પોત પોતાનું ભાગ્ય

   કૃશ થયેલો દેહ, ચીંથરેહાલ કપડાં, ગરીબી તેના દેહ પર વર્તાતી હતી. લાકડીના સહારે રસ્તે ચાલતા એ વૃદ્ધને જોઈ પાર્વતી માતાને કરુણા ઉપજી. તેમણે શંકર ભગવાનને આ માણસની ગરીબી દૂર કરવા માટે વિનંતી કરી. ભગવાને કહ્યું." એનું નસીબ આ જ છે છતાં માતાએ જીદ પકડી, ' તમે તો ભગવાન છો, એનું પ્રારબ્ધ બદલી દો!"

   શંકર ભગવાન સ્ત્રીહઠ સામે ઝૂક્યા અને તેમણે એ માણસ ચાલતો હતો એ રસ્તામાં સોનાની ઈંટ મૂકી. પાર્વતી મા મનોમન રાજી થયા કે હવે આની દરિદ્રતા દૂર થશે. પેલો માણસ ચાલતાં ચાલતાં વિચારે છે કે ' આંધળા માણસો કેવી રીતે ચાલતાં હશે? ' પોતે આંખો બંધ કરી ત્યાં ચાલવા લાગ્યો. તેણે ત્યાં ઈંટ જોઈ જ નહીં અને તે આગળ નીકળી ગયો. અલગ અલગ રીતે ભગવાને તેને ધન આપવા પ્રયત્નો કર્યા પરંતુ દરેક સમયે ધન મેળવવા તે નિષ્ફળ ગયો. અંતે પાર્વતી માતાએ સ્વીકાર્યું કે એના નસીબમાં ધન નથી.


આ વાર્તાનો ભાવાર્થ એ જ છે કે વ્યક્તિ પોતાના ભાગ્ય સાથે જ જન્મે છે. મનુષ્યની અલગ અલગ અવસ્થામાં ઈશ્વર નહીં પરંતુ તેના કરેલા કર્મો જવાબદાર છે. જેવા કર્મ કર્યા હોય તેવું તેનું ભાગ્ય રચાય છે.


પુણ્ય, ભાગ્ય, નસીબ, પ્રારબ્ધ, કિસ્મત કે કર્મ જે પણ કહો તે નિશ્ચિત હોય છે. માણસની સફળતા, નિષ્ફળતા, ચડતી - પડતી, સુખ, દુઃખ, આરોગ્ય, ધન - વૈભવ, યશ, અપયશ, આયુષ્ય, શાંતિ, વગેરે તેના ભાગ્યના આધારે તેને મળે છે.


ઘણીવાર એવું બને કે કોઈ પણ એવા ખાસ પ્રયત્નો વિના સમૃદ્ધિ મળી જાય છે અને ઘણીવાર લાખ પ્રયત્નો કરવા છતાં સફળતા પ્રાપ્ત થતી નથી. આપણે સમાજમાં એવા કેટલા ઉદાહરણ જોઈએ છીએ કે લાયકાત વિનાના માણસને કેટલી સુખ સંપત્તિ મળેલી હોય છે જ્યારે કોઈ લાયક માણસની હાલત દયનીય હોય છે.


હું નાની હતી ત્યારે અમારા બાજુ વાળા એક માસી તેની પુત્રવધૂને બહુ દુઃખ આપતાં. ખૂબ મેંણાટોણા મારે, માનસિક ત્રાસ આપી ઘરકામ કરાવે. મેં એ ભાભીને બહુ રડતાં જોયા હતાં. બધાં જ એવું કહેતાં કે, ' વહુને આટલું હેરાન કરે છે તો એમને દર્દનાક મૃત્યુ કે બીમારી આવશે! ' પરંતુ એ માસી એકદમ તંદુરસ્ત દીર્ઘાયુ જીવ્યા અને મરણપર્યંત ભાભીને દુઃખ આપતાં રહ્યા. માસીનું પુણ્યબળ જોર કરતું હતું. આ ભવે કરેલા કર્મો આવતાં ભવે ભોગવવાં પડે. કદાચ એમના ગયા ભવ ના સારા પુણ્ય કર્મ એમણે આ ભવે ભોગવી નાખ્યા.


સારું આરોગ્ય પણ પુણ્યમાં હોય એટલું મળે છે. શરીરની ખૂબ કાળજી રાખનારને પણ ક્યારેક કેન્સર જેવા રોગનો ભોગ બનવું પડે છે.


જો ખાલી બુદ્ધિથી પૈસા મળતાં હોત તો બિરબલ રાજા હોત અને અકબર મંત્રી હોત! જો એકલી મહેનતથી પૈસા મળે તો મજૂરો ધનવાન હોય! દરેક પરિબળમાં કર્મ સત્તા બળવાન છે. જેટલું અને જ્યારે ભાગ્યમાં હશે તેટલું ત્યારે જ મળશે. નસીબ આડેથી પાંદડા હટી ગયા એટલે સારા કર્મોનું ફળ ભોગવવાનો સમય આવી ગયો.


એ વાત સો ટકા સાચી છે કે ' નસીબમાં હશે તે જ મળશે ' પરંતુ એનો અર્થ એ નથી કે ખાલી પ્રારબ્ધવાદી બની બેસી રહીએ. પ્રારબ્ધ બદલવા પુરુષાર્થ પણ કરવો જ રહ્યો. ધાર્મિક, સંંસારિક કે ભૌતિક દરેક ક્ષેત્રે મહેનત માંગી લે છે. તમે પુરુષાર્થ કર્યા કરો, તમારાં ભાગ્યમાં હશે એ ફળ તમને ચોક્કસ મળશે.


ખૂબ મેલા કપડાંને ધોવા તેને ઘસવાની મહેનતથી ચોખ્ખા કરાય છે તેમ આત્મા પર લાગેલા મેલ ને ધર્મક્રિયા, સત્કાર્યો, સદ્ગુણો કેળવીને ચોખ્ખી કરાય છે જેથી આપોઆપ સારું ભાગ્ય ઘડાય છે. ભોજન જેમ શરીરનું પોષણ છે તેમ સત્કાર્યો, પુણ્ય, તપ, સાધના, માનવતા, કરુણા, વગેરે આત્માનું પોષણ છે. માટી માંથી જેમ શુદ્ધ સોનું તારવી શકાય છે તેમ પુરુષાર્થ દ્વારા પુણ્ય કર્મ ચોક્કસ વધારી શકાય છે. પોત પોતાનું ભાગ્યના ઘડવૈયા આપણે પોતે જ છીએ.



આભાર


-પૂર્વી શાહ 

https://www.facebook.com/profile.php?id=100092344687061&mibextid=ZbWKwL

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક