સાથ ઓજસ અને કુસુમનો ( ભાગ 1 )

       પર્સમાંથી નોટ ને પેન કાઢી અને હું ઉતાવળે તેમની તરફ દોડી. તેઓ મુંબઈ તરફ જતી ' ફ્લાઈટ ' ના ' ચેક ઈન ગેટ ' તરફ જઈ રહ્યા હતા. મેં તેમને રોકીને કહ્યું, " મને...તમારો ઑટોગ્રાફ મળશે! " તેઓએ સ્મિત સાથે કહ્યું, " આ સેલ્ફીના જમાનામાં કોઈને ઑટોગ્રાફ લેવામાં રસ છે એ જાણીને આનંદ થયો! " મેં પેન અને નોટ તેમના તરફ ધરતા કહ્યું, " હું તમારા શબ્દોની દીવાની છું. આ નોટમાં લખેલા તમારા બે શબ્દો પણ મારા માટે અમૂલ્ય બની જશે!

" તેમણે મારું નામ પૂછ્યું. મેં કહ્યું, " કુસુમ! " ને પછી કાગળ પર તેમણે લખ્યું,

કુસુમને ને ઝાકળનો સાથ ભલેને હોય ઔજસના આગમન સુધીનો...

તોયે એ મોતીબિંદુ અમૂલ્ય હોય છે..!!

વિથ લવ ફ્રોમ ઔજસ!! "

એ શબ્દો મારા હૃદયને નવપલ્લવિત કરી ગયા. મેં એમનો આભાર માન્યો ને તેઓ ગેટ તરફ વળ્યાં. તેઓ ઔજસ કુમાર! મારા પ્રિય લેખક! તેમની નવલકથા ' એ મોતી બિંદુઓ ' મારી સૌથી પ્રિય હતી. પ્રેમના વિષય પર જયારે એ લખતા ત્યારે મારું મન નાચી ઉઠતું. હું વિચારતી,' કેટલા સુંદર વિચારો ને એટલા જ સુંદર શબ્દો! એમના હૃદયમાં કેટલો પ્રેમ છલકાતો હશે! આજે એમને સાક્ષાત જોયા ત્યારે તો હૈયું ધબકાર ચુકી ગયું. મોટી આંખો, આકર્ષક દેખાવ  મોહ પમાડે તેવું વ્યક્તિત્વ! ખાસ મોટી ઉંમરના પણ ના લાગ્યા! હું તો જોતી રહી ગઈ! સદ્દનસીબે મારે પણ એ જ ' ફલાઈટ ' માં મુંબઈ જવાનું હતું. હું પણ તેમની પાછળ અંદર ગઈ. હું એ સમયે પત્રકારત્વના ક્ષેત્રમાં નવી જ હતી. અમદાવાદથી મુંબઈ એક આર્ટીકલ માટે ઈન્ટરવ્યુ લેવા જઈ રહી હતી. ઔજસ મુંબઈમાં જ રહેતા હતાં. અહીં એક સાહિત્ય પરિષદમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતાં. ફલાઈટમાં અમારી વચ્ચે ઔપચારિક વાતો થઈ. મેં તેમને મારા કામનો પરિચય આપ્યો. તેમનો એક ઇન્ટરવ્યૂ મારા મેગેઝીન માટે આપવા વિનંતી કરી. તેઓ બોલ્યા મારા ઇન્ટરવ્યુથી તમારા મેગેઝીનને કોઈ ખાસ મસાલો નહીં મળે. મારું જીવન ખુબ સાદું ને સરળ છે, મારો ઇન્ટરવ્યૂ લઈને શું કરશો? મેં કહ્યું, " તમે મારા સવાલોના માત્ર જવાબ આપજો! મસાલો હું નાખી દઈશ! " તેઓ ખડખડાટ હસી પડ્યા.

 

આખરે ઇન્ટરવ્યૂની તારીખ નક્કી કરી અમે છુટા પડ્યા. મારે કામથી થોડા જ દિવસ મુંબઈ રહેવાનું હતું. પરંતુ તે જ સમયે મહારાષ્ટ્રમાં થતી રાજકારણીય ઉથલપાથલની ' સ્ટોરી કવર ' કરવાનું કામ મને મળ્યું એથી મારે વધારે સમય મુંબઈમાં રહેવાનું થયું.

ઈન્ટરવ્યુના કારણે મારી અને ઔજસની અનેક મુલાકાતો થઈ. એમના કહ્યા મુજબ સાચે જ એમનું જીવન સાદગીભર્યું હતું. આટલી પ્રસિદ્ધિ અને પૈસા હોવા છતાંય તેમના વર્તન અને વ્યવહારમાં કયાંય અભિમાન નહીં. ક્યાંય ચમક દમક પણ નહીં. આમેય હું મુંબઈમાં ખાસ કોઈને ઓળખતી નહીં એટલે તેમની સાથે બહાર જતી. હું ખાવાની શોખીન તેઓ મને મુંબઈની પ્રખ્યાત વાનગીઓ ચાખવા લઈ જતાં.

 તેમના વિચારોથી હું પ્રભાવિત તો હતી જ. તેમની મુલાકાતોથી મારા હ્રદયમાં પ્રેમની લાગણી જન્મી હતી. તેઓ પણ મારી તરફ લાગણી ભર્યો વ્યવહાર દર્શાવતા હતા. હું તેમની નજીક વધુ ખેંચાઈ. આખરે એક સાંજે  મે એમની સમક્ષ મારા પ્રેમનો ઈજહાર કરી જ લીધો. મારૂ હૈયું જોરથી ધબકતું હતું. એમના ઉત્તરની રાહમાં એક એક પળ યોજનો સમાન લાગી રહી હતી. તેઓ એ સમયે કશું બોલ્યા નહીં મને તેમની તરફ ખેચી લીધી અને પોતાની બાહોના અલીગણમાં સમાવીને મારી લાગણીઓનો સ્વીકાર કરી લીધો! 

  કેટલી ખુબસુરત હતી એ સાંજ! અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા હતાં! એમની બાંહોનું બંધન મને મીઠું લાગતું હતું. પહેલાં પ્રેમના સ્પંદનોએ મને આનંદિત કરી દીધી હતી. એમનો પ્રેમ પામીને હું પરિપૂર્ણ થઈ હતી!!

ક્રમશ::

-તની

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક