#રીઝલ્ટ શું આવ્યું તારું?

 

 #આલેખન #રીઝલ્ટ શું આવ્યું તારું?

માર્ચ, એપ્રિલ મહિનો આવતાં ઘરમાં સોપો પડી જાય. આખું ઘર શાંત થઈ જાય. આ શાંતિની પાછળ ચિંતાનો મોટો જુવાળ હોય કારણ, આ મહિનાઓમાં બાળકોની પરીક્ષાઓ ચાલતી હોય!! બાળકો અને વડીલો સતત પરિશ્રમ કરી પરીક્ષા નામક ભય સાથે લડતાં હોય. પરીક્ષા પૂરી થાય પછી ઘરમાં થોડી નિરાંત થાય. બાળકો વેકેશનની મજા માણે, ના માણે ત્યાં તો મે, જૂન આવી જાય ને શરુ થાય ' રીઝલ્ટ ' નો દૌર! વળી ચિંતા શરૂ થઈ જાય! ધાર્યું ' રીઝલ્ટ ' આવે ત્યારે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય! શાબાશી અને હર્ષના અશ્રુનો વરસાદ પણ થાય! ધાર્યું પરિણામ ના આવે ત્યારે રુદનના ડૂસકાં અને હતાશાનું દર્દ પણ અનુભવાય.

 

 આવું બધું આપણા બધાંના ઘરોમાં બનતું જ હોય છે. આપણા બાળકોની પરીક્ષાની ચિંતા, રીઝલ્ટની તાલાવેલી એની ખુશી કે એની હતાશા આપણે સહુએ અનુભવી છે. આપણે વિદ્યાર્થી તરીકે અને વડીલ તરીકે આ અનુભવ્યું છે. આ સમયે સૌથી વધુ ચિંતાનો વિષય હોય છે એક સવાલ, ' રીઝલ્ટ શું આવ્યું તારું? ' એ સવાલનો જવાબ આપવો કપરો હોય છે કારણ પૂછનાર વ્યક્તિ કરતા આપણા ' માર્ક ' વધુ સારા આવ્યા હોય ત્યારે એની લાગણી દુભાવાનો ભય અને ઓછા માર્ક આવ્યા હોય ત્યારે એની સામે ભોંઠા પડવાનો ભય રહે છે. કારણ અહીં એક્બીજાની સાથે ' માર્ક ' ની સરખામણી થાય છે. જયારે સરખામણી થાય ત્યારે એકને દુઃખ થવું સ્વાભાવિક છે.

 

 બીજા સાથે આપણી કે આપણા બાળકની સરખામણી તદ્દન અયોગ્ય છે. કારણ હું, મારા સંજોગો અને મારી પ્રતિભા જુદા છે! એ, એના સંજોગો અને એની પ્રતિભા જુદી છે તો એની સાથે મારી સરખામણી શા માટે! દરેક બાળક વર્ગમાં પ્રથમ નથી આવતું! દરેકને ૯૦% માર્ક પણ નથી આવતા! રીઝલ્ટ માટે પરિશ્રમ સિવાય બીજા અનેક કારણો જવાબદાર હોય છે. પેલો છોકરો કે છોકરી કેટલા સારા માર્ક લાવે છે ને તારા જો! " આવા શબ્દો બાળકોની સામે બોલતા સાત વાર વિચાર કરવો જોઈએ કારણ કોઈની બીજા સાથે સરખામણી શક્ય જ નથી! બંને જુદા વ્યક્તિઓ છે!

 

બીજી વાત એ કે ,પરીક્ષામાં આવતું ' રીઝલ્ટ ' બાળકની પ્રતિભા નક્કી નથી કરતું, એ વાત સમજવી જરૂરી છે. આપણી સામે અનેક લોકોના ઉદાહરણો છે, જેઓ શાળાની પરીક્ષામાં નાસીપાસ થયા પછી જીવનમાં મહાન બન્યા છે! કેટલાક એવા પણ છે જે શાળાની પરીક્ષામાં પ્રથમ આવીને પણ જીવનમાં સફળ નથી થયા! એથી ' રિઝલ્ટ ' પર બહુ મહત્વ ના આપવું એવું મારું માનવું છે.

 

 હા, એટલું જરૂર જાણવું કે પાછલી પરીક્ષા કરતા આજની પરીક્ષામાં હું કેટલું સારું કે ખરાબ પરિણામ લાવી શકી. એના કારણો શોધી વધુ સારા લાવવાનો પ્રયત્ન કરવો. ખાસ કરીને આપણે વડીલોએ ધ્યાનમાં રાખવું કે વર્ગમાં પ્રથમ આવનાર બાળકના ઉદાહરણો આપવાથી બાળકને પ્રેરણા મળવા કરતાં દર્દનો વધારે અનુભવ થાય છે જે હું કે માતા અને શિક્ષક હોવાના અનુભવથી શીખી છું!!

 

કહેવાય છે ને,

' કાણા ને નવ કાણો કહીયે કડવા લાગે વેણ!

ધીરે રહીને પુછીએ, શાને ખોયા નેણ! '

એ જ રીતે બાળકોની ભૂલને રીઝલ્ટ આવે ત્યારે કડવા શબ્દોમાં ના બતાવવી બલ્કે એને શાબાશી આપીને ધીરેથી વધુ સારું કરવા પ્રેરણા આપવી. પોતે હતાશ ના થવું અને બાળકોને પણ ના થવા દેવા! રીઝલ્ટને અંત નહીં બલ્કે નવી શરૂઆતનું પહેલું પગથિયું માનીને આગળ વધતાં રહેવું...ખરું ને!!

 

-તની

#hemaliPonda


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક