સાથ ઓજસ અને કુસુમનો અંતિમ ભાગ 2

 

   પહેલા પ્રેમના સ્પંદનો એ મને પાગલ કરી મૂકી હતી. હું ઓજસ મય બની ગઈ હતી.અમારા પ્રણય ભર્યા દિવસો આનંદ થી વીતી રહ્યા હતા. આખરે મારૂ  મુંબઈનું કામ પૂરું થયું. હું અમદાવાદ પાછી ફરી રહી હતી ત્યારે ઓજસ મને એરપોર્ટ મૂકવા આવ્યા હતા અમારા હૃદય વિરહના વિષદથી ઉભરાઇ રહ્યા હતા.એ ઘડિયાએ કોઈ કશું બોલી શક્યું નહોતું.આંસુ ભરી આંખે હું અમદાવાદ પછી ફરી

 . અમે ફોન પર અને પત્રોથી મળતા. જ્યાં સુધી હું મારા નવા કામમાં સારી રીતે સેટ થઈ જાવ અને ઔજસ તેમની નવી નવલકથા ' એ સાંજની વાત ' પૂરી કરી લે ત્યાં સુધી અમે અમારા પ્રેમ વિષે કોઈને ન કહેવાનું નક્કી કર્યું હતું. એમના લખેલા પત્રો હું અનેક વાર વાચંતી એમના શબ્દો મને ઓળઘોળ કરી દેતાં. દરેક પત્ર વાંચીને એમની પાસે દોડી જવાનું મન થઈ જતું પરંતુ તેમના કામમાં મારે અંતરાય બનવું નહોતું. એથી વિરહ નું દર્દ હૈયે ભરી ને હસતી રહેતી હતી.

   મારા ઘરમાં મારા લગ્નની વાતો શરુ થઇ ગઈ હતી. એક સંપન્ન પરિવારથી માંગુ આવ્યું હતું. નિલય ભણેલો અને ' વેલ સેટલ ' હતો. ઘરમાં બધાને આ વાત ગમી હતી. આ વાત આગળ વધે એ પહેલા મે   મમ્મી પાસે મારા અને ઔજસના પ્રેમની કબૂલાત કરી લીધી. મારા ઘરમાં બધાને આ મંજૂર નહોતું. ઔજસ ઉંમરમાં મારાથી દસ વર્ષ મોટા હતાં અને વળી પરજ્ઞાતિના! મારા પપ્પા જ્ઞાતિના પ્રમુખ પદે હતાં. તેમણે સાફ ના કહી દીધી.

પપ્પાએ કહ્યું," નિલય તારા માટે યોગ્ય છે. એ લેખકને ભૂલી જા! " મેં તરત ઔજસને ફોન જોડ્યો પરંતુ ફોન ' સ્વીચ ઑફ ' હતો. એ જયારે લખવામાં મગ્ન હોય ત્યારે ફોન બંધ રાખતાં એ હું  જાણતી હતી. હું બીજે દિવસે મુંબઈ પહોંચી ગઈ. સીધી ઔજસના ઘરે ગઈ. બહુ વાર ' બેલ ' મારી, કોઈએ દરવાજો ના ખોલ્યો. મેં ફરીથી એમના મોબાઈલ પર ફોન કર્યો પણ સ્વીચ ઑફ જ હતો. આજુબાજુમાં પૂછપરછ કરી કોઈને કઈ જ ખબર નહોતી. એમના કોઈ મિત્રોને હું ઓળખતી નહોતી.

 

 આખરે મે એમાંના ' પબ્લીશર ' પાસે જઈને પૂછયું.

તેઓએ કહ્યું," તેઓ થોડા દિવસો પહેલાં અહીં આવેલા ને કહ્યું કે થોડા દિવસ માટે બહારગામ જાવ છું, એક નવલકથા અટકી પડી છે કઈ પ્રેરણા જ નથી મળતી. થોડા દિવસમાં પુરી કરીને પાછો ફરીશ.એ પછી મારો એમાંની સાથે કોઈ જ સંપર્ક નથી,”

   હું નિરાશ થઈને બીજે દિવસે ઘરે પાછી ફરી. ઘરમાં બધા ચિતામાં હતાં. જો કે મારું કામ એવું હતું કે મારે અચાનક બહાર જવાનું થતું એટલે બધાને સમજાવી દીધા. સતત તેમને ફોન જોડતી રહી પણ ન લાગ્યો. બીજે દિવસ તેમનો પત્ર આવ્યો જેમાં લખ્યું હતું..

પ્રિય કુસુમ,

  ઔજસ અને કુસુમનો સાથ દિવસ પૂરતો જ હોય છે! રાત પડે ત્યારે ઔજસને જવું જ પડે છે. કુસુમને આખી રાત ઉપવનમાં એકલાં જ રહેવું જ પડે છે. સમજી લેજે આપણા જીવનની રાત છે, ફરી ઔજસ કયારે આવશે તેની ખબર નથી એટલે સવારની રાહ ન જોતી. આપણો સાથ આટલો જ હતો.

 કુસુમ અને સુંગધનો સાથ જીવનભરનો હોય છે. તારા જીવનની સુગંધ શોધી લેજે! તારા જીવનમાં સુવાસ ફેલાવી શકે એવ કોઈ સારા યુવકની સાથે લગ્ન કરી લેજે. મને ભૂલી જજે!! હવે પત્રો ન લખતી. મેં એ ઘર કાઢી નાખ્યું છે. નવું સરનામું કે નવો ફોન નંબર તને નહીં આપી શકું. મને માફ કરી દેજે!!

-ઔજસ!!

  આ પત્ર વાંચીને મારી આંખો અનરાધાર વરસી પડી. એ દિવસે મને દિલાસો આપવા વાળું કોઈ નહોતું.

થોડા સમય બાદ મમ્મી પપ્પાના આગ્રહથી હું નિલયને મળી. તેને મારા પહેલાં પ્રેમ વિષે કહેવાની કોશિશ કરી તે માત્ર એટલું જ બોલ્યા, " જો તમે તમારું વર્તમાન અને ભવિષ્ય મારામાં જોવા માંગતા હોય તો મને તમારા ભૂતકાળમાં કોઈ રસ નથી! " આટલો ઉમદા વ્યક્તિ જ મારા જીવનની સુગંધ બની શકે! મેં લગ્ન માટે ' હા ' કહી દીધી. હું અને નિલય લગ્નગ્રંથિ થી જોડાઈ ગયા.

 

   લગ્નની પહેલી વર્ષગાંઠે હું ને નિલય ' ડિનર ' પર જઈ રહ્યા હતા ત્યારે મારી ઑફીસમાંથી ફોન આવ્યો. સાહેબ બોલ્યા, " ટીએને યાદ છે આજથી બે વર્ષ પહેલા, તે જેમનો ઇન્ટરવ્યૂ લીધેલો એ લેખક ઔજસ કુમાર આજે મુંબઈની ટાટા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે! તેઓ કેન્સરના ' લાસ્ટ સ્ટેજ ' માં છે! તું એમને ઓળખે છે તો એમના જીવન મૃત્યુ ના સંઘર્ષની ' સ્ટોરી કવર ' કરી આવ . આ બીમારીથી લડતા અનેક ને એનાથી પ્રેરણા મળશે,’

મારા ગળે ડૂમો ભરાઈ ગયો. હું કંઈ બોલી ન શકી! હાથમાંથી ફોન નીચે સરકી ગયો. હું ચોધાર આંસુએ રડી પડી. નિલયે મને સાંત્વના આપી. સ્વસ્થ થયા બાદ મેં નિલયને મારા અને ઔજસના પ્રેમ વિષે બધી વાત કરી ને સાહેબના ફોન વિશે પણ કહ્યું.

નિલયની આંખોમાંથી પણ મારા દર્દના આંસુ છલકાઈ ગયા. એ બોલ્યો, " કેટલો ઉમદા પ્રેમ હતો એમનો ! તારા જીવનને સવારવા એમને બેવફા બની એકલા જીવવાનું પસંદ કર્યું. જ્યારે એમાં પોતાની બીમારી વિષે જાણ થઈ હશે ત્યારે તેઓ તારા જીવનથી દૂર ચાલ્યા ગયા!

કુસુમ,  તારે જવું જોઈએ, કદાચ એમના છેલ્લા સમયમાં તું એમની પાસે હોઈશ તો એમની છેલ્લી પળો સુખમય બની જશે.

હું કેવી રીતે જઈ શકું? હવે હું તારી પત્ની છુ... કોઈ પર પુરુષ પાસે ... હું આગળ બોલી ના શકી!

નિલય બોલ્યો,’ મને તારા પ્રેમ પર સંપૂર્ણ વિશ્વાસ છે! જા...એ મહાન વ્યક્તિને છેલ્લી વિદાય આપી આવ! "

હું નિલયના પ્રેમને હૃદયથી વંદી રહી અને મુંબઈ જવા નીકળી!!

 

(સંપૂર્ણ)

-તની

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક