ અડીખમ ઉભો રહેતો રક્ષકરૂપી પર્વત એટલે ' પપ્પા '. જેમના ખિસ્સામાંનું પાકીટ કદાચ ખાલી હોય પણ હૃદય હંમેશા ભરેલું જ હોય છે. પુરા પરિવારને મનગમતા અને ભરપૂર ભોજનની ભેટ આપવા માટે થઈને પોતે જવાબદારીની અદ્રશ્ય પાઘડી પોતાનાં માથે હંમેશા પહેરેલી રાખે છે. આખો દિવસ ટાઢ, તડકો, વરસાદ કોઈ પણ ઋતુ હોય તેમની ફરજ સતત ચાલુ જ રહે છે. પરિવારની કોઈ પણ માંગણી માટેની તેમનાં તરફ આવતી અરજી ક્યારેય પાછી ઠેલવાતી નથી. પોતાની ઢીંગલીને હાથમાં ઢીંગલી લઈને હાસ્યથી કુદતા રમતાં જોઈને જ તેમનું શેર લોહી ચડી જાય છે. પોતાનાં દીકરાને પોતાનાં ખભાથી ખભો મેળવતો જોઈને તેમની છાતી ગદગદ ફૂલી જાય છે.

        " પપ્પાનું વૉલેટ "જીવનમાં ઘણાં દિવસો એવાં આવે છે જયારે જવાબદારીનો અસહ્ય બોઝ મધ્યમવર્ગીય પિતાને નિરાશાની ખાડીમાં ધકેલવા મજબુર કરી દે છે. તેમ છતાં એ પિતા જ હોય છે જે કદીયે હિમ્મ્ત નથી હારતા. પોતાનાં પરિવારનાં હાસ્યને અકબંધ રાખવા પોતે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. જેમની ઢીંગલી કે ઢીંગલાની દરેક ઈચ્છાને જે ખુશી ખુશી વધાવી લે છે અને જેને પુરી કરવાં માટે દિવસ રાત એક કરી નાંખે છે. પરસેવાનો ખારો સ્વાદ ગ્રહણ કરી જે પરિવારને મીઠા કોળીયાનો સ્વાદ ચખાડતા રહે છે.

     જો ક્યારેક દિકરી પપ્પાને કહે કે પપ્પા, આ દિવાળી તો મારે નવા કપડાં જોઈએ જ, આ નાતાલ પર જરૂર સેન્ટા આવશે અને મારી પાસે ઘણાં નવા રમકડાં હશે... બસ દિકરીની એ દિવાળી અને ક્રિસમસ તો બેસ્ટ જાય જ છે પણ પપ્પા નવા વર્ષે પણ જુના કપડાંમાં જ જોવા મળે છે.

       જો ક્યારેક દીકરો કહે કે પપ્પા મારા બધા મિત્રો ફરવા જાય છે મારે પણ જવું છે, મારા બધા મિત્રો તેમની બર્થડે પાર્ટી મોટી હોટેલમાં ઉજવે છે મારે પણ આ બર્થડે સ્પેશ્યલ કરવી છે.... દીકરાની તો ફરવાની ટ્રીપ તેમજ જન્મદિવસની ઉજવણી બંન્ને સ્પેશ્યલ રહી પણ ત્યાર પછી પપ્પા કેટલાંય દિવસ સુધી ચાલીને જ કામ પર ગયા. 

       ઘરમાં રોજ આવતી ખુશીઓનું સરનામું છે પપ્પા, હર ઢળતી સાંજે ઉંબરામાં અજવાસ ફેલાવતો દીવો છે પપ્પા, કોઈ પણ ચિંતાનું નિરાકરણ છે પપ્પા, હર મૂંઝવણનો ઉકેલ છે પપ્પા. કેમકે, એ પપ્પા ક્યાં છે? એ તો જાદુગર છે...... પપ્પાની જેમજ એમના ખિસ્સામાં રહેલું વૉલેટ પણ જાદુઈ ચિરાગ સમાન જ છે. એનું એકમાત્ર ખાસ કારણ એ છે કે, પપ્પાનું ખિસ્સું અને હૃદય બંન્ને ડાબી બાજુએ જ હોય છે માટે તેમનું હૃદય દરિયા જેટલું વિશાળ અને ઉદાર હોય છે તેવી જ રીતે તેમનાં ખિસ્સામાં રહેલું પાકીટ પણ અક્ષયપાત્ર સમાન છે. જે પાકીટ કદાચ ખાલી હોય પણ હૃદય પ્રેમથી એટલું ભરપૂર હોય છે કે તે દરેક ખર્ચાને પહોંચી વળવા સક્ષમ હોય છે...... જાદુગર પપ્પાનું જાદુઈ ચિરાગ સમાન વૉલેટ.


આભાર 🙏🏻

તન્વી શુક્લ

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક